• સોમવાર, 14 એપ્રિલ, 2025

મુંદરા ખંડણી કેસમાં ફાઈ. ઓફિસમાં દરોડાથી વાંધાજનક મુદ્દામાલ જપ્ત

ભુજ, તા. 12 : મુંદરામાં ખોટા દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપી બળજબરીપૂર્વક મકાનના દસ્તાવેજ તથા ગાડી પડાવી લેવાના ખંડણીકેસમાં મુંદરા પોલીસે આરોપીઓની ફાઈનાન્સ ઓફિસ પર દરોડો પાડતાં અન્ય શંકાસ્પદ અને વાંધાજનક મુદ્દામાલ મળી આવતાં નવાં કાંડો ખૂલવાની તેમજ અન્ય કલમો તળે વધુ ગુના દાખલ થવાથી આરોપીઓ સામે કાયદાનો સકંજો વધુ કસાયો છે.  ગઈકાલે આરોપીઓની અટકાયત બાદ આ ગુનાનો મુદ્દામાલ આરોપી મોહમદ શકીલ તથા મહમદરફીક હાજી ખોજાની સહારા ફાઈનાન્સ ઓફિસ પર મુંદરા પોલીસના પીઆઈ આર.જે. ઠુમ્મર અને ટીમે દરોડો પાડતાં  અલગ-અલગ કુલ 18 વ્યક્તિના સહી કરેલા કોરા ચેક નંગ 26 તથા અન્ય વ્યક્તિઓની ચેક બુક નંગ 13, ચેક નંગ-159 (સહી વગરના) તેમજ અલગ-અલગ જમીન તથા મકાનના શંકાસ્પદ અસલ દસ્તાવેજ નંગ 24, જે પૈકી ગઈકાલના ગુનાના ફરિયાદીના મકાનનો દસ્તાવેજ તથા મુંદરા પોલીસ સ્ટેશનના 2024ના જમીન કૌભાંડના એક ગુનાનો અસલ દસ્તાવેજ સામેલ છે. આ ઉપરાંત જૂના સરકારી સ્ટેમ્પ નંગ 46 જેમાં આઠ આનાના સ્ટેમ્પથી લઈ રૂા. 5000 સુધીના સ્ટેમ્પનો સમાવેશ થાય છે તેમજ 50 વર્ષ જૂના સ્ટેમ્પથી લઈ અને 2007 2011, 2015, 2020 એમ અલગ-અલગ સમયના સ્ટેમ્પનો સમાવેશ થાય છે. જેનો દુરુપયોગ આગામી સમયમાં કોઈ પણ ગેરકાયદેસર કામમાં થવાની શક્યતા રહેલી હતી. અલગ-અલગ સાટાકરાર નંગ 44 જેમાંથી 18 સાટાકરારમાં આરોપી મહંમદ ખોજાએ અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી ઘર, મકાન, દુકાન, જમીન, વાહન જેવી પ્રોપર્ટી લખાવેલી છે તેમજ આઠ સાટાકરારમાં આરોપી શકીલે તથા એક સાટાકરારમાં આરોપી હિમાંશુએ મિલકત લખાવેલી છે તેમજ અલગ-અલગ 23 જેટલા સોગંદનામા, 36 જેટલા પાવર ઓફ એટર્નીના દસ્તાવેજ  મળ્યા છે. જુદી-જુદી વ્યક્તિઓના મરણના 42 દાખલા જેમાં ગુજરાતના અલગ-અલગ શહેરોના મરણના દાખલા તથા મહારાષ્ટ્રના અલગ-અલગ શહેરોના તથા મુંબઈથી કઢાવેલા મરણના દાખલા સામેલ છે.  એક વ્યક્તિની સ્યૂસાઇડ નોટ, ધ્રબ ગ્રામ પંચાયતનું તગાવી રોજમેળ, શિક્ષણ ઉપકર અને વસૂલાતના રોજમેળની ઓરિજિનલ પહોંચબુક, આ ઉપરાંત રેડ દરમિયાન આરોપીઓની ગાડીમાંથી બે છરી મળતાં તેમના અલાયદા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. એ સિવાય લેપટોપ એક, પ્રિન્ટર બે, કોમ્પ્યુટર બે, ડીવીઆર એક, રોકડા રૂપિયા અને પૈસા ગણવાનું મશીન સહિતનો કુલ અલગ-અલગ 34 પ્રકારનો મુદ્દામાલ જપ્ત કરવામાં  આવ્યો છે. આમ આ મુદ્દામાલ જપ્ત થતાં આરોપીઓના નવા કાંડો ખૂલવાની શક્યતા જોવાઈ રહી છે તેમજ વાંધાજનક મુદ્દામાલ મળતાં કાયદાનો સકંજો વધુ કસાયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd