• બુધવાર, 30 એપ્રિલ, 2025

ટ્રમ્પ વિ. જિનપિંગ : જીતશે કોણ?

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : યુક્રેન ઉપર રશિયાનું આક્રમણ અને ગાઝા - હમાસ ઉપર ઈઝરાયલનાં જવાબી આક્રમણમાં વિશ્વયુદ્ધના ભણકારા હોવાથી યુદ્ધવિરામ અને સમાધાનના પ્રયાસ થઈ રહ્યા હતા, ત્યાં વિશ્વ `વ્યાપાર યુદ્ધ' શરૂ થઈ ગયું છે અને સૌને યુક્રેન, ઈઝરાયલને ભૂલીને અમેરિકાનાં `ટેરિફ વોર'ની ચર્ચા અને ચિંતા શરૂ થઈ છે ! આ વ્યાપાર યુદ્ધનાં કેન્દ્રમાં અમેરિકા સામે ચીન છે. વિશ્વની બે આર્થિક મહાસત્તા વચ્ચે મધ્યસ્થી, સમાધાનની શક્યતા નથી. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત સંખ્યાબંધ દેશોથી થતી આયાત ઉપર અચાનક જકાત વધારી દીધી છે. અલબત્ત, ટ્રમ્પે અગાઉ આવી  જાહેરાત કરી હતી, પણ તે માત્ર ચૂંટણી પ્રચાર છે એવી માન્યતા હતી, હવે હકીકત છે. બે આર્થિક સત્તા વચ્ચેનાં આ મહાયુદ્ધનું પરિણામ ક્યારે, કેવું આવે છે તે જોવાનું છે, પણ ટ્રમ્પના દાવા અનુસાર 75 જેટલા દેશોએ વાટાઘાટ કરવાની, રાહતની વિનંતી કર્યા પછી ત્રણ મહિના જકાત વધારો રોકવાની, મુલતવી રાખવાની જાહેરાત થઈ છે, જ્યારે ચીને તો અમેરિકા સામે આખર - છેવટ સુધી લડી લેવાની ધમકી આપી છે. પ્રેસિડન્ટ ટ્રમ્પ કહે છે કે વર્ષો સુધી ચીને અમેરિકામાં લૂંટ ચલાવી છે. અમેરિકાની અગાઉની સરકારોની આંખે પાટા હતા અને ખિસ્સાં ખુલ્લાં હતાં - આ સ્થિતિનો પૂરો લાભ ચીને ઉઠાવ્યો. ચીનમાં લોકશાહી - માનવ અધિકાર અને કામદારોનાં હિત - રક્ષણનો પ્રશ્ન જ નથી, તેથી સસ્તી મજૂરીથી ઉત્પાદન ખર્ચ ઘણો ઓછો આવે છે. આ દરમિયાન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTOમાં જોડાયા પછી વિશ્વ - વ્યાપાર માટે ચીનને મોકળું મેદાન મળી ગયું. તમામ દેશોમાં ચીની માલસામાનની ધૂમ નિકાસ થઈ અને સસ્તા માલની ખરીદી માટે પડાપડી થવા લાગી. આપણા દેશમાં દિવાળીનાં તોરણથી લઈને મોટરકારમાં પ્લાસ્ટિકના પવનપુત્ર પણ લટકાવાયા ! ભગવાન રામ પણ મેઇડ ઇન ચાઇના ! અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં પણ ચીને બજાર સર કરી લીધાં. અમેરિકનો સરકાર પાસેથી બેકારીભથ્થાં મેળવીને સીધા ચીની ટીવી, મોબાઇલ કે ફ્રીજ ખરીદવા દોડે છે એવી ટીકા પણ સરકારે સાંભળી નહીં ! ટ્રમ્પે ચૂંટણીમાં લોકોને વચન આપ્યું કે અમેરિકાને ફરીથી ગ્રેટ - મહાન બનાવીશું, પણ અમેરિકાને નબળું કોણે - શા માટે બનાવ્યું ? આશરે પચ્ચીસ વર્ષ અગાઉ ચીનને WTOમાં પ્રવેશ અપાયો ત્યારે ક્લીન્ટને કહ્યું હતું : `ચીન આપણી સાથે વ્યાપાર કરવા તૈયાર છે. એટલું જ નહીં, પણ લોકશાહીના પવિત્ર સિદ્ધાંત પણ સ્વીકારે છે.' ચીનને કાયમી વ્યાપાર સંબંધનો દરજ્જો મળ્યો. Permanent Normal Trade Relations (PNTR) પચ્ચીસ વર્ષ પછી અમેરિકામાં ચીની માલની આયાત 100 બિલિયન ડોલરથી વધીને 463.9 બિલિયન ડોલર થઈ છે. અમેરિકાની વ્યાપાર ખાધ 83 બિલિયન ડોલરથી વધીને 295.4 બિલિયન થઈ છે ! ચીને અમેરિકા અને વિશ્વભરમાં ઘૂસણખોરી કરવા માટે વ્યાપાર અને નાણાકીય ભ્રષ્ટાચારનો રાજમાર્ગ અપનાવ્યો. સોવિયેત સંઘ છિન્નભિન્ન થયા પછી પશ્ચિમના દેશોની ઉદારતાનો લાભ લઈને WTOમાં જોડાયું. આ પહેલાં શીતયુદ્ધ પછી સોવિયેત રશિયાનો હાથ પકડીને યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલમાં કાયમી બેઠક મેળવી (આ કાયમી બેઠકનાં કારણે આપણી સામે અને પાકિસ્તાનની મદદમાં વીટો વાપરે છે !) આ પછી રશિયાને છોડીને અમેરિકા સાથે સંબંધ વધાર્યા ! આમ, ચીને સર્વત્ર પગપેસારો કર્યો છે. નેપાળ, શ્રીલંકા, બાંગલાદેશમાં સરકારોને `ખરીદી'ને મોટા વિસ્તારોમાં ચાઇના ટાઉન બનાવ્યાં છે. ઇટાલીમાં તો આવા વિસ્તારોમાં ચીની સરકાર અને કાનૂનના અમલ માટે ચીની અદાલતો પણ સ્થાપી છે! આટલું હોવા છતાં પશ્ચિમી દેશોએ આંખો પરના પાટા ખોલ્યા નહીં ! આપણાં યુવાધનની હિજરત અમેરિકામાં થઈ. આપણે બ્રેઇન ડ્રેઇનનો ભોગ બન્યા. લાભ અમેરિકાને થયો, પણ છેલ્લા બે દાયકામાં ચીને અમેરિકાની લેબોરેટરીઝ અને યુનિવર્સિટીઓમાં ઘૂસણખોરી કરીને સ્કોલરોને ફોડયા, રિસર્ચ રિપોર્ટની ચોરી કરીને ચીન પહોંચાડી તેનો ઉપયોગ નકલ કરીને ઉત્પાદન કરવામાં કર્યો છે. હાર્વર્ડના સિનિયર પ્રોફેસર ચીનના એજન્ટ બન્યા અને ચીન પાસેથી મળેલા લાખ્ખો ડોલરનો હિસાબ આપ્યો નહીં અને 2011માં નોબેલ પ્રાઇઝ મેળવવા માટે ચીનની વુહાન યુનિવર્સિટી ફોર ટેક્નોલોજીમાં સ્ટ્રેટેજિક સાયન્ટિસ્ટ બન્યા હતા. આ યુનિવર્સિટીમાં અમેરિકાના ઉચ્ચ કક્ષાના રિસર્ચ સ્કોલરોની ભરતી કરવામાં આવી. જાન્યુ. - 2020માં આ પ્રોફેસર ઉપર કાનૂની કાર્યવાહી થઈ અને જ્યુરીએ સજા કરી, પણ આવા અનેક દાખલા પ્રકાશમાં આવ્યા હોવા છતાં ચીનને આંચ આવી નથી! અમેરિકી કંપનીઓના રિસર્ચ રિપોર્ટ અને પ્રોડક્ટ ડિઝાઇન મેળવીને ચીનમાં જથ્થાબંધ ઉત્પાદન અને નિકાસ થાય છે. અલબત્ત, આમાં અમેરિકાની વ્યાપારી - લોભવૃત્તિ જવાબદાર છે. સસ્તી મજૂરી અને નફાખોરીએ ચીનને મહાસત્તા અને અમેરિકાને પાયમાલ કર્યું છે ! હવે અમેરિકી દૂધ - મલાઈ ખાઈને ચીન ફૂંફાડા મારે છે. છેવટ સુધી લડી લેવાની ધમકી આપે છે. અમેરિકાની જકાત સામે પોતે પણ જકાત વધારે છે : વાસ્તવમાં આ વ્યાપાર યુદ્ધમાં અમેરિકા ભલે શક્તિશાળી હોય, ટ્રમ્પના હાથ બંધાયેલા છે. લોકશાહી હોવાથી એમના પક્ષમાં અને રાષ્ટ્રમાં એમની ટીકા અને જકાતનીતિનો વિરોધ થઈ રહ્યો છે. મોંઘવારી, અછત અને મંદીનો ભય છે. આયાત થતો માલ લોકોને મોંઘો મળશે. અમેરિકામાં જીવનજરૂરી માલસામાનનું ઉત્પાદન માંગ કરતાં ઘણું ઓછું છે. યુરોપના દેશો તથા મિત્રદેશોની આયાત ઉપર આખરે આધાર રાખવો પડશે. 86 દેશથી થતી આયાત ઉપર ટેરિફ વધારો ત્રણ મહિના માટે મુલતવી રાખ્યો, પણ માત્ર ચીન ઉપર 125 ટકા શા માટે ? આનું કારણ જાણવા જેવું છે. ટ્રમ્પનો અહમ્ ઘવાયો છે. એમની ગણતરી એવી હતી કે શી જિનપિંગ સામેથી ફોન કરીને વાત તો કરશે. તેના બદલે ચીને ધમકી આપીને અમેરિકા ઉપર જકાત વધારી નાખી ! બીજું, ટીકટોક અમેરિકન માલિકને વેચી નાખવાની તાકીદ - નોટિસને પણ ગણકારી નથી. ચીનમાં લોકશાહી નથી. સરમુખત્યારે જકાત વધારવા - ઘટાડવા કોઈની મંજૂરી લેવાની જરૂર નથી. અર્થશાત્રીઓ - લોકો - મીડિયા - સૌ કોઈ `મૌન' છે અને રહેશે, તેથી સરમુખત્યારને ચિંતા - પરવા નથી ! ચીન પોતાના માલસામાનની નિકાસ ભારત અથવા અન્ય દેશોને કરે અને ત્યાંથી માલ અમેરિકા જાય તેવી સંભાવના છે, પણ આખરે અમેરિકા આવું ચાલવા દેશે ? આર્થિક મહાસત્તા સાથે ચીન વિશ્વની એકમાત્ર મહાસત્તા બનવા માગે છે... અને તે માટે વિશ્વયુદ્ધ કરવા પણ તૈયાર છે ! - ફ્લેશબેક - અમેરિકા અને યુકેની યુનિવર્સિટીઓને આપે છે કરોડો ડોલરની `ગ્રાન્ટ' : ફેબ્રુઆરી - 2020માં `વોલ સ્ટ્રીટ જર્નલ'માં છપાયેલા ઈન્વેસ્ટિગેશન રિપોર્ટમાં બહાર આવ્યું કે અમેરિકાની બે મોટી અને વિખ્યાત યુનિવર્સિટીએ 6.5 બિલિયન ડોલર `દાન' અથવા તો `ભેટ' સ્વરૂપે ચીન, સાઉદી કતાર અને યુએઈ પાસેથી મેળવ્યા હતા. આમાંથી હાર્વર્ડ યુનિવર્સિટીએ તો એકલા ચીન પાસેથી એક બિલિયન ડોલરની જંગી રકમ મેળવી હતી. આમાંથી હાર્વર્ડે માત્ર 9.7 કરોડ ડોલર જાહેર કર્યા. બાકીના 90.3 કરોડ અનએકાઉન્ટેડ (આપણે `બ્લેક મની, બિનહિસાબી કહીએ છીએ, તે હતા. અમેરિકાની ફેડરલ એજન્સીઓ દ્વારા થયેલી તપાસમાં આ `કૌભાંડ' બહાર આવ્યું છે. હાર્વર્ડ અને યેલ યુનિવર્સિટીને `દાન'માં મળેલી અને એમણે વાપરેલી આ જંગી રકમ `અનએકાઉન્ટેડ' હોવાના પુરાવા મળ્યા છે. પ્રશ્ન એ છે કે ચીન અને અન્ય દેશોએ આ બંને યુનિવર્સિટીને આટલી મોટી રકમ શા માટે આપી ? અને એ પણ અન્ડર ધ ટેબલ ? ફેડરલ એજન્સીએ તપાસ હાથ ધર્યા પછી સંખ્યાબંધ પ્રોફેસરો - સાયન્ટિસ્ટો અને ફેકલ્ટી મેમ્બર્સની ધરપકડ થઈ છે અથવા તો બરતરફ થયા છે. આ લોકો ચીનની યુનિવર્સિટીઓ માટે `ગેરકાયદે' કામ કરતા હતા. લગભગ તમામ લોકો અમેરિકન યુનિવર્સિટીઓ પાસેથી વેતન મેળવતા હતા, છતાં `ચીન તરફથી મળતી રકમ' જાહેર કરી નહીં. આ પ્રકરણની છેલ્લી માહિતી અનુસાર ટોચના 54 સાયન્ટિસ્ટોએ ચીન સાથેના `ગુપ્ત - છૂપાવેલા સંબંધ'ની કબૂલાત પણ કરી છે. અમેરિકાનાં નાણાં - સાધનો વાપરીને `ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ' -(સંશોધનો) ચીનને આપવામાં આવ્યાં, પણ ચીન દ્વારા અમેરિકન યુનિવર્સિટીઓના `ટોપ' ગણાતા સાયન્ટિસ્ટોને માસિક પચાસ હજાર ડોલરનું `માન - ધન' આપીને ચીનની યુનિવર્સિટીઓનાં કામે લગાડયા હતા - સંખ્યાબંધ સંશોધનપત્રો ચોરીછૂપીથી ચીને મેળવી લીધા છે ! (અત્રે અપાયેલી માહિતી અમેરિકા સ્થિત મિત્ર રાજેન્દ્ર વોરાને આભારી છે.) આ `કૌભાંડ'ની શરૂઆત કેવી રીતે થઈ એ પણ જાણવા જેવું છે ! શી જિનપિંગની પુત્રી શી મિંગત્સેએ અન્ય નામ ઓળખ આપીને હાર્વર્ડમાં પ્રવેશ મેળવ્યો અને આ પછી હાર્વર્ડને મળતી ભેટસોગાદો અને `ઈનામો'ના ઢગલા થવા લાગ્યા અને પછી સાઉદી અને અન્ય દેશોએ પણ આ રસ્તો લીધો ! હવે તો અમેરિકન વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવીને ચીન માટે જાસૂસી કરતા હતા, તે પણ પકડાયા છે ! આપણી એક ટીવી ચેનલના પત્રકારને હાર્વર્ડના ફેકલ્ટી મેમ્બરનું માન મળ્યું છે... પણ આપણે સાવધાન રહીએ. માત્ર અમેરિકા જ નહીં, પરંતુ યુકેમાં પણ રાજકારણ અને યુનિવર્સિટીઓમાં ચીને પગપેસારો કર્યો છે. ચીનની `ક્લબ 48'માં બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર, પૂર્વ નાયબ વડાપ્રધાન જેક હેસ્લટાઇન અને જેક સ્ટ્રોની પણ સંડોવણી બહાર આવી છે. આ તમામે ચીનના પ્રભાવમાં આવી જઇને તેમને પોતાનાં રાજકારણમાં પગપેસારો કરવા દીધો હતો તથા કેટલાક સંવેદનશીલ સંપર્કો પણ આપ્યા હતા. યુકેની યુનિવર્સિટીઓમાં પણ ચીનીઓએ રિસર્ચ ગ્રાન્ટ આપીને ઘણાને જાસૂસી માટે રાખ્યા છે. યુરોપ પણ ચીનના પ્રભાવમાં છે અને યુએનની સિક્યોરિટી કાઉન્સિલમાં હોવા છતાં તેની સામે અવાજ ઉઠાવવાની હિંમત કરી શકતું નથી. વાસ્તવમાં બધા ચીની સસ્તા માલ પર આધાર રાખે છે એટલે તેનાં દબાણમાં રહેવું પડે છે.  (આ માહિતી લંડન સ્થિત મિત્ર પંકજ મોરજરિયાને આભારી છે.) 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd