ગાંધીધામ, તા.12 : શહેરના અનેક વિસ્તારમાં સમયાંતરે
નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે, ત્યારે અકસ્માત નિવારવા માટે ગતિઅવરોધક બનાવવા ઉપર ભાર મુકાયો છે. હાલની સ્થિતિમાં
ગાંધીધામ અને આદિપુરના જુદા-જુદા માર્ગ ઉપર ગતિઅરોધકની ભરમાર છે. આ સ્પીડબ્રેકર કોણે
અને કોની મંજૂરીથી બનાવવામાં આવ્યા તેવો સવાલ જાગૃત નાગરિકોનાં મનમાં ઊઠયો છે. ગેરકાયદેસર રીતે બનેલાં
સ્પીડબ્રેકર પાસે ટ્રાફિકના નિયમોની અનદેખી લઈને પણ અકસ્માત થતા હોવાના ફરિયાદ ઊઠી છે. આદિપુર
તોલાણી ગર્લ્સ હોસ્ટેલથી રામબાગ તરફ જતા માર્ગ, ટાગોર રોડથી ઘોડાચોકી
થઈ અંજાર તરફ જતો માર્ગ, આદિપુર રેલવે સ્ટેશનથી ગોપાલ
પુરી, સુંદરપુરીથી રમતગમત સંકુલ તરફ માર્ગ સહિતનાં સ્થળોએ કથિત ગેરકાયદેર ગતિઅવરોધકો બન્યા છે. ગંભીર ગણાતી
આ બાબત વહીવટીતંત્રનાં ધ્યાને આવતી જ નથી. લોકોને સુરક્ષિત રાખવા માટે કરાયેલી આ હિમાયત હાલમાં માથાંનો દુ:ખાવો બની છે. સામાન્ય રીતે અકસ્માત નિવારવા માટે આ પ્રકારના ગતિઅવરોધકોમાં બનાવવામાં આવતા હોય છે. થોડા સમય પૂર્વે ટાગોર રોડ ઉપર પોલીસતંત્રની
ભલામણના આધારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા
ગતિઅવરોધક બનાવવામાં આવ્યા હતા. તેવામાં ગાંધીધામમાં અનેક રસ્તો મુકાયેલાં સ્પીડબ્રેકર અંગે સ્થાનિક પોલીસ પ્રશાસનનો અભિપ્રાય લેવાયો
હશે ખરો ? જાણકારોએ માહિતી
આપતા જણાવ્યું હતું કે, કોઈપણ ગતિઅવરોધક બનાવવા માટે ચોક્કસ
પ્રકારના માપદંડ હોય છે તે મુજબ જ જમ્પ બનાવવામાં આવતા હોય છે. શહેરમાં આ પ્રકારના
નિયમોની અનદેખી કરાઈ હોવાનું જણાઈ રહ્યું છે. કથિત ગેરકાયદેસર ગતિઅવરોધક ઉપર રિફલેકટર કે સફેદપટ્ટા, માહિતીદર્શાવતાં
બોર્ડનો અભાવ છે. ટાગોર રોડથી ઘોડાચોકી થઈ અંજાર તરફ જતા માર્ગ ઉપર અંધારામાં સ્પીડબ્રેકરો
ન દેખાતાં લોકો પટકાતા હોવાની પણ રાવ ઊઠી હતી. હાલમાં મહા નગરપાલિકા એ પાયાની સુવિધાનો
વિકાસ કરવાની દિશામાં વિશેષ ધ્યાન
કેન્દ્ર કર્યું છે ત્યારે લોકોને સ્પર્શતા આ
મહત્ત્વના મુદ્દા ઉપર કાર્ય કરવું જોઈએ તેવી સમયની માંગ છે.