નવી દિલ્હી, તા. 12 : દેશની સર્વોચ્ચ
અદાલતે એક ધ્યાન ખેંચનારા અને આ પ્રકારના તેના પહેલવહેલા ઐતિહાસિક ફેંસલામાં દેશના
સર્વોચ્ચ બંધારણીય વડા રાષ્ટ્રપતિ માટે પણ સમયસીમા બાંધી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું
હતું કે, રાજ્યપાલ તરફથી મોકલાતા વિધેયક પર રાષ્ટ્રપતિએ
ત્રણ મહિનાની અંદર જ ફેંસલો લેવો પડશે. હકીકતમાં આઠમી એપ્રિલના ઐતિહાસિક ચુકાદો આપ્યો
હતો, જે આદેશ આજે શનિવારે જાહેર કરાયો હતો. ન્યાયમૂર્તિ જે.બી.
પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું હતું કે,
અનુચ્છેદ 201 હેઠળ રાષ્ટ્રપતિ
દ્વારા કરાતાં કાર્યો ન્યાયિક સમીક્ષાને આધીન છે. ગઈકાલે શુક્રવારની મોડી રાત્રે વેબસાઈટ
પર અપલોડ કરાયેલા આદેશમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, રાજ્યપાલ તરફથી મોકલાયેલા ખરડાના મામલામાં રાષ્ટ્રપતિ
પાસે પૂર્ણ વીટો અથવા પોકેટ વીટોનો અધિકાર નથી. રાષ્ટ્રપતિના ફેંસલાની ન્યાયિક સમીક્ષા
કરી શકાય છે અને વિધેયકની બંધારણીયતાનો ફેંસલો ન્યાયપાલિકા કરશે. ત્રણ મહિનાની સમયમર્યાદામાં
જ રાષ્ટ્રપતિએ વિધેયક પર ફેંસલો કરવો પડશે. કાં તો મંજૂરી આપી દેવી પડશે અને મંજૂરી
નથી આપી, તો તેવી પણ જાણકારી ત્રણ મહિનામાં જ આપી દેવી પડશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, નિર્ધારિત સમયસીમાની અંદર કોઈ
કાર્યવાહી નથી કરાતી, તો સંબંધીત રાજ્ય અદાલતના દ્વારે જઈ શકે
છે, જો કોઈ વિધેયકને તેની બંધારણીય માન્યતાના મુદ્દે રોકવામાં આવે તો તેવા મામલામાં
કાર્યપાલિકા અનુચ્છેદ 143 હેઠળ સુપ્રીમ
કોર્ટને મામલા સોંપી દે. અદાલતે જણાવ્યું હતું કે,
ખરડામાં રાજ્યની કેબિનેટને પ્રાથમિકતા અપાઈ હોય અને રાજ્યપાલે વિધેયક
પર મંત્રીમંડળની મદદ અને સલાહથી વિપરિત જઈને ફેંસલો કર્યો હોય તો અદાલત પાસે તેવા વિધેયકની
કાનૂની તપાસનો અધિકાર છે. ઉલ્લેખનીય છે કે, આઠમી એપ્રિલે સુપ્રીમકોર્ટે
તામિલનાડુની દ્રમુક સરકાર અને રાજ્યપાલના મામલામાં ઐતિહાસિક ફેંસલો આપ્યો હતો. એ ફેંસલામાં
સુપ્રીમે કહ્યું હતું કે, રાજ્યપાલે વિધાનસભા તરફથી મોકલાયેલા
વિધેયક પર એક મહિનાની અંદર ફેંસલો લેવાનો રહેશે. ખાસ એ વાત પણ સર્વોચ્ચ અદાલતે આજે
ભારપૂર્વક કરી હતી કે, જો વિધેયકમાં કેન્દ્ર સરકારના નિર્ણયને
પ્રાથમિકતા અપાઈ હશે, તો મરજી મુજબનાં વર્તન કે દુર્ભાવનાના આધાર
પર અદાલત તેની ન્યાયિક સમીક્ષા કરી શકશે. સુપ્રીમે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે,
રાષ્ટ્રપતિ કોઈ ખરડો રાજ્ય વિધાનસભાને સુધારા કે પુનર્વિચાર માટે પાછો
મોકલે છે અને વિધાનસભા ફરી પસાર કરે છે, તો તેના પર રાષ્ટ્રપતિએ
અંતિમ નિર્ણય લેવાનો રહેશે અને વારંવાર એક જ વિધેયક પાછો મોકલી શકશે નહીં.