• સોમવાર, 14 એપ્રિલ, 2025

કચ્છમાં ગ્રાહકો-વેપારીઓ મૂંઝવણમાં, કારીગરો મુશ્કેલીમાં

મુંજાલ સોની દ્વારા : ભુજ, તા. 12 : જગત જમાદાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની તલવારે દુનિયાભરની બજારોમાં ભારે ઊથલપાથલ મચાવી દીધી છે અને સોનાં-ચાંદી બજાર પણ તેમાંથી બાકાત નથી.10 માર્ચ બાદ સુવર્ણ અને રજતના ભાવ રોકેટગતિએ ઉપર ચડયા બાદ બીજી એપ્રિલે ટેરિફ અમલી બન્યા બાદ સડસડાટ નીચે ઊતર્યા અને હવે શુલ્ક પર ટ્રમ્પના નરમ વલણ બાદ ફરી એકવાર તીવ્ર તેજીનો દોર શરૂ થયો છે ત્યારે કચ્છની સોનાં-ચાંદી બજારમાં કેટલાય દિવસોથી અનિશ્ચિતતાનો માહોલ છે. વૈશાખના લગ્નસરાની ખરીદીની સિઝન  શરૂ થઈ ગઈ છે, પણ ખરીદીમાં 70 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. જેમને ફરજિયાત દાગીના લેવાના છે એવા મધ્યમવર્ગનો મરો થઈ ગયો છે. કેટલાય દિવસ ઉપરથી સોદા લખવાનું બંધ હતું અને લેતીદેતીમાં મોટા માર્જિનથી વેપારીઓ મૂંઝવણમાં છે. વાયદા બજારમાં તેજીમાં રમનારાઓ સલવાઈ ગયા છે, શેરબજારમાં મોટા કડાકાને પગલે કચ્છની બજારમાં પણ ઘણા સમૃદ્ધોએ સોનું વેચવા કાઢતાં બજારમાં નાણાંની સમસ્યા પણ સર્જાઈ હતી અને આ બધા વચ્ચે સૌથી કફોડી હાલત કારીગરોની થઈ છે. કચ્છમાં લગભગ સાતથી આઠ હજાર કારીગરો છે અને દોઢેક મહિનાથી તેમની પાસે નહિવત કામ છે.  ઘણા કારીગરો તો હાલ પૂરતા અન્ય વ્યવસાય તરફ વળી ગયા છે. - ચાર-પાંચ દિવસ તો સોદા બંધ! : માહિતગાર સોનાં-ચાંદીની કિંમતોમાં તીવ્ર વધ-ઘટને લીધે  હાલમાં ચાર-પાંચ દિવસ તો ઉપર (અમદાવાદ)થી સોદા લખવાના જ બંધ થઈ ગયા હતા જેને લીધે સ્થાનિક બજારમાં ઓર્ડર લઈને બેઠેલા વેપારીઓ માટે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ હતી. વેપારીઓ માટે એક તબક્કે સોનાંની લેતી અને દેતી વચ્ચે 1પથી 18 હજારનું માર્જિન (ગાળો) આવી જતાં વેપારીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. માર્ચ મહિનામાં સોનું વેચાતું નહોતું અને એપ્રિલના શરૂઆતના દિવસોમાં લેવા જાવ તો કોઈ ભાવ ન કહે એવી સ્થિતિ ઊભી થઈ હતી. સામાન્ય રીતે ગ્રાહક ઓર્ડર લખાવે ત્યારે વેપારીઓ પાસે હાજરમાં સોનું ન હોય તો એ સમયે બોલ્ટમાંથી ખરીદી લે અને પછી હાજર મળે ત્યારે તેમાં સુલટાવી નાખે પણ બહુ મોટા પાયે વધઘટ થાય ત્યારે વેપારીઓ માટે પણ અઘરી પરિસ્થિતિ સર્જાય. સામાન્ય રીતે સુવર્ણકાર વેપારીઓ સારા નફામાં જ હોય, પણ મોટી વધઘટ વખતે ધંધો મુશ્કેલ થઈ જતો હોય છે અને અંતે તો ગ્રાહક પર પણ ભારણ વધી જાય છે. બજારમાં અનિશ્ચિતતાનો માહોલ છે અને કેટલાય દિવસોથી રોલિંગ (અર્થતંત્રનું  ચક્ર) બંધ થઈ ગયું હોય એવી હાલત સર્જાઈ છે. - વૈશાખનાં લગ્નોની ખરીદી કરવી છે પણ કેમ કરવી ?  : આગામી લગ્નોની ખરીદી સામાન્ય રીતે દોઢેક મહિના પહેલાં જ શરૂ થઈ જતી હોય છે એટલે કે અત્યારે ખરીદીની મોસમ હોય, પણ જે રીતે સોનું-ચાંદી વધી રહ્યા છે તેને લઈને લોકો ખાસ કરીને મધ્યમવર્ગ અવઢવમાં છે અને ભાવ ઘટે કે થોડા ઘટીને સ્થિર થાય તેની રાહ જોઈ રહ્યો છે. મોટો વર્ગ તો જૂના સામે નવા દાગીના બનાવડાવતો હોય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમાન્ય રીતે કચ્છમાં સોનાંનો કારોબાર સરેરાશ અઢારથી વીસ કિલોનો હોય છે, પણ અત્યારે તો તે ઘટીને પાંચેક કિલોએ આવી ગયો છે. ગ્રાહકો બજારમાં ઓછા છે ત્યારે રાજકોટ અને અમદાવાદથી કચ્છમાં માલ વેચવા આવતા હોલસેલરોની ટ્રિપ પણ સાવ ઓછી થઈ ગઈ છે. કચ્છની ખાસિયત એવી જસતી પાયલની માંગ ગુજરાતભરમાં અને બહાર પણ છે. સારી વાત એ છે કે, તેની માંગમાં બહુ ઘટાડો થયો નથી પણ તેની ખરીદીમાં થોડો ઘટાડો નોંધાયો છે. અમુક વેપારીઓના જણાવ્યા અનુસાર કારોબારનું ટર્નઓવર વધતું હોય છે, પણ  વજનની રીતે જોઈએ તો વેપાર ઘટતો જાય છે. - વાયદા બજારમાં સોદા બાકી હતા તે સલવાયા : સોનાંમાં ભભૂકતી તેજી હતી અને પછી એપ્રિલના આરંભમાં અચાનક કડાકા બોલી જતાં વાયદા બજારમાં તેજીમાં સોનાં-ચાંદીના ભાવમાં ઊથલપાથલ રમનારા સલવાઈ ગયા હતા. એમસીએક્સમાં જેમના સોદા બાકી હતા અને વલણ ભરવાના હતા તેમને ભારે ખોટ ખાવી પડી. સોદા કપાવવા પડયા અને છેલ્લા કેટલાય મહિનાઓથી ભારતની શેરબજારોની હાલત અત્યંત ખરાબ છે ત્યારે કચ્છમાં પણ સોદાઓમાં અનેક જણને મોટી લપડાકો લાગી ગઈ છે અને એ પૈકી ઘણાએ હિસાબો સરભર કરવા માટે મોટાપાયે સોનાં-ચાંદી વેચવા કાઢ્યા હતા અને બજારમાં કરન્સીનો પ્રશ્ન પણ સર્જાયો હતો. ઘણાના પેમેન્ટ અટક્યાય હતા એમ સૂત્રોએ જણાવ્યું હતું.  કચ્છ બુલિયન ફેડરેશનના આઈ.પી.પી. જગદીશ ઝવેરી જણાવે છે કે, બજારમાં અત્યારે અનિશ્ચિતતાનો માહોલ છે અને થોડો સમય જારી રહે તેવી દહેશત છે, પણ પછી યથાવત્ થાય તેવી આશા છે. અત્યારે ભાવની વધઘટને લીધે લગ્નસરાની આગોતરી ખરીદી હોવી જોઈએ તેનાથી ઘણી ઓછી છે.  ભુજ બુલિયન એસોસીએશનના પ્રમુખ ભદ્રેશ દોશી કહે છે કે, કિંમતોમાં આવી વધઘટ અભૂતપૂર્વ છે એટલે જ ગ્રાહકોની સાથે વેપારીઓ માટે પણ વિચિત્ર સ્થિતિ ઊભી થઈ છે. બીજી એપ્રિલ બાદ કિંમતો ઘટતાં બજારમાં ફરી હલચલ જોવા મળી હતી અને ખરીદી શરૂ થઈ હતી પણ હવે ફરી ભાવ વધી જતાં તેની અસર દેખાય છે. અખિલ કચ્છ સોનાં-ચાંદી મહામંડળના પ્રમુખ હીરાલાલ સોની કહે છે કે, એકંદરે ભાવ વધતા જાય છે અને કારીગરો પાસે કામ નથી. કેટલાક કારીગરો તો અન્ય વ્યવસાય તરફ વળ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.  - મોટા ખેલાડીઓનો ખેલ ? : બજારના અમુક સૂત્રોએ એવી શંકા વ્યક્ત કરી હતી કે, જે રીતે શેરબજાર અને સોનાં-ચાંદીના ભાવમાં વધઘટ થાય છે અને અમેરિકી પ્રમુખ પણ ટેરિફ લગાવે છે. અલગ-અલગ આકરાં નિવેદનો આપે છે અને પછી ફરી વલણ હળવું કરે છે. આપણા સમય મુજબ સાંજે અને રાત્રે એક ભાવે વૈશ્વિક બજારો ખૂલે છે અને પછી તેમાં કઈક ચડાવઉતાર આવે છે તેને જોતાં આ મોટા ખેલાડીઓ અને સત્તાધીશોના ખેલ હોવાની આશંકા અસ્થાને નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd