ગાંધીધામ, તા. 12 : અંજારમાં ખોટા વસિયતનામા (વિલ)ના
આધારે જમીન પચાવવાના પ્રકરણમાં પાંચ જણ સામે વિધિવત રીતે ફોજદારી નોંધાઈ હતી. મુંબઈના
બિલ્ડર ધીરજભાઈ સવજીભાઈ મંજેરીએ કાંદીવલી ઈસ્ટ મુંબઈના આરોપી મનીષ કરશનદાસ પરેખ, રાજેશ શશીકાંત કાંબલે, કેવલ પ્રકાશ દેશમુખ તથા અરવિંદભાઈ અમરાભાઈ પરમાર, એન.ડી.
કાપડી, હરજી અરજણ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસનાં સત્તાવાર
સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, છેતરપિંડીનો બનાવ ગત તા.
28/5/2024થી તા. 12/4/2025 સુધીના અરસામાં બન્યો હતો.
ફરિયાદીના પિતા સવજીભાઈનું તા. 15/3/2023ના
અવસાન થયું હતું. તેમનાં નામે વરસામેડી સીમમાં સર્વે નં. 343, 35 2 / પૈકી 1, 352 / પૈકી બેવાળી જમીન છે. આ જમીનમાં
ગત જાન્યુઆરી મહિનામાં મામલતદાર કચેરીમાં નોંધ પડી હતી, જેમાં
ફરિયાદીના પરિવારના સભ્યો ન હોય તેવા
લોકોનાં નામ દાખલ કરવામાં આવ્યાં હતાં. તપાસ કરતા ફરિયાદીના પિતાનું બનાવટી
વસિયતનામું બનાવવામાં આવ્યું હતું, જેમાં આ જમીનો આરોપી અરવિંદભાઈને
વસિયતમાં અપાઈ હતી તેમજ બેસણામાં મુકાયેલ મૃતકની તસવીર આ દસ્તાવેજમાં મુકાઈ હતી. મુંબઈના ધારાશાત્રી આ પ્રકારનું વિલ
ન બનાવ્યું હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. વિલમાં સાક્ષી તરીકે આરોપી એન.ડી. કાપડી
અને હરજી અરજણ નામના શખ્સો રહ્યા હતા. તહોમતદારોએ ખોટું સોગંદનામું અને પંચનામું કરાવવા સાથે બનાવટી વિલના આધારે પોતાનાં
નામે જમીન કરવા આ પ્રકારનું કારસ્તાન કર્યું હતું. આરોપીએ વિલમાં વકીલના ખોટા સહી-સિક્કા પણ કર્યા હતા. આ વિલના આધારે આરોપી અરવિંદે અંજાર કોર્ટમાં કાનૂની કાર્યવાહી
કરી છે. આ કેસ હાલમાં ચાલુ હોવાનું ફરિયાદમાં વર્ણવામાં આવ્યું છે. બનાવટી દસ્તાવેજોના
આધારે જમીન મેળવવાના આ મામલમાં અંજાર પી.આઈ. એ.એન. ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.