નવી દિલ્હી, તા.29 : દક્ષિણ કાશ્મીરના
પહેલગામમાં ક્રૂર આતંકવાદી હુમલા બાદ ભારતના સંભાવિત પગલાંથી ફફડી ઊઠેલા પાકિસ્તાને
કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) અને પંજાબમાં યુદ્ધની તૈયારી શરૂ કરી હોવાનું અહેવાલોમાં
જણાવાયું હતું. પાકિસ્તાની સેનાએ પીઓકેમાં `લલકાર-એ-મોમિન'ના નામથી સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. આ ઉપરાંત પંજાબ પ્રાંતમાં પણ પાકિસ્તાની
સેના `િફઝા-એ-બદર' નામથી સૈન્ય અભ્યાસ કરી રહી છે. આ અભ્યાસમાં
જે-10, એફ-16 અને જેએફ-17 જેવાં યુદ્ધવિમાન સામેલ છે.
કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા બાદ ભારતમાં ભારે ગુસ્સાથી થરથરી રહેલા પાકિસ્તાનને મોટી
જવાબી કાર્યવાહીનો ડર લાગી રહ્યો છે અને એટલે જ તેણે પોતાની સેનાની ગતિવિધિઓની જાણકારી
માટે નિયંત્રણ રેખા (એલઓસી) પર અનેક પગલાં ભર્યાં છે. એક મીડિયા અહેવાલમાં જણાવવામાં
આવ્યું હતું કે પાકિસ્તાની સેના ભારતીય હવાઈ
હુમલાઓની ભાળ મેળવવા માટે સિયાલકોટ સેક્ટરમાં પોતાની રડાર યંત્રણાને આગળ વધારી
રહી છે. આ ઉપરાંત ફિરોઝપુર સેક્ટરમાં ભારતીય ગતિવિધિઓ પર નજર રાખવા માટે પાકિસ્તાની
સેનાને અગ્રીમ સ્થાનોએ ગોઠવવામાં આવી રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાને અંતરરાષ્ટ્રીય
સરહદ (આઈબી)થી માત્ર 58 કિલોમીટરના
અંતરે ચોર છાવણીમાં ટીપીએસ-77 રેડાર સાઈટ
સ્થાપિત કરી છે. ટીપીએસ-77 મલ્ટી રોલ
રેડાર (એમઆરઆર) સક્ષમ રેડાર પ્રણાલી છે.