ગાંધીધામ, તા. 12 : ગાંધીધામ મહાનગરપાલિકાનું વહીવટી
તંત્ર જળસંચય અને બ્યૂટીફિકેશનનાં કામો પાછળ લગભગ નવ કરોડની રકમ ખર્ચ કરવાનું છે. મહાનગરપાલિકા
જાહેર થયા બાદ મુખ્યમંત્રીએ લોકોને નજરે પડે તેવાં અને શહેર સુંદર દેખાય તેવાં બ્યૂટીફિકેશનનાં
કામો કરવા માટે કહ્યું હતું, મનપાનું
વહીવટી તંત્ર તે દિશામાં આયોજન ઘડી રહ્યું છે.
ગળપાદરનાં તળાવની સુંદરતા વધારવા અને જળસંચયનાં કામ માટે મહાનગરપાલિકા લગભગ
5 કરોડ રૂપિયા ખર્ચવાની છે, તો ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે ગાંધીધામ-આદિપુર
જોડિયા શહેરમાં આવેલા આઠ બગીચામાં વિકાસનાં કામો હાથ ધરવામાં આવશે તેમજ બગીચાની સુંદરતા
માટે દીવાલો ઉપર ચિત્રો દોરવામાં આવશે અને ઘણા બગીચાઓની દીવાલ ઉપર ચિત્રકામ શરૂ કરી
દેવામાં આવ્યું છે. આ ઉપરાંત મહાનગરપાલિકાનાં વહીવટી તંત્ર દ્વારા શહેરનાં હયાત ડિવાઇડર
તથા સ્ટ્રીટ લાઈટના પોલમાં કલરકામ માટે એક કરોડ રૂપિયાના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું
છે. શહેરને સુશોભિત કરવા અને સુંદરતા વધારવા માટે તંત્ર કમર કસી રહ્યું છે,
પણ તેની સાથોસાથ જો સફાઈ અને સ્વચ્છતા ઉપર ધ્યાન આપવામાં આવે તો શહેરનાં
પ્રવેશદ્વારથી લઈને મહાત્મા ગાંધી માર્કેટ સુધીમાં સુંદરતામાં વધારો થઈ શકે તેમ છે. આદિપુરમાં આવેલું આદિસર તળાવ એસઆરસી દ્વારા સંચાલિત
છે અને તેમના દ્વારા જ જાળવણી અને નિભાવ કરવામાં આવી રહ્યાં છે. આગામી સમયમાં તળાવને
વિકસિત કરવાની સાથે સાથે સુશોભિત પણ કરવામાં આવે તેવી સંભાવના છે, તો કિડાણામાં આવેલાં તળાવની સુંદરતા વધારવા માટે દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા
કામગીરી કરવામાં આવશે. અહીં પ્રશાસન આગામી સમયમાં બ્યૂટીફિકેશનનાં કામો હાથ ધરે તેવી
શક્યતાઓ છે. હાલના સમયમાં તો ગાંધીધામ મહાનગરપાલિકાનું તંત્ર શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં
જળસંચય અને તળાવની સુંદરતા વધારવા માટે ભાર મૂકી રહ્યું છે. ખાસ કરીને તંત્ર હસ્તકના
જે 10 પૈકી આઠ બગીચાના વિકાસ ઉપર
વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જ્યારે લગભગ બે કરોડથી વધુના ખર્ચે આદિપુરના
રાજેન્દ્ર પાર્કનું કામ ચાલુ છે, તો 3-એમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ પાર્કમાં
50 લાખ રૂપિયાના ખર્ચે કામ પૂર્ણતાના
આરે છે.