પોર્ટ લુઇસ, તા. 12 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના પ્રવાસના બીજા દિવસે બુધવારે ભારત અને મોરેશિયસ વચ્ચે આઠ મહત્ત્વપૂર્ણ
કરાર થયા હતા. આ અવસરે વડાપ્રધાન મોદીએ મોરેશિયસના નવાં સંસદભવનનાં નિર્માણમાં ભારત
સહયોગ આપશે તેવી ઘોષણા કરી હતી. મોરેશિયસના 57મા રાષ્ટ્રીય દિવસ સમારોહમાં પણ મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત
રહ્યા હતા. ભારતીય મૂળના સર શિવસાગર રામગુલામની આગેવાની હેઠળ 12 માર્ચ-1968ના દિવસે મોરેશિયસને આઝાદી
મળી હતી. બંને દેશ વચ્ચે આઠ મહત્ત્વના સમજૂતી કરારમાં `લોકલ કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ' એટલે કે બે દેશ વચ્ચે વેપારમાં સ્થાનિક ચલણનો
ઉપયોગ કરી ડોલર પર નિર્ભરતા ઘટાડવાનો મહત્ત્વનો કરાર થયો હતો. એ સિવાય મોરેશિયસના રાજદ્વારીઓને
ભારતમાં પ્રશિક્ષણ, સમુદ્રી સુરક્ષા, આર્થિક
અપરાધોમાં સહયોગ, સ્ટાર્ટ-અપ, નાના ઉદ્યોગો,
વેપારીઓના વિકાસમાં સહયોગના કરાર પણ થયા હતા. મોરેશિયસમાં સરકારી અધિકારીઓ
માટે તાલીમ કાર્યક્રમ, સમુદ્રી વિજ્ઞાન, મોસમ સાથે જોડાયેલી જાણકારીઓમાં સહયોગની પણ સમજૂતી થઇ હતી. બેઠક બાદ સંયુક્ત
પત્રકાર પરિષદ સંબોધતાં મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામે કહ્યું હતું કે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમારા સ્વતંત્રતા દિવસે ઉપસ્થિત રહી અમારું
સન્માન કર્યું છે. વડાપ્રધાન મોદી બોલ્યા હતા કે, 140 કરોડ ભારતીય વતી મોરેશિયસના
લોકોને રાષ્ટ્રીય દિવસની શુભેચ્છા આપું છું.