• ગુરુવાર, 13 માર્ચ, 2025

કલાકોના જંગ બાદ પાક ટ્રેનના બંધકો છોડાવાયા

ઇસ્લામાબાદ, તા. 12 : પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં આખી ટ્રેન પર કબજો કરનાર બલુચ લિબરેશન આર્મીએ બીજા દિવસે બુધવારે દાવો કર્યો હતો કે, 100થી વધુ પાકિસ્તાની સૈનિકો તેમજ બંધકોને મારી નાખ્યા છે. બીજી તરફ પાકિસ્તાની સુરક્ષાદળોએ બધા બંધકો છોડાવી લીધા અને તમામ ઉગ્રવાદી વિદ્રોહીઓને મારી નાખ્યા હોવાનો દાવો કર્યો હતો. જો કે, બલુચ વિદ્રોહીઓએ તેના કોઇપણ સભ્ય માર્યા ગયા નથી, તેવું કહીને પાકનાં જૂઠાણાંની  પોલ ખોલી હતી. લગભગ 400 યાત્રીને  લઇ જતી જાફર એક્સપ્રેસ ટ્રેન પર કબજો કરનાર બલુચ આર્મીએ કહ્યું હતું કે, હજુ પણ અમારી કેદમાં 150 બંધક છે. હવે આગામી 20 કલાકમાં પાકિસ્તાનની સરકાર બલુચ કેદીઓને નહીં છોડે તો તમામ બંધકોને મારી નાખશું તેવી ધમકી બલુચ આર્મીએ આપી હતી. બલુચિસ્તાનના સિબી જિલ્લા પાસે જાફર એક્સપ્રેસ ટ્રેનને ડિરેલ કરીને બીએલએએ હાઈજેક કરી લીધી હતી. બાદમાં પાકિસ્તાની સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું કે, 214 બંધકના બદલામાં બલુચ લોકોને મુક્ત કરવામાં આવે. આ દરમિયાન મોડી રાત્રે અહેવાલ સામે આવ્યા હતા કે, પાકિસ્તાની સેનાએ ઓપરેશન કરીને 104 બંધકને છોડાવ્યા હતા અને 16 વિદ્રોહી ઠાર થયા હતા. જો કે, બીએલએએ અહેવાલો ફગાવતાં  કહ્યું હતું કે, હજી પણ સેંકડો પાકિસ્તાની બંધક છે અને કોઈપણ વિદ્રોહી ઠાર થયા નથી. જે લોકોને બંધક બનાવાયા છે તેમાં મોટાભાગના પાકિસ્તાની સેના, આઈએસઆઈ અને પોલીસના કર્મચારી છે.  બલુચ વિદ્રોહીઓએ બોમ્બ સાથેનાં જેકેટ પહેર્યાં હોવાથી પાક સેનાને ઓપરેશનમાં તકલીફ પડી હતી. ટ્રેન હાઈજેક કરવાનું કારણ પણ બતાવતા એક ઓડિયો સંદેશમાં બલુચ આત્મઘાતીએ કહ્યું હતું કે, પાકિસ્તાની સેનાના અત્યાચાર અને બલુચિસ્તાન પ્રાંતનાં સંસાધનોનાં શોષણે આ પગલું ભરવા મજબૂર કર્યા છે. દશકોથી પાકિસ્તાની સેના દ્વારા શોષણ થઇ રહ્યું છે. બલુચ લોકો જે યુદ્ધ લડી રહ્યા છે તે ન્યાય અને અસ્તિત્વની લડાઈ છે. આ યુદ્ધ બલુચિસ્તાનની માતાઓ અને બહેનો માટે છે. તેઓ માતૃભૂમિ માટે પોતાનું લોહી વહાવી રહ્યા છે. આ દરમિયાન ક્વેટામાં 200 જેટલા તાબૂત મોકલાયાના અહેવાલ સામે આવ્યા છે. પાકિસ્તાની રેલવે અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે, બલુચિસ્તાનના બોલનમાં 200થી વધારે તાબૂત મોકલાયા છે. જો કે, આ કામગીરી સુરક્ષા પ્રોટોકોલને ધ્યાને લઈને કરાઇ છે. બીએલએએ કહ્યું હતું કે, યુદ્ધના આંતરરાષ્ટ્રીય નિયમો અને માનવાધિકારોને ધ્યાને લઈને બીએલએએ કેદીઓની અદલાબદલી માટે પાકિસ્તાન સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. જો કે, સરકારની જીદ, ઉદાસીથી સાબિત થાય છે કે, તે પોતાના સુરક્ષા કર્મચારીઓને બચાવવા માગતી નથી. બીએલએએ એક પત્રમાં કહ્યું હતું કે, હવે પાકિસ્તાન સરકાર પાસે એક દિવસ છે. જો નિર્ણય કરવામાં નહીં આવે તો તમામ બંધકોને બલુચ રાષ્ટ્રીય ન્યાયાલય સામે રજૂ કરી અને ત્યાં તમામ ઉપર અત્યાચાર, કબજો, નરસંહાર, શોષણ અને યુદ