સંસદે બહુમતી સાથે વકફ ખરડો પસાર કર્યા બાદ રાષ્ટ્રપતિએ તેના
પર આખરી મહોર માર્યા બાદ આ ખરડો કાયદાનું સ્વરૂપ મેળવી ચૂક્યો છે. આ વાસ્તવિક્તા વચ્ચે
દેશના ઘણા ભાગોમાં અને અદાલતોમાં આ ખરડા સામે વિરોધનો સૂર દિવસોદિવસ વધી રહ્યો છે.
સર્વોચ્ચ અદાલતમાં વકફ કાયદાના વિરોધમાં સંખ્યાબંધ કેસ દાખલ થઈ રહ્યા છે, તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા
બેનર્જીએ તેમના રાજ્યમાં આ કાયદાનો અમલ થશે નહીં એવી જાહેરાત કરીને બંધારણીય અને સંસદીય
વ્યવસ્થાની સામે ગંભીર પ્રશ્નાર્થ ખડો કર્યો છે. લઘુમતી મુસ્લિમ સમાજનાં હિતોના રક્ષણના
ઓઠા તળે સંખ્યાબંધ પક્ષો મેદાને પણ પડયા છે. મતોના રાજકારણથી પ્રેરિત જણાતો આ વિરોધ
લોકશાહીની સામે સીધો પડકાર બની રહ્યો છે. રાજકીય
વિશ્લેષ્કો માને છે કે, વકફ સુધારા ખરાડાને લાવતા પહેલાં તે અંગે
સર્વસમંતિ સધાઈ હોત તો હાલના વિરોધને ટાળી શકાયો હોત અને સર્વોચ્ચ અદાલતને અરજીઓ દાખલ
કરવી પડી ન હોત. મણિપુરથી કાશ્મીર અને બંગાળ સુધી લોકો વિરોધમાં તોફાનો કરી રહ્યા છે.
હાલત એવી છે કે, કાયદાની તરફેણમાં બોલનારાને નિશાન બનાવાઈ રહ્યા
છે. મણિપુરમાં એક નેતાનાં ઘરને આગચંપી કરી દેવાઈ છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ભારે
ધાંધલ-ધમાલ વચ્ચે ધારાસભ્યો સામસામે આવી ગયા હતા. વિવાદ વધતાં સ્થિતિ મારપીટ સુધી પહોંચી
ગઈ હતી. આમ તો આ ખરડાની સામે વિપક્ષને આરંભથી
વાંધો રહ્યો હતો. સરકારે આ માટે એક સંસદીય
સમિતિની રચના પણ કરી હતી, પણ તેમાં કોઈ નક્કર ફળશ્રુતિ સામે આવી
ન હતી. વિપક્ષી નેતાઓ તેમના વાંધાનો યોગ્ય ઉકેલ કરાયો ન હોવાના સતત આરોપ મૂક્તા રહ્યા
છે, પણ સંસદના બન્ને ગૃહમાં આ ખરડા પરની ચર્ચા દરમ્યાન વિપક્ષે
કોઈ સ્પષ્ટ કે નક્કર વાંધા ઉઠાવવાને બદલે રાજકીય આરોપો મૂકવા પર જ ધ્યાન કેન્દ્રિત
રહ્યાનો તાલ સામે આવ્યો હતો. હવે જ્યારે ખરડો પસાર થઈને કાયદો બની ચૂક્યો છે ત્યારે
તેના વિરોધીઓ હિંસક દેખાવો અને રાજકીય વાંધા વ્યક્ત કરીને વાતાવરણને ડહોળવા મંડી પડયા
હોય એવો તાલ સર્જાયો છે. બીજી તરફ સર્વોચ્ચ અદાલતે આ કાયદા વિરુદ્ધની અરજીઓ દાખલ કરીને
સંસદના અધિકાર ક્ષેત્રમાં સીધી દખલગીરી કરીને લોકશાહીના સિદ્ધાંતોની સામે સવાલ ખડા
કર્યા છે. ખરેખર તો તમામ સંબંધિતોએ તેમના વાંધા
અને તરફેણ બન્નેને લોકશાહીનાં માળખાંને અનુરૂપ રાખીને સ્વસ્થ પરંપરા ઊભી કરવાની તાતી
જરૂરત છે.