ચેન્નાઈ, તા. 11 : મહેન્દ્રસિંહ ધોનીએ કપ્તાની સંભાળ્યા બાદ પણ ચેન્નાઈનો દેખાવ સુધર્યો
નહોતો અને કોલકાતાએ આજે અહીં સીએસકેને આઠ વિકેટે કારમી હાર આપી હતી. સુનીલ નારાયણ પહેલાં
બોલિંગમાં (13 રનમાં ત્રણ વિ.) અને પછી બેટિંગમાં
(18 દડામાં 44 રન)ય ઝળક્યો હતો. નિસ્તેજ ચેન્નાઈ
માત્ર 103 રન કરી શક્યું હતું. કેકેઆરે
10.1 ઓવરમાં જ લક્ષ્ય આંબ્યું હતું.
ડિકોકે 16 દડામાં 23, રહાણેએ 17 દડામાં 20 રન કર્યા હતા. ચેન્નાઈ હવે
છમાંથી પાંચ મેચ હારી ચૂક્યું છે તો કેકેઆર ત્રીજી જીત સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા
સ્થાને પહોંચ્યું હતું. અગાઉ ટોસ જીતી કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન અજિંક્યા રહાણેનો
બોલિંગ કરવાનો નિર્ણય યોગ્ય સાબિત થયો હતો. કેકેઆરની બોલિંગ સામે ધોનીની ટીમ સીએસકે
નતમસ્તક થઇ ગઇ હતી અને 20 ઓવરના અંતે
9 વિકેટે 103 રનનો મામૂલી સ્કોર કરી શકી હતી. સીએસકે તરફથી સૌથી વધુ 31 રન શિવમ દુબેએ કર્યા હતા. તે
29 દડામાં ત્રણ ચોગ્ગા ફટકારી
અણનમ રહ્યો હતો. કપ્તાન મહેન્દ્રસિંહ ધોની (1) સહિતના ચેન્નાઇના 8 ખેલાડી બેવડા આંકમાં પહોંચી શકયા ન હતા. હોમ ગ્રાઉન્ડ ચેપોકની
જીવંત પીચ પર કેકેઆરના બોલરો સામે સીએસકે બેટધરોએ શરણાગતિ સ્વીકારી લીધી હતી. કેકેઆર
તરફથી સુનીલ નારાયણે 13 રનમાં 3 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તી અને હર્ષિત
રાણાને 2-2 વિકેટ મળી હતી. સીએસકે પાવરપ્લેમાં
ફકત 31 રન જ કરી શકી હતી અને આ દરમિયાન
બે વિકેટ ડીવોન કોન્વે (12) અને રચિન
રવીન્દ્ર (4)ની વિકેટ ગુમાવી હતી. 16 રનમાં બે વિકેટ પછી રાહુલ ત્રિપાઠી
અને વિજય શંકર વચ્ચે ત્રીજી વિકેટમાં 43 રનની ભાગીદારી થઇ હતી. રાહુલ 16 અને શંકર 29 રને આઉટ થયા હતા અને આ સાથે
જ સીએસકેની છૂકછૂક ગાડી શરૂ થઇ હતી. અશ્વિન 1, રવીન્દ્ર 0, હુડ્ડા 1, કપ્તાન ધોની 1, નૂર 1 રને આઉટ થયા હતા. શિવમ 31 અને અંશુલ 3 રને નોટઆઉટ રહ્યા હતા. આથી ચેન્નાઇના 9 વિકેટે 103 રન થયા હતા.