• બુધવાર, 30 એપ્રિલ, 2025

રાજસ્થાનનો `વૈભવ'શાળી વિજય

જયપુર, તા. 28 : માત્ર 14 વર્ષના વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક બનેલી સદીના બળે રાજસ્થાન રોયલ્સે આઇપીએલમાં સતત પાંચ હાર બાદ ભવ્ય વિજયનો સ્વાદ ચાખ્યો હતો. ટીમે સૂર્યવંશી ઉપરાંત યશસ્વી જયસ્વાલની બેટિંગથી 210ના વિરાટ વિજયલક્ષ્યને એકતરફી જીતમાં પણ પલટયું હતું અને ટીમે ગુજરાત ટાઇટન્સને 16મી ઓવરમાં જ આઠ વિકેટે હરાવી હતી. ગુજરાતે 209 રન બનાવ્યા હતા. રાજસ્થાને આ રોયલ જીત સાથે પ્લે ઓફની આશાને જીવંત રાખી હતી. 210 રનના વિશાળ લાગતા વિજયલક્ષ્ય માટે રાજસ્થાનની શરૂઆત ધમાકેદાર રહી હતી. વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલે આવતાંવેંત જ બાવડાં ઊંચકીને બેટિંગ કરી ગુજરાતના બોલરોને પરેશાન કર્યા હતા. 14 વર્ષના વૈભવે માત્ર 17 દડામાં જ અર્ધસદી જડી દીધી હતી અને તે પછી 35 દડામાં 100 રન બનાવી ઇતિહાસ રચ્યો હતો. તેણે સાત ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા. ગુજરાતના બોલરો આ બેટ્સમેન સામે લાચાર જણાયા હતા. 12મી ઓવરમાં વૈભવ આઉટ થયો હતો. જો કે, તે આઉટ થયો ત્યાં સુધીમાં રાજસ્થાન જીતની નજીક પહોંચી ગઇ હતી. યશસ્વીએ પણ 40 દડામાં તોફાની 70 અણનમ રન ઝૂડયા હતા. તેણે નવ ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા હતા. તેણે અને વૈભવે પહેલી વિકેટ માટે 166 રનની ભાગીદારી કરી આઇપીએલનો નવો વિક્રમ બનાવ્યો હતે. રિયાન પરાગે 15 દડામાં બે ચોગ્ગા-બે છગ્ગા સાથે અણનમ 32 રન સાથે ટીમને 15.5 ઓવરમાં બે વિકેટે 212 રન સાથે વિજય અપાવ્યો હતો. ગુજરાતે સાત બોલર અજમાવ્યા હતા, જે પૈકી માત્ર પ્રસિદ્ધ કૃષ્ણા અને રાશિદ ખાન જ વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. આ પહેલાં પિન્ક સિટી જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં ગૃહ ટીમ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સે 20 ઓવરના અંતે 4 વિકેટે 209 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ટાઇટન્સ તરફથી શુભમન ગિલે 84 રનની કેપ્ટન ઇનિંગ્સ રમી હતી અને જોસ બટલરે ડેથ ઓવર્સમાં પાવર હિટિંગ કરીને અણનમ અર્ધસદી ફટકારી હતી. રાજસ્થાન રોયલ્સના ઇન્ચાર્જ કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. આઇપીએલ-202પની શ્રેષ્ઠ ઓપનિંગ જોડી ગણાતી શુભમન ગિલ અને સાઇ સુદર્શને ફરી એકવાર ગુજરાતને મક્કમ શરૂઆત અપાવી હતી. આ બન્ને વચ્ચે પહેલી વિકેટમાં 62 દડામાં 93 રનની સંગીન ભાગીદારી થઇ હતી. સાઇ સુદર્શને તેનું શાનદાર ફોર્મ જાળવી રાખીને 30 દડામાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાથી 39 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. આ દાવ દરમિયાન તે ઓરેન્જ કેપની રેસમાં કોહલીને ખસેડીને ટોચના સ્થાને આવી ગયો હતો. સારી શરૂઆત પછી કપ્તાન ગિલ અને બેટલરે રાજસ્થાનના બોલરો સામે હલ્લાબોલ કર્યું હતું. આ બન્ને વચ્ચે બીજી વિકેટમાં 38 દડામાં 74 રનની ઝડપી ભાગીદારી નોંધાઇ હતી. ગિલ ફરી એકવાર સદી નજીક પહોંચીને આઉટ થયો હતો. તેણે પ0 દડામાં પ ચોગ્ગા અને 4 છગ્ગાથી 84 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. અંતમાં બટલરે 36 દડામાં 3 ચોગ્ગા-4 છગ્ગાથી અણનમ પ0 રન કરી ગુજરાત ટાઇટન્સનો સ્કોર 4 વિકેટે 209 રને પહોંચાડયો હતો. તેવતિયા 9 રને આઉટ થયો હતો અને શાહરૂખ ખાન પ રને અણનમ રહ્યો હતો. રાજસ્થાન તરફથી મહીશ તિક્ષ્ણાએ 2 અને જોફ્રા આર્ચર-સંદીપ શર્માએ 1-1 વિકેટ લીધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd