• બુધવાર, 30 એપ્રિલ, 2025

ગાંધીધામ : નાગરિક પરિવહન માટે સરકારમાં દરખાસ્ત

ગાંધીધામ, તા. 29 : ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને સંલગ્ન ગ્રામીણ વિસ્તારમાં નાગરિક પરિવહન માટેની સુવિધા નથી, વર્ષો અગાઉ સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે લાલ બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જે બંધ થયા પછી સિટીબસ સહિતની પરિવહન માટેની કોઈ વ્યવસ્થા નથી, જેના પગલે ટ્રાફિક સહિતની પણ અનેક સમસ્યાઓ સર્જાઇ રહે છે. હવે તેને નિવારવા અને લોકોને પરિવહનની સારી સુવિધા મળી રહે તે માટે મહા નગરપાલિકા દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. ગાંધીધામ મહા નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા પી.એમ. પરિવહન યોજના હેઠળ ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને મહા નગરપાલિકામાં સમાવેશ થયેલા ગ્રામીણ વિસ્તારને જોડતા કુલ 110 ચોરસ કિલોમીટર વિસ્તારમાં છેવાડાના લોકોને પરિવહનની સુવિધા મળી રહે તે માટે રાજ્યના શહેરી વિકાસ મંત્રાલયમાં દરખાસ્ત કરવામાં આવી છે. જો સામૂહિક પરિવહન યોજના હેઠળ સિટીબસની સુવિધા ઉપલબ્ધ થાય, તો ગાંધીધામ આદિપુર, કિડાણા, અંતરજાળ, મેઘપર-બોરીચી, મેઘપર-કુંભારડી, ગળપાદર, શિણાય સહિતના ગ્રામીણ વિસ્તારના લોકો બહુ જ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકશે. આ પરિવહન સુવિધાથી ટ્રાફિક સહિતની સમસ્યાઓ હલ થવાની તો સંભાવના છે જ, તેની સાથોસાથ પ્રદૂષણની પણ સમસ્યા થોડી હળવી બને તેવી પણ શક્યતા છે. ઔદ્યોગિક નગરીમાં ઘર દીઠ વાહનોની સંખ્યા મોટી છે. સામૂહિક નાગરિક પરિવહનની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો સામાન્ય કામ અને થોડા જ અંતર માટે પોતાનું વાહન લઈને બહાર નીકળે છે. એક બાજુ ઉદ્યોગો અને બીજી બાજુ વાહનોની વધતી સંખ્યાના કારણે સંકુલમાં પ્રદૂષણની પણ સમસ્યા છે, તો સામૂહિક નાગરિક પરિવહનની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે તો અનેક સમસ્યાઓથી છુટકારો મળવાની સંભાવના છે, વર્ષો અગાઉ એસ.આર.સી. દ્વારા લાલ બસ સેવા કાર્યરત કરવામાં આવી હતી. સવારે છ વાગ્યાથી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી લોકોને આ સેવાનો લાભ મળતો હતો, તેમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ઘણી રાહત હતી. ખાસ કરીને ઓસ્લો સિનેમાનો  છેલ્લો શો રાત્રે 12 વાગ્યે છૂટતો હતો, ત્યાર સુધી આ સેવા કાર્યરત રહેતી હતી. મહા નગરપાલિકા તેના વિસ્તારમાં લોકોને નાગરિક પરિવહનની સુવિધા મળી રહે તે માટે રૂટ સાથેની દરખાસ્ત કરવામાં આવી છે, જો તેને મંજૂરી મળી જાય તો એક સારી સિટીબસ સેવા નાગરિકો મળી રહેશે. - જી.યુ.ડી.એમ.ને ડીઝલ બસ માટે પત્ર લખ્યો  : ગાંધીધામ, તા. 29 : રાજ્ય સરકારે તત્કાલીન સમયની નગરપાલિકાને 13 સિટી બસ ફાળવવાની વાત કરી હતી અને તે બસ સીએનજી આપવાની હતી, પરંતુ અહીં કોઈ સીએનજી ગેસની વ્યવસ્થાઓ નથી. એટલે સરકારમાં પત્ર વ્યવહાર થયો હતો, પણ તેનો હજુ સુધી કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી. સરકારે સ્થાનિકે ટેન્ડર પ્રક્રિયા કરીને સિટીબસ તેવા શરૂ કરવા માટે કહ્યું હતું, પરંતુ તેમાં જોઈએ તેવી સફળતા મળી નથી. વહીવટી તંત્રે છેલ્લે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશનને પત્ર લખીને ડીઝલ બસની માગણી કરી હતી. તેને  લાંબો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી ડીઝલ બસ ફાળવવામાં આવશે કે નહીં તે બાબતનો કોઈ નિર્ણય આવ્યો નથી. તેવામાં હવે મહા નગરપાલિકાએ દરખાસ્ત કરી છે. કેટલા સમયગાળામાં મ.ન.પા. વિસ્તારમાં પરિવહનની સુવિધા મળે છે, તે જોવાનું રહ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd