ગાંધીધામ, તા. 29 : રાપર તાલુકાનાં હમીરપર ગામે
ચકચારી એવા પાંચ લોકોની હત્યાના પ્રકરણમાં એક આરોપીને નિયમિત જામીન પર મુક્ત કરવામાં
આવ્યો હતો. હમીરપર ગામે પેથાભાઇ તથા અખાભાઇને મોહનસિંહ ઉમેદરસંગ વાઘેલા, ભગુભાના દીકરા સિદ્ધરાજસિંહ સાથે ત્રણેક વર્ષ
પહેલાં ઝઘડો થયો હતો, જે અંગે પોલીસ ફરિયાદ પણ થઇ હતી,
તેનું મનદુ:ખ રાખી તથા વિશન હીરા કોળીના બાપદાદાની જમીન ભગુભા હાસુભા
વાઘેલા મારફતે કોઇ પાર્ટીને વેચી નાખી હતી. જમીન લેનાર પાર્ટીએ મૃત્યુ પામેલા અખાભાઇ ઉમરને વાવવા માટે જમીન આપી
હતી. ભગુભા વાઘેલા કોળી સમાજના માણસોને જમીન મારા બાપદાદાની છે અને અખાને વાવવા પાર્ટીએ
આપેલ છે. અખા પાસેથી જમીન પાછી લઇ લેવા ચડામણી કરતો હતો. અખાભાઇ તથા તેમના દીકરા લાલજી
સાથે ધમા ગેલા કોળી, લાખા હીરા અને અન્ય લોકો સાથે બોલાચાલી,
ઝઘડો થયા બાદ સમાધાન પણ થયું હતું, જેનું મનદુ:ખ
રાખી આરોપીઓએ બંદૂક, ધારિયા, લાકડીઓ વડે
હુમલો કરતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં, જે અંગે પોલીસે 22 લોકોની ધરપકડ કરી હતી. વર્ષ
2020ના આ પ્રકરણમાં પોલીસે ચાર્જશીટ
રજૂ કરી હતી. દેવેન્દ્રસિંહ ઉર્ફે લાલુભા ગેલુભા વાઘેલાએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી
કરતાં તે રદ થઇ હતી, બાદમાં રાજ્યની
વડી અદાલતમાં અરજી કરી બાદમાં પરત ખેંચી હતી. ત્યારબાદ ચાલતા કામે ભચાઉની સેશન્સ કોર્ટમાં
જામીન માટે અરજી કરી હતી, જેમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા
બાદ તેને જામીન પર મુકત કરવાનો હુકમ કરાયો હતો. આ કેસમાં દેવેન્દ્રસિંહના વકીલ તરીકે
હિતેન્દ્રસિંહ બી. વાઘેલા, નરેન્દ્રસિંહ બી. જાડેજા, અશ્વિન આર. ઢીલા, વિજયભા પી. ગઢવી, કલ્પેશ એન. વાવિયા, હરપાલસિંહ કે. જાડેજા હાજર રહ્યા હતા.