• રવિવાર, 13 એપ્રિલ, 2025

વિધાનસભાએ પસાર કરેલા ખરડા રાજ્યપાલ રોકી ન શકે

સત્તાનો સંઘર્ષ ધારાગૃહો અને સંસદથી વિસ્તરતાં રાજભવન સુધી પહોંચતો હોવાના અનેક દાખલા છે. સર્વોચ્ચ અદાલતે તેનાં અનુસંધાને એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં રાજ્યપાલોના બંધારણીય અધિકારો અને ફરજ પર ટિપ્પણી કરતાં વિધાનસભાઓના  વૈધાનિક અધિકારોનું સમર્થન કર્યું છે. અદાલતે કહ્યું કે, તામિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ દ્વારા 10 વિધેયક અટકાવી રાખવાની કાર્યવાહી ખોટી, ગેરકાયદે અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેને બંધારણીય જોગવાઇનું ઉલ્લંઘન લેખાવતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, બંધારણના અનુચ્છેદ 200 મુજબ રાજ્યપાલ પાસે કોઇ વિશેષાધિકાર નથી હોતા. તેમણે  પ્રધાન મંડળની સલાહ અનુસાર જ વર્તવાનું હોય છે. રાજ્યપાલ આ રીતે ખરડા અટકાવી દઇને `પૂર્ણ વિટો' કે આંશિક વિટો'ની પદ્ધતિ અપનાવી ન શકે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની બેન્ચે 10 ખરડા રોકી રાખવા મામલે રાજ્યપાલ સામે થયેલી અરજી પરથી આ ચુકાદો આપ્યો છે, જેની દુરોગામી અસર પડશે, તામિલનાડુમાં દ્રમુકની સરકાર છે. કેન્દ્રમાં શાસન ચલાવતાં એનડીએ સાથે સ્ટાલિન સરકાર હંમેશાં ટકરાવની સ્થિતિમાં હોય છે. હાલમાં ભાષાવિવાદમાં સ્ટાલિન સરકારનું હિન્દી વિરોધી માનસ છતું થયું છે. અલબત્ત, આ બાબતને ધારાગૃહોની કાર્યવાહી અને બંધારણીય અધિકારો સાથે કોઇ નિસબત ન હોઇ શકે. સુપ્રીમની ખંડપીઠે કહ્યું કે, રાજ્યપાલે ઉત્પ્રેરક હોવું જોઇએ, અવરોધક નહીં. તેમણે બંધારણીય શપથની ભાવના અને પવિત્રતાનું પાલન કરવું જોઇએ. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને સર્વોચ્ચ અદાલતના નિર્ણયને ઐતિહાસિક લેખાવતાં સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, આ રાજ્યોના અધિકારો અને જનતાની ઇચ્છાની જીત છે. રાજ્યપાલે વિધાનસભાએ પસાર કરેલા ખરડા પાછા મોકલી આપ્યા હતા. એ પછી બીજીવાર પસાર કરીને ફરી રાજ્યપાલને પાઠવવામાં આવ્યા, તેમ છતાં ગવર્નરે નિયમ વિરુદ્ધ જઇને ન પાછા ઠેલ્યા કે ન તેના ઉપર સહી કરી. અલબત્તે, સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ મત આપતાં સ્ટાલિન સરકારને રાહત મળી છે. મહત્ત્વની વાત એ પણ છે કે, સુપ્રીમ કોર્ટે રાજ્યપાલો સમક્ષ મુકાતાં વિધેયકો પર નિર્ણય લેવા માટે સમયાવધિ નિર્ધારિત કરી છે. તેમણે ઉપલબ્ધ વિકલ્પોનો ઉપયોગ સમયમર્યાદાની અંદર જ કરી લેવાનો રહેશે. અદાલતે કહ્યું છે કે, રાજ્યપાલ વિધેયક રોકે કે રાષ્ટ્રપતિને પાઠવે, તેમણે એ કામ મંત્રીમંડળની સલાહના એક મહિનાની અંદર કરી લેવાનું રહેશે. સુપ્રીમનાં આ નિરીક્ષણનો અર્થ એ થયો કે, અટકાવી દેવાયેલાં 10 વિધેયકને હવે રાજ્યપાલની મંજૂરી મળી ગઇ છે એવું માની લેવામાં આવશે. અહીં એ નોંધનીય છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી વિપક્ષ શાસિત રાજ્ય સરકારો માટે કેન્દ્ર દ્વારા નિયુક્ત રાજ્યપાલો દ્વારા વિધેયકોને લાંબો સમય વીતવા છતાં મંજૂરી ન મળવી મુશ્કેલીનું કારણ બની રહ્યું છે. સરકાર અને ગવર્નર વચ્ચે ટકરાવના અહેવાલ બહાર આવતા રહ્યા છે, તેને પગલે કેટલીય રાજ્ય સરકારોએ સર્વોચ્ચ અદાલતનો દરવાજો ખટખટાવીને આરોપ મૂક્યો કે, આ પ્રકારનું આચરણ શાસન ચલાવવામાં અવરોધક બની રહ્યું છે. આશા રાખીએ સુપ્રીમના આ ચુકાદા પછી રાજ્ય સરકારો અને ગવર્નર વચ્ચેના મતભેદો પર અંકુશ આવશે અને કામકાજ સરળ બનશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd