• ગુરુવાર, 13 માર્ચ, 2025

ટ્રેન પર હુમલો ; હાથનાં કર્યાં હૈયે વાગે છે પાકિસ્તાનને

પુરાણમાં ભસ્માસુરની કથા જાણીતી છે. ભસ્માસુરને શિવજીએ વરદાન આપ્યું.. ને એ રાક્ષસે ઉત્પાત મચાવ્યો.. આપણા પડોશમાં નકારાત્મક વિચારસરણીને વરેલાં અને ખુદ રાક્ષસી પ્રવૃત્તિમાં રચ્યાંપચ્યાં રહેતાં પાકિસ્તાન માટે એવી જ પરિસ્થિતિ નિર્માણ પામી છે. ભારતને નુકસાન પહોંચાડવાના એકમાત્ર ઉદ્દેશ સાથે આતંકવાદીઓ, આતંકી સંગઠનોને ભરપૂર મદદ-પ્રોત્સાહન આપ્યું અને આજે એ જ આતંકવાદીઓ પાકિસ્તાન સામે જ ફૂંફાડા મારી રહ્યા છે. બલુચિસ્તાન પ્રાંતમાં આતંકવાદીઓએ ક્વેટાથી પેશાવર જઇ રહેલી જાફર એક્સપ્રેસ ટ્રેન પર હુમલો કરીને ચારેકસો જેટલા યાત્રિકને બંધક બનાવ્યાની ઘટના એ વાતનું પ્રમાણ છે. આતંકવાદના ઇતિહાસમાં ટ્રેનને કબજે લીધી હોય એવા પ્રકારનો બનાવ ભાગ્યે જ બન્યો છે. આ લખાય છે ત્યારે સલામતી દળોએ 155 જેટલા બંધકને આતંકવાદીઓની ચુંગાલમાંથી છોડાવી લીધા છે. રેડિયો પાકિસ્તાનના હેવાલ મુજબ હુમલાખોરોમાં આત્મઘાતી બોમ્બર્સ પણ હોવાની સંભાવનાથી રેસ્ક્યુ ઓપરેશન એકદમ સાવધાની સાથે હાથ ધરવામાં આવી રહ્યું છે. આતંકવાદી ઘટનાઓ પાકિસ્તાનની ફિતરત થઇ ગઇ છે. રોજેરોજ ક્યાંક ને ક્યાંક હુમલા, ગોળીબાર, અથડામણના બનાવો બહાર આવતા રહે છે. ખાડો ખોદે તે પડે એ આનું નામ. ખેદની વાત એ છે કે, જેમને રાજનીતિ સાથે સંબંધ નથી એવા નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. મંગળવારની ઘટનાની જવાબદારી બલુચ લિબરેશન આર્મી (બીએલએ)એ લીધી છે. હુમલા અને ગોળીબારના બનાવોમાં અનેક ઘાયલ થયા હોવાના હેવાલ છે. બલુચ લિબરેશન આર્મી આઝાદ બલુચિસ્તાનની માગણી સાથે પાકિસ્તાન સામે જંગે ચડેલું સંગઠન છે. બલુચિસ્તાનના લોકોનું માનવું છે કે, ભારત-પાકિસ્તાનનાં વિભાજન વખતે તેમને બળજબરીપૂર્વક પાકિસ્તાન સાથે જોડી દેવામાં આવ્યું છે. બલુચિસ્તાન એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પોતાની અલગ ઓળખ રાખવા  માગે છે. વિડંબણા એ છે કે, 1947માં ભારતને આઝાદી મળી એના ચાર દિવસ પહેલાં બલુચિસ્તાનને સ્વતંત્ર દેશ ઘોષિત કરવામાં આવ્યું હતું. તેની આઝાદીની પેરવી કરનારા વકીલ મહમદ અલી ઝીણા જ હતા, પણ પાકિસ્તાન સ્વતંત્ર થયું તેના 227 દિવસ બાદ બલુચિસ્તાનને પાકમાં ભેળવી દેવામાં આવ્યું. આને પરિણામે પાકિસ્તાન સરકાર અને સૈન્ય સાથે તેમનો સંઘર્ષ ચાલ્યા કરે છે. ટ્રેન અપહરણની ઘટનાના પાકિસ્તાનમાં ગંભીર પ્રત્યાઘાત પડયા છે. દરમ્યાન, સિડની સ્થિત ઇન્સ્ટિટયુટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા તાજેતરમાં આતંકવાદ પર વૈશ્વિક સૂચકાંક અહેવાલ 2025 જારી કરવામાં આવ્યો, તેમાં પાકિસ્તાનને દુનિયામાં બીજા ક્રમનો સૌથી આતંકવાદ પ્રભાવિત દેશ દર્શાવવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન આતંકની દૃષ્ટિએ સૌથી સંવેદનશીલ વિસ્તાર છે. પાકિસ્તાનમાં કુલ આતંકી ઘટનાઓ બની તેની 90 ટકા આ વિસ્તારમાં થઇ છે. તહેરિકે તાલિબાન બીજાં વર્ષે સૌથી ખતરનાક આતંકી સંગઠન જાહેર થયું છે. 2024માં આ જૂથે 482 હુમલા કર્યા, જેમાં 558 મોત થયાં. ટ્રેન અપહરણકાંડે બલુચિસ્તાનનો તનાવ વિશ્વ સમક્ષ તાજો થયો છે. રાષ્ટ્રની ચોમેર અસંતોષ અને આતંકની આગનો સામનો કરવા પાક સરકારના હાથની વાત નથી રહી. બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે, જે દેશનાં ભૌગોલિક ક્ષેત્રનો 44 ટકા ભાગ આવરી લે છે. આ પ્રાંત પ્રાકૃતિક સંસાધનો જેવાં કે, સોનું, તેલ, તાંબુ જેવા કિંમતી ખનિજોથી સમૃદ્ધ છે. પરિસ્થિતિ આમ જ ચાલતી રહેશે, તો બાંગલાદેશ બાદ પાકિસ્તાનનો વધુ એક કટકો થશે એ દિવસો દૂર નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd