• સોમવાર, 14 એપ્રિલ, 2025

કંડલાને આં.રા. સ્તરે નિકાસ આધારિત ગ્રીન એનર્જી હબ વિકસાવવાની દિશામાં પ્રયાસ શરૂ

ગાંધીધામ, તા. 12 : ગાંધીધામ ચેમ્બર ભવનમાં ગ્રીન હાઇડ્રોજનનું કચ્છમાં ઉજ્જવળ ભવિષ્ય અંતર્ગત આયોજિત સંમેલનમાં કંડલા પોર્ટને ગ્રીન હાઈડ્રોજન હબ તરીકે વિકસાવવાની દિશામાં દૃઢ સંકલ્પ વ્યક્ત કરાયો હતો. આ સેમિનારમાં ઉદ્યોગ, પોર્ટ, ઊર્જા અને નીતિગત ક્ષેત્રના મહત્ત્વના પ્રતિનિધિઓએ વિચારવિમર્શ કર્યો હતો. ડીપીએ ચેરમેન સુશીલકુમાર સિંઘે જણાવ્યું હતું કે, દીનદયાળ પોર્ટ પાસે પહેલેથી જ આંતરરાષ્ટ્રીય સ્તરનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિશ્વસનીય લોજિસ્ટિક્સ અને વ્યૂહાત્મક ભૌગોલિક પરિસ્થિતિ છે, જે ગ્રીન હાઈડ્રોજન માટે આવશ્યક તત્ત્વો છે. અમારી પ્રથમ તબક્કાની યોજના પોર્ટને રિન્યુએબલ હાઈડ્રોજન હબમાં રૂપાંતરિત કરવાની છે. તેમણે વધુમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર બન્ને ગ્રીન એનર્જી ખાસ કરીને, ગ્રીન હાઈડ્રોજન માટે મહત્ત્વાકાંક્ષી યોજના ઘડી રહી છે. નીતિ આયોગ અને અન્ય નોડલ એજન્સીઓ આ દિશામાં ઝડપી કામગીરી કરી રહી છે. કંડલા પોર્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે  `એક્ષપોર્ટ ઓરિએન્ટેડ ગ્રીન એનર્જી હબ' તરીકે વિકસાવવાની દિશામાં પ્રયાસો શરૂ થઈ ચૂક્યા છે તેમ જણાવ્યું હતું.  ચેમ્બરના પ્રમુખ  મહેશ  પુંજએ જણાવ્યું હતું કે, કંડલા પોર્ટ દેશનું સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું છે. હવે ગ્રીન હાઈડ્રોજનનાં ઉત્પાદન, સંગ્રહ અને ટ્રાન્ઝિટ માટે અનુકૂળ હબ તરીકે આગળ આવી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્રોજેક્ટ  માત્ર ઔદ્યોગિક પહેલ નથી, પણ પર્યાવરણ, રોજગારી, ઊર્જાસુરક્ષાને એકસાથે સ્પર્શતો રાષ્ટ્રીય દૃષ્ટિકોણ છે. ચેમ્બરના માનદમંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, `કચ્છનું આર્થિક પાટનગર ગણાતો આ ગાંધીધામ-કંડલા વિસ્તાર અને કચ્છ જિલ્લો હવે ઊર્જા અને નાવિક શક્તિ બંનેમાં `નવાં ભારત'નું પ્રવેશદ્વાર બનવા જઈ રહ્યો છે. તુણા પોર્ટ, સૌરઊર્જા માટે તૈયાર થતો વિશાળ ઈન્ડસ્ટ્રિયલ સોલાર ઝોન અને ગ્રીન હાઈડ્રોજન હબ, બધા મળીને ઔદ્યોગિક ક્ષેત્રને નવી દિશામાં વ્યાખ્યાયિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, આવી વિકાસયાત્રા માટે ગાંધીધામ ચેમ્બર રાજકીય અને ઔદ્યોગિક માળખાંગત સહકાર સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે તેમ જણાવી, ડીપીએને કોસ્ટલ હાઇવેનાં ઝડપી નિર્માણ માટે મજબૂત રજૂઆત કરવાની માંગ દોહરાવી હતી. પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડે પોર્ટએ ફરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, ત્યારે ગ્રીન હાઈડ્રોજનનાં ક્ષેત્રમાં પણ કંડલા નેતૃત્વ કરે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે ઓપન હાઉસ ફોરમમાં પ્રશ્નોત્તરી સત્ર દરમ્યાન, ડીપીએ ચેરમેને વિગતવાર અને સ્પષ્ટ જવાબો આપ્યા હતા.  આ કાર્યક્રમમાં ચેમ્બરના સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી નરેન્દ્ર રામાણી, કારોબારી સભ્યો હરીશ માહેશ્વરી, પારસમલ નાહટા, મનોજ મનસુખાણી, અનિમેષ મોદી, કમલેશ પરિયાણી, પ્રશાંત કેલા, જગદીશ નાહટા, રાજીવ ચાવલા, કમલેશ રામચંદાણી, પંકજ મોરબિયા, શરદ શેટ્ટી, આદિલ શેઠના, શરદ ઠક્કર, દામજી ભાનુશાલી, નિકુંજ ચોપરા, રીશીરાજાસિંહ ચુડાસમા, વૂમન્સ વિંગનાં કન્વીનર રાખી નાહટા, સુરભિ આહીર, જાગૃતિ ઠક્કર, નીલમ તીર્થાણી, વૈભવી ગોર, ડીપીએના ડેપ્યુટી ચેરમેન સી. હરિચંદ્રન, ચીફ એન્જિનીયર, વી. રવીન્દ્ર રેડ્ડી, પ્રસાદ, અબ્દુલ્લા, એસ.આર.સી. ડાયરેક્ટર નરેશ બુલચંદાણી, ડી.પી. વર્લ્ડ-તુણા પોર્ટના સુરેશ જોસેફ, કાસેઝ, વેલસ્પન ગ્રુપ, રિલાયન્સ, તોલાણી કોલેજીએટના પ્રો. તેજસ પૂજારા, એસ.આર.કે. ઇન્સ્ટિટયૂટના પ્રોફેસર્સ-વિદ્યાર્થીઓ, રોમેશ ચતુરાણી, પ્રવીણ સિંઘવી-ફ્રેન્ડઝ  ગ્રુપ, વિવેક મિલાક, મોહન ગોયલ, કે.આઈ.સી.ટી., નીલકંઠ ગ્રુપ, પોર્ટ-શાપિંગ, ટ્રાન્સપોર્ટ-લોજિસ્ટિક, સ્ટેક હોલ્ડર્સ તેમજ ચેમ્બર સાથે જોડાયેલા વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd