• બુધવાર, 12 માર્ચ, 2025

ટેરિફ મુદ્દે અમેરિકા સાથે પ્રતિબદ્ધતા નહીં

નવી દિલ્હી, તા. 11 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટા-મોટા દાવા કરવા માટે જાણીતા છે. તેમણે ભારત અંગે દાવો કર્યો હતો કે, નવી દિલ્હીએ ખાતરી આપી છે કે, અમેરિકી ઉત્પાદનોના આયાત ઉપર ટેક્સમાં કમી કરી દેવામાં આવશે. હવે આ દાવાને ભારતે નકારી કાઢયો છે. વાણિજ્ય સચિવ સુનીલ બરથવાલે સંસદીય સમિતિને કહ્યું છે કે, આવી કોઈ પણ પ્રતિબદ્ધતા અમેરિકા સામે જાહેર કરવામાં આવી નથી. વાણિજ્ય સચિવે કહ્યું છે કે, ટેરિફમાં કાપ જેવું કોઈ પણ વચન ભારત તરફથી અમેરિકાને આપવામાં આવ્યું નથી. વિદેશ મામલાની સંસદીય સમિતિ સમક્ષ કહેવામાં આવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફના મુદ્દે વાતચીત ચાલી રહી છે. વર્તમાન સમયે કોઈ પણ પ્રકારનો વ્યાપારનો કરાર નક્કી થયો નથી. સંસદીય સમિતિના ઘણા સભ્યોએ અમેરિકી રાષ્ટ્રપતિના દાવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેના ઉપર બરથવાલે જવાબ આપતાં કહ્યું હતું કે, અમેરિકી રાષ્ટ્રપતિના દાવા અને મીડિયા અહેવાલના આધારે કંઈ પણ કહી શકાય નહીં. વર્તમાન સમયે બન્ને દેશ વચ્ચે વાતચીત ચાલી રહી છે. ભારતે હજી સુધી અમેરિકા સાથે ટેરિફમાં કાપ અંગે કોઈ પ્રતિબદ્ધતા જાહેર કરી નથી. વાણિજ્ય સચિવે એમ પણ કહ્યું હતું કે, અમેરિકા સાથે સમજૂતીમાં ભારતીય હિતોનું સંરક્ષણ કરવામાં આવશે. ભારત ફ્રી ટ્રેડની તરફેણમાં છે અને ઉદારતાની નીતિ અપનાવે છે. ભારતની કોશિશ છે કે, બન્ને દેશ વચ્ચે કારોબારમાં વૃદ્ધિ થાય. ફ્રી ટ્રેડની વાત કરવામાં આવે છે તો સાથે એ પણ ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે, વ્યાપારયુદ્ધથી કોઈના પણ હિતની સુરક્ષા થઈ શકશે નહીં. તેનાથી મંદીની અસર આવી શકે છે. ભારત મનમાની રીતે ટેરિફમાં કોઈ પણ કાપ કરશે નહીં. ખાસ કરીને એવા ઉદ્યોગો ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે, જે ઘરેલુ અર્થવ્યવસ્થા માટે મહત્ત્વપૂર્ણ છે. ભારત ટેરિફ કાપ માટે દ્વિપક્ષીય વાર્તાને મહત્ત્વ આપે છે અને સાથે ધ્યાન રાખે છે કે રાષ્ટ્રીયહિત સાથે સમજૂતી ન થાય. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd