હૈદરાબાદ, તા. 12 : ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના
ઈતિહાસનો બીજો સૌથી મોટો લક્ષ્યવેધ કરતાં સનરાઈઝર્સ હૈદરાબાદે શનિવારે પંજાબ કિંગ્સને
નવ વિકેટે હાર આપી હતી. આ પ્રભાવશાળી વિજયના શિલ્પી બનેલા યુવા પંજાબી ખેલાડી અભિષેક
શર્માએ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી અને કોઈ ભારતીય બેટધર દ્વારા આઈપીએલમાં સર્વાધિક
વ્યક્તિગત સ્કોરનો વિરલ વિક્રમ રચ્યો હતો. પંજાબે આપેલું 246 રનનું લક્ષ્ય તળિયાની હૈદરાબાદ
માત્ર બે વિકેટ ખોઈને આંબી લીધું હતું. લગભગ અડધા અડધ દાવ એટલે કે નવ ઓવર સુધી ક્રિઝ
પર જામી ગયેલા અભિષેકે પંજાબી ફિલ્ડરોને સતત દોડતા રાખીને માત્ર પપ દડામાં 14 ચોગ્ગા, 10 શાનદાર છગ્ગા
સાથે 141 રન ઝુડીને હરીફ ટીમને સ્તબ્ધ
કરી નાખી હતી. ક્રિકેટ રસિક સમુદાયને મંત્રમુગ્ધ કરતી ફટકાબાજી કરનાર અભિષેક સાથે ટ્રેવિસ
હેડે 37 દડામાં નવ ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે 66 રન ઝુડી દેતાં
શર્મા-હેડની જોડીએ 171 રનની ભવ્ય
ભાગીદારી સાથે દાવનો મજબુત પાયો નાખ્યો હતો. બન્ને જામી ગયેલા બેટધર હેડ અને અભિષેકની
વિકેટ ગયા પછી રમતના અંતિમ ચરણમાં હેનરિક કલાસેને 14 દડામાં બે ચોગ્ગા, એક છગ્ગા સાથે 21 અને ઈશાન
કિસને નવ રન કરતાં વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો. નવ દડા બાકી હતા, ત્યારે જ હૈદરાબાદે બાજી મારી લેતાં આખો મુકાબલો એક તરફી બની રહ્યો હતો. અગાઉ પંજાબે
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રિયાંશ આર્ય તેમજ પ્રભસિમરનની
તોફાની શરૂઆત તેમજ શ્રેયસ અય્યરના દમદાર 82 રનની મદદથી 20 ઓવરમાં છ વિકેટના નુકસાને 245 રનનો વિશાળ સ્કોર કર્યો હતો. મેચમાં શમી સૌથી ખર્ચાળ સાબિત થતા
ચાર ઓવરમાં 75 રન આપ્યા હતા. પંજાબ તરફથી
ઓપનિંગ જોડી પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરને તોફાની મજબુત શરૂઆત કરી હતી. પ્રિયાંશની
વિકેટ પડી ત્યારે પંજાબે 4 ઓવરમાં 66 રન ઝુડી કાઢયા હતા. પ્રિયાંશે
માત્ર 13 દડામાં જ 2 ચોગ્ગા અને
ચાર છગ્ગાની મદદથી 36 રન કર્યા
હતા. બાદમાં પ્રભસિમરન અને શ્રેયસ અય્યરે બાજી સંભાળી હતી. પ્રભસિમરન અર્ધસદી ચૂક્યો
હતો. તેણે 23 દડામાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની
મદદથી 42 રન કર્યા હતા જ્યારે શ્રેયસ
અય્યરે 36 બોલમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 82 રન કર્યા હતા. અંતિમ ઓવરોમાં
સ્ટોયનિસે પણ તોફાની બેટિંગ કરી હતી. સ્ટોયનિસે અંતિમ ઓવરમાં 4 છગ્ગા ફટકારતા પંજાબનો સ્કોર 245 રન સુધી પહોંચ્યો હતો. સ્ટોયનિસે
11 બોલમાં એક ચોગ્ગા અને ચાર છગ્ગાની
મદદથી 34 કર્યા હતા. હૈદરાબાદ તરફથી
હર્ષલ પટેલ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે ચાર ઓવરમાં 42 રન આપીને ચાર વિકેટ લીધી હતી.
જ્યારે મોહમ્મદ શમી સૌથી ખર્ચાળ બન્યો હતો. જેણે ચાર ઓવરમાં 75 રન આપ્યા હતા.