નવી દિલ્હી, તા. 11 : રમત ગમત મંત્રાલયને
ભારતીય કુસ્તી મહાસંઘ (ડી.ડબ્લ્યુ.એફ.આઇ.) પર લગાવેલું સસ્પેન્શન 15 મહિના બાદ હટાવી દેતાં પૂર્વ
અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહના નીકટવર્તી સંજયસિંહનો દબદબો પુન: કાયમ થયો હતો. રમતોમાં ઘણા મહિનાઓથી રહેલી અનિશ્ચિતતાઓ પણ સમાપ્ત થઇ ગઇ
હતી, સાથે વિવિધ રમતોનાં આયોજનનો રસ્તો પણ સાફ થયો
હતો, જેમાં ઓમાનમાં યોજાનારી એશિયાઇ ચેમ્પિયનશિપ માટેની પસંદગીની
ટ્રાયલનો પણ સમાવેશ થાય છે. મંત્રાલયે સંચાલન સંબંધી ગતિવિધિઓમાં ક્ષતિઓનાં કારણે ડિસેમ્બર-2023માં ડબ્લ્યુ.એફ.આઇ. પર રોક
લગાવી હતી. ડિસેમ્બર-2023માં સંજયસિંહનાં
નેતૃત્વવાળા નવા પદાધિકારીઓએ બ્રિજભૂષણસિંહના ગઢ નંદિનીનગર, ગોડામાં 15થી 20 વર્ષ નીચેની વયજૂથ માટે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન કરવાની
જાહેરાત કરી હતી. આ જાહેરાતથી સરકાર નારાજ હતી. કારણ કે, પૂર્વ ભાજપ સાંસદ દુષ્કર્મના આક્ષેપો સામે ઝઝૂમી
રહ્યા હતા. જો કે, મંત્રાલયે હવે રોક હટાવી તેના આદેશમાં કહ્યું
હતું કે, ડબ્લ્યુ.એફ.આઇ.એ સુધારાત્મક પગલાં ભર્યાં છે,
જેને માટે રમત અને રમતવીરોનાં વ્યાપક હિતોને ધ્યાનમાં રાખતાં મંત્રાલયે
સસ્પેન્શન હટાવવાનો નિર્ણય લીધો છે. સંજયસિંહે પીટીઆઇ સાથે વાતચીતમાં કહ્યું હતું કે,
આ નિર્ણય માટે હું મંત્રાલયનો આભાર વ્યક્ત કરું છું. મંત્રાલયે ડબ્લ્યુ.એફ.આઇ.ને
કેટલાક નિર્દેશોનું પાલન કરવા પણ જણાવ્યું હતું. જેમ કે, ચૂંટાયેલા
પદાધિકારીઓ વચ્ચે શક્તિનું સંતુલન બની રહે તથા સ્વયંને ફરજમોકૂફ કરાયેલા અધિકારીઓથી
અલગ રહેવા માટે પાલન કરવા કહ્યું હતું. નવા મહાસચિવ પ્રેમચંદ લોચબ વિરોધી જૂથ તરફથી
ચૂંટાયા હતા અને મંત્રાલયના નિર્દેશને તેના જ સંદર્ભમાં સમજી શકાય છે. મંત્રાલયે તેના
આદેશમાં ડબ્લ્યુ.એફ.આઇ.ના કાર્યકારી પરિષદને ચાર અઠવાડિયાંની અંદર સોગંદનામું આપવા
કહ્યું હતું.