ભુજ, તા. 12 : યાયાવર પંખીઓ માટે સ્વર્ગ એવા
કચ્છની સીમાએ શકુર લેક વિસ્તારમાં હંજ, સુરખાબ, પેણ જેવા પક્ષીઓનું પ્રજનન સ્થળ મળી આવતાં પક્ષીવિદ્માં
ખુશી વ્યાપી છે. મોટા રણ તરીકે પ્રખ્યાત આ સરહદે ભૂસ્તરશાત્રીઓ તેમજ ઇસરોના નિષ્ણાતોએ
કરેલા અભ્યાસના અંતે મોટી વસાહત તથા પ્રજનન સ્થળ હોવાનું બહાર આવ્યું હતું. તાજેતરમાં
કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાત્રના પ્રા. ડો. ગૌરવ ચૌહાણ અને ભૌતિક અનુસંધાન સંસ્થા
પી.આર.એલ.ના નિવૃત્ત વૈજ્ઞાનિક - ભૂસ્તરશાત્રી ડો. નવીન જુયાલ કચ્છના મોટા રણમાં પાકિસ્તાન
સરહદે આવેલ શકુર લેક વિસ્તારમાં ભૂસ્તરશાત્રના અભ્યાસ માટે ગયા હતા ત્યારે તેમની નજર
હંજ -સુરખાબ-ફ્લામિંગોના માળા પર પડી અને તેની
તસવીરો પણ તેમણે લીધી હતી. વળી જે પક્ષીઓ ત્યાં
જોવા મળતા હતા તેમના ફોટા પણ તેમણે લીધા હતા. આ ફોટા ડો. જુયાલે ડો. પ્રભુદાસ ઠક્કરને
મોકલતાં ખ્યાલ આવ્યો કે વર્ષોથી જે શોધતા હતા અને માનતા હતા તે સાબિત થઇ ગયું. ડો.
ઠક્કરે સેટેલાઇટની તસવીરોનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે અહીં માછલીઓ માટે પૂરતો ખોરાક
છે અને માછલીઓ પેલિકન જેવાં પક્ષીઓ માટે વિપુલ માત્રામાં ખોરાક ઉપલબ્ધ હોવાથી પેલિકન
અને ફ્લેમિંગોએ અહીં પ્રજનન કર્યું છે. ડો. ઠક્કરે ભૂતકાળના સેટેલાઈટના જૂના ફોટાઓનો
પણ અભ્યાસ કર્યો તો જાણવા મળ્યું કે ઈ.સ. 2000 પછીથી અહીં પ્રજનન થતું હશે.
2012ના ડિસેમ્બર મહિનાની તસવીરોમાં
અહીં પક્ષીઓની હાજરી પણ જોઈ શકાય છે. ઉપગ્રહની તસવીરોમાં જાન્યુઆરી 2024ના શકુર લેકમાં દક્ષિણ દિશામાં
અલ્લાહ બંધ તરફ મોટી સંખ્યામાં માળા બનાવ્યા હોય તેવું જણાય છે. આ વર્ષે કદાચ પહેલીવાર
ભારત-પાકિસ્તાન સરહદે 1121 ચોકીની ઉત્તર
દિશામાં પાકિસ્તાનની હદમાં થોડા માળા બનાવ્યા હોય તેવું જણાય છે. તે પણ ઉપરથી હકરા
નદીનું પાણી આવતાં નુકસાન થયું હોય અને ધોવાઈ ગયેલી હાલતમાં દેખાય છે. આણંદ એગ્રિકલ્ચર
યુનિવર્સિટીના પ્રો. અને ગુજરાતના જાણીતા પક્ષીવિદ્ સ્વ. ભવભૂતિ પરાશર્યને ઈસરો તરફથી
રિસ્પોન્ડ પ્રોજેક્ટ યોજના અંતર્ગત ફ્લામિંગોના
અભ્યાસ માટે એક પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો. ઈસરો તરફથી સંપર્ક અધિકારી ડો. પી.એસ.
ઠક્કર હતા. આ અભ્યાસ દરમ્યાન ડો. ઠક્કર અને ડો. પરાશર્યની ટીમના સભ્યોએ ફ્લામિંગો સિટીની
મુલાકાત અનેક વખત લઈને અભ્યાસ કર્યો હતો. આ સિવાય કચ્છના નાના તથા મોટા રણમાં કચ્છના
અખાતની ખાડીમાં - નાળમાં પણ વિવિધ સ્થળોનો અભ્યાસ કર્યો હતો. ડો. ઠક્કરે 1980માં અમદાવાદની નજીક મહેસાણા
જિલ્લાના કડી તાલુકાના થોળના સિંચાઈ તળાવમાં ફ્લેમિંગોએ પ્રજનન
કર્યાની નોંધ લીધી હતી, જેની અંગ્રેજી
અખબારોમાં રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઇ હતી. બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના જર્નલમાં
પણ તે માહિતી પ્રસિદ્ધ થઈ હતી. અમદાવાદના શાહવાડી
ઔદ્યોગિક વિસ્તારમાં પાણી ભરાઈ રહેતું હતું ત્યાં પણ ફ્લેમિંગોએ માળા બનાવ્યા
હતા અને સફળ પ્રજનન કર્યું હતું તેનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ જે એક
માન્યતા હતી કે ફ્લામિંગો માત્ર કચ્છના મોટા રણમાં શિન્ડલ બેટ પર પ્રજનન કરે છે તેનું
ખંડન થયું અને અન્ય સ્થળો વિશે પણ જાણકારી મળી હતી. કચ્છના મોટા રણમાં શિન્ડલ બેટ સિવાય
અન્ય બે ત્રણ સ્થળે જેમ કે ખડીર બેટની ઉત્તરમાં લોદ્રાણી પાસે કુડા નજીક પણ ફ્લેમિંગોનું
પ્રજનન થતું જોવા મળ્યું હતું. આ ઉપરાંત માળિયા પાસે ખાડીમાં શિકારપુર નજીક પૂરબચેરિયા
પાસે પણ પ્રજનન થતું હોવાની નોંધ લેવામાં આવી છે. નાના રણમાં પણ ધ્રાંગધ્રા પાસે કુડા
ગામની ઉત્તરમાં રણમાં નાના હંજનું પ્રજનન થતું હોવાનું પણ જાણવા મળ્યું છે. ઉપરાંત
નાનાં રણમાં વાછડા બેટ નજીક પણ નાના હંજ પક્ષીઓએ પ્રજનન કર્યું હોવાનું જાણવા મળ્યું
હતું. વળી તસવીરોમાં પેલિકન અને ફ્લામિંગોની
હાજરી પણ સારી સંખ્યામાં જોઈ શકાય છે અને પક્ષીઓની સાથે તેમના બચ્ચાં પણ જોઈ શકાય છે.
જે દર્શાવે છે કે આ પ્રજનન ઋતુમાં અહીં પક્ષીઓએ પ્રજનન કર્યું છે. કચ્છમિત્ર સાથેની
વાતચીતમાં ડો. ઠક્કરે જણાવ્યું હતું કે, ઉપગ્રહની તસવીરોની મદદથી
પુરાતત્ત્વીય સ્થળો શોધી તેની ખરાઈ કરવા જ્યારે 2003-04માં કચ્છના મોટા રણમાં ગયા
હતા ત્યારે કરીમશાહી પુરાતત્ત્વીય સ્થળ પાસેથી તેમને નાના હંજ તથા મોટા હંજના ઈંડાં
પાણીમાં તણાઈને આવેલા ત્યાં જોવા મળ્યા હતા. ત્યારથી તેમને આ પક્ષીઓ અહીં આસપાસમાં
શકુર લેક કે સિંદડી લેકમાં પ્રજનન કરતા હશે તેવી શંકા હતી, પરંતુ તેમની આ વિસ્તારની વારંવાર મુલાકાત દરમ્યાન
તેમને માળા જોવા મળ્યા ન હતા. એક વખત સિંદડી બેટ પર ડો. ઠક્કરને ઉપગ્રહની તસવીરો પરથી
આ વિસ્તારમાં પક્ષીઓની હાજરીનો ખ્યાલ આવતો હતો. પરંતુ કોઈ પ્રવાસ દરમ્યાન માળા જોવા
મળ્યા ન હતા. મોટી સંખ્યામાં પક્ષીઓ જોવા મળ્યા હતા પણ તે માળાની હાજરીની ખાતરી કરી શક્યા ન હતા. પેણ અને ફ્લામિંગોના પ્રજનનનાં
નવા સ્થળની શોધનો સાચો યશ કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાત્રના અધ્યાપક ડો. ગૌરવ ચૌહાણ
તથા પી.આર.એલ.ના નિવૃત્ત વૈજ્ઞાનિક ભૂસ્તરશાત્રી ડો. નવીન જુયાલને ફાળે જાય છે. ડો.
