સામાન્ય રીતે હોળી વિદાય લે,
એ પછી ઉનાળાની અસર શરૂ થતી હોય, પણ આ વખતે સૂર્યદેવતા
માર્ચના આખરથી કોપાયમાન થયા. એપ્રિલ હજુ તો શરૂ થયો છે ને વૈશાખ જેવો ધોમધખતો તાપ અને
લૂ વરસવા માંડતાં જનજીવન અકળાઇ ગયું છે. સર્વત્ર એક જ વાત છે. બાપ રે.. હજુ તો ઉનાળો
બેઠો છેને આવો પ્રકોપ? કચ્છમાં ઠંડી અને ગરમી બંને ઋતુ આકરી હોય
છે. રણ વિસ્તાર તપે અને ગરમી-લૂનું મોજું ફરી વળે. સ્થાનિક લોકો ટેવાયેલા હોય,
પણ આ વર્ષે સૂર્યદેવતા કંઇક વિશેષ આકરા મિજાજમાં છે. પહેલી એપ્રિલે 40 ડિગ્રીની નજીક ઉષ્ણતામાનનો
પારો હતો. એ સળંગ વધતાં વધતાં 45 ડિગ્રીને
આંબી ગયો છે. ભુજ ઉપરાંત અંજાર, ગાંધીધામમાં
પણ ધોમ ધખી રહ્યો છે. સામાન્ય રીતે ગ્રિષ્મ ઋતુની તીવ્રતા વૈશાખમાં જ વર્તાતી હોય છે.
આ વખતે આગોતરો વૈશાખ આવી પડયો છે. માનવીઓ તો ઠીક, પશુ-પંખીઓ પણ
વ્યગ્ર છે. આ લખાય છે ત્યારે ભીષણ ગરમીને લીધે કચ્છમાં બે જણનાં મોત થયાં છે. કચ્છ
ઉપરાંત દેશના ઘણાખરા ભાગોમાં ઉનાળાની કાળઝાળ ગરમીએ લોકોને ત્રાહિમામ્ કરી મૂક્યા છે.
સવારે સૂરજ ઊગે કે તેનાં કિરણો દઝાડવા લાગે છે અને જેમ જેમ દિવસ ચડે તેમ તાપનો સામનો
મુશ્કેલ બને. સાંજે સૂર્યાસ્ત થયા પછીએ કલાકો સુધી ગરમ વાતાવરણ અને બફારો અકળાવતો રહે
છે. આમ તો દર ઉનાળે આવી જ હાલત હોય છે. તીવ્ર તડકો અને લૂ લાગવાને લીધે ઘરની બહાર નીકળવું
જોખમી બને છે. વાતાનુકૂલિત ગાડીઓમાં ફરતા લોકોને વાંધો નથી આવતો, પરંતુ દ્વિચક્રી વાહનોમાં તાપ-લૂનો તીવ્ર અનુભવ થતો હોય છે. જરા સરખો ખ્યાલ
ન રાખો તો લૂની બીમારી લાગુ પડી જાય. આ સંજોગોમાં યુવતીઓ-મહિલાઓ પગથી માથાં સુધી સુતરાઉ
કપડું લપેટી, આંખે ગોગલ્સ લગાવીને બહાર નીકળતી થઇ છે. શહેરની
આ અનિવાર્ય ફેશન આજે નાનાં નગરો અને ગામડાં સુધી પહોંચી ગઇ છે. સૂર્યદેવતાના કોપનો
સામનો કરવાનો આ એક ઉપાય છે. આ વખતે કચ્છ, ગુજરાતથી લઇને ઉત્તર
ભારત, રાજસ્થાનમાં ઉનાળાનાં સામ્રાજ્યે લોકોના હાલહવાલ કરી મૂક્યા
છે. ગરમીમાં થઇ રહેલી વૃદ્ધિનાં અનેક કારણો દર્શાવાય છે, પણ સ્પષ્ટ
રીતે વિકાસની ખોટી પરિભાષા અને માનવીય અવિચારીપણું મહદ્અંશે એના માટે જવાબદાર છે. ઔદ્યોગિક
વિકાસ અને બેફામ વાહનવ્યવહારે ઋતુચક્ર પર માઠી અસર કરી છે. વારંવાર ટ્રાફિકજામ થાય
છે અને લાંબો સમય નાનાં-મોટાં વાહનો અટકી ઊભે છે, ત્યારે એ વાહનોની
ગરમીનાં કારણે એ ક્ષેત્રનું તાપમાન ઊંચુય જતું વર્તાય છે. આ તદ્દન નાનું ઉદાહરણ છે.
આ રીતે નગર-મહાનગરોમાં લાખો વાહનો સતત ગરમી ફેંકતાં રહે છે. ઘરમાં ઠંડક મેળવવાની લાહ્યમાં
એરકન્ડિશનરોનો વપરાશ વધતો જાય છે. આ એરકન્ડિશનરો બહાર ગરમ હવા ફેંકી વાતાવરણને ગરમ
બનાવવામાં `નમ્ર' ફાળો આપે છે. મહાકાય ઉદ્યોગો પણ સતત ધુમાડો
અને ગરમી વાતાવરણમાં ફેંકતા રહે છે. બીજી તરફ પર્યાવરણની સમતુલાનાં સંગી જેવાં વૃક્ષોનું
નિકંદન નીકળતું જાય છે. જંગલો કપાતાં જાય છે. વાતાવરણની ગરમી અને પ્રદૂષણ બંનેને ઘટાડવામાં
મહત્ત્વનો ભાગ ભજવતાં કુદરતી કન્ડિશનર જેવાં વૃક્ષો ઘટતાં જતાં હોવાથી પણ ગરમીમાં વૃદ્ધિ
થાય છે. પર્યાવરણની જાળવણીની વાતો ઘણી થાય છે અને પર્યાવરણ દિવસની ઉજવણી પણ થાય છે
એ માટે થોડી જાગૃતિએ આવી છે, પરંતુ લોકો વૃક્ષો, જળસંચય, પર્યાવરણ જતનને ધર્મની જેમ નથી લેતા. તેથી સ્થિતિ
દિવસે દિવસે વણસતી જાય છે. સૂર્યનાં કિરણોમાંનાં પારજાંબલી કિરણોને અવરોધનારું ઓઝોન
વાયુનું આવરણ પ્રદૂષણનાં કારણે પાતળું પડતું જાય છે અને એના કારણે પણ ગરમી વધે છે.
આ પરિબળો માત્ર ગરમી વધારવા માટે જ જવાબદાર છે એવું નથી. એના કારણે ઋતુચક્ર ખોરવાઇ
જાય છે અને દુકાળ, અતિવૃષ્ટિ, શીતલહેર અને
ભારે ગરમી ક્રમશ: ત્રાટકતાં રહે છે. આ બધામાં મરો થાય છે ગરીબોનો, જેની પાસે નથી ઢંગનાં કપડાં, નથી માથાં પર છાપરું,
નથી ગરમીથી બચવાનાં સાધન કે નથી આ બધી તકલીફો માટે ઝઝૂમવા જેવી પ્રતિરોધક
શારીરિક તાકાત. આ કમનસીબ લોકો વરસાદમાં તણાઇ જાય છે. ઠંડીમાં થીજી મરે છે અને ગરમીમાં
લૂના ભોગ બને છે. એમના માટે રાહતના પગલાં સમયસર લેવાતાં નથી, તેથી મૃત્યુઆંક ઊંચો જાય છે. સરકારે ગરમી-લૂથી બચવાના ઉપાયો જાહેર કર્યા છે.
સ્વૈચ્છિક સંસ્થાઓ પરબ, છાશ કેન્દ્ર ચલાવીને જરૂરિયાતોને રાહત
આપે છે. આ બધું આવકાર્ય છે. આપણે ગરમીના પ્રકોપમાં સાવધ રહીએ અને શરીરમાં પાણી જળવાઇ
રહે એવા ઉપાયો કરીએ એ સલાહભર્યું છે.