કેન્દ્ર સરકાર અને તામિલનાડુમાં નવી શિક્ષણનીતિ અને ત્રિ-ભાષા
વિવાદ વચ્ચે રામેશ્વરમ્ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિનને
આકરો ટોણો માર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે,
તેમને આશ્ચર્ય થાય છે કે, તામિલનાડુના પ્રધાનોના
કોઈપણ પત્ર પર તામિલ ભાષામાં હસ્તાક્ષર નથી. તામિલનાડુના નેતાઓને તેમણે અનુરોધ કર્યો
હતો કે, તમને તામિલ ભાષા પર ગર્વ છે, તો
તમે હસ્તાક્ષર તો તમારી માતૃભાષામાં કરી જ શકો છો. વડાપ્રધાન મોદીએ રામેશ્વરમ્માં નવા
પંબન પુલ સહિત 8300 કરોડ રૂપિયાની
વિકાસ યોજનાઓના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા પછી જનસભામાં વધુમાં જણાવ્યું હતું કે, સ્ટાલિનનાં નેતૃત્વવાળી દ્રમુક સરકાર મેડિકલનો
અભ્યાસક્રમ તામિલ ભાષામાં શરૂ કરાવે. આનાથી ગરીબ પરિવારોનાં બાળકોનું સ્વપ્ન પણ પૂરું
થશે. તેમણે કહ્યું અમારા પ્રયાસ છે કે, ડોક્ટર બનવા માગતા યુવાનોને
અભ્યાસ માટે વિદેશ ન જવું પડે. છેલ્લાં 10 વર્ષમાં તામિલનાડુને 11 નવી મેડિકલ કોલેજો મળી છે. વડાપ્રધાનની આ ટિપ્પણ એવા સમયે આવી
છે, જ્યારે સ્ટાલિને દક્ષિણનાં રાજ્યો પર કેન્દ્ર
દ્વારા હિન્દી ભાષા લાદવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કરી ત્રિ-ભાષા ફોર્મ્યુલાનો વિરોધ
કર્યો છે. વડાપ્રધાન પોતાનાં રાજ્યમાં આવ્યા હોવા છતાં મુખ્ય પ્રધાન એ કાર્યક્રમમાં
હાજર રહ્યા નહોતા, આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો છે. સ્ટાલિને કહ્યું
છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસ્તાવિત પરિસીમન પ્રક્રિયાને
લઈ રાજ્યના લોકોની શંકાઓ દૂર કરવી જોઈએ. વડાપ્રધાને એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે,
સંસદમાં ખરડો પસાર કરવામાં આવે, જેને લઈ તામિલનાડુના
અધિકારો પર અંકુશ ન મુકાય. વડાપ્રધાને રામેશ્વરમ્માં જે પુલનું ઉદ્ઘાટન કર્યું તે ભારતનો
પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ છે. જેની પાછળ 700 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થયો
છે. આ બ્રિજનું આયુષ્ય 100 વર્ષ હોવાની
ધારણા છે. 208 કિલોમીટર લાંબો આ પુલ 35 વર્ષ સુધી કાટથી મુક્ત રહે
એ રીતે તેનું બાંધકામ કરાયું છે. આ પુલ પરથી ટ્રેન પસાર થતી હોય ત્યારે ભારે પવન ફૂંકાય
તો તેને પહોંચી વળવા માટેની સિસ્ટમ પણ સજ્જ કરાઈ છે. સ્ટાલિને આ પ્રસંગે પરિસીમનનો
જૂનો રાગ આલાપી ફરી એ સિદ્ધ કર્યું છે કે, તેઓ કેન્દ્ર સરકારને એવા વિષય પર ફરિયાદ કરવા ઉતાવળા છે, જેનું હાલ કોઈ ઔચિત્ય નથી. પરિસીમનનો પ્રશ્ન ત્યારે આવશે, જ્યારે વસ્તી ગણતરી થશે. સ્ટાલિન આ મુદ્દા એ માટે ઉઠાવી રહ્યા છે કારણ કે,
આવતાં વર્ષે તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને વિકાસને બદલે
પ્રાંતવાદની રાજનીતિ કરવામાં તેમને ચૂંટણી લાભ દેખાય છે. વડાપ્રધાને સ્ટાલિનની રાજનીતિનો
પર્દાફાશ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તામિલનાડુના વિકાસમાં જ્યાં ઊંડો રસ લઈ
રહ્યા છે, ત્યાં મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિન સામે રાજ્યની જનતાનો
વિશ્વાસ જાળવી રાખવાનો પડકાર છે.