ચૌહાણ પાસે સારી ગુણવત્તાવાળા કેમેરા હોવાથી તે પક્ષીઓના માળાના તથા પક્ષીઓની તસવીરો
લઇ શક્યા હતા અને તે તેમણે ડો. ઠક્કરને બતાવ્યા તેથી આ ઉપયોગી માહિતીનો ખ્યાલ આવ્યો હતો. માધાપરના પક્ષીવિદ્ શાંતિભાઈ વરૂ સાથે વાત કરતાં ખબર પડી કે તેમણે નવ
એપ્રિલ 2025ના છારીઢંઢ ખાતે 20 જેટલા ફ્લામિંગો જોયાં હતાં
તેમાં એક-બે પક્ષી મોટાં હતાં, બાકીના
બધાં બચ્ચાં હતાં જે દર્શાવેછે કે ઉત્તરમાં પ્રજનન થયું હશે જે આ વર્ષના બચ્ચાં અહીં
પહોંચ્યાં હશે. ભૂતકાળની વાત કરતાં તેમણે જણાવ્યું કે, કચ્છના
મહારાઓ ખેંગારજીએ ઈ.સ. 1883 માં કચ્છના
મોટા રણમાં ખડીર બેટની ઉત્તર દિશામાં તથા ભેડિયા બેટથી થોડે દૂર દક્ષિણમાં શિન્ડલ બેટ
પર હંજ અને ગુલાબી પેણ પક્ષીઓ પ્રજનન કરે છે તે શોધી કાઢ્યું હતું અને તેની નોંધ લીધી
હતી. ત્યાર પછી ભારતના જાણીતા પક્ષીવિદ્ ડો. સલીમ અલી 1945માં શિન્ડલ બેટની મુલાકાતે
ગયા હતા અને આ સ્થળે મોટાં હંજ અને નાનાં હંજ પ્રજનન કરે છે તેની નોંધ લીધી હતી અને
આ સ્થળે મોટી સંખ્યામાં હંજ - ફ્લામિંગોની હાજરી જોઈ તેમણે આ સ્થળનું નામ ફ્લામિંગો
સિટી અથવા હંજ નગર આપ્યુ હતું. ત્યારથી આ સ્થળ શિન્ડલ બેટ ફ્લામિંગો સિટી અથવા હંજ
નગર તરીકે જાણીતું બન્યું છે, પરંતુ
આપણા વન ખાતાના અધિકારીઓ તથા કેટલાક પક્ષી નિરીક્ષકો જ્યાં સેંકડોની સંખ્યામાં હંજ
- ફ્લામિંગો જુએ તો તેને ફ્લામિંગો સિટી કહેવા લાગે છે, પણ ફ્લામિંગો
સિટી તો કચ્છના મોટા રણમાં આવેલ શિન્ડલ બેટનું નામ ડો. સલીમ અલીએ આપ્યું હતું અને તે
એક જ સ્થળને ખરેખર ફ્લામિંગો સિટી તરીકે ઓળખવું
જોઈએ. ભુજના શાંતિભાઈ વરૂ અને નવીન બાપટ દ્વારા થયેલી નોંધમાં પણ તેમણે પ્રજનન સ્થળ
અંગે કોઈ માહિતી આપી નથી. 2003માં જુગલ કિશોર તિવારી અને
તેમના સાથીદારોએ કરેલા અભ્યાસમાં તેમણે નોંધ્યું છે કે મોટા પેણ પક્ષીઓની સાથે નાનાં
બચ્ચાંઓની હાજરી દર્શાવે છે કે આસપાસ કોઈ વિસ્તારમાં પ્રજનન થતું હોવું જોઈએ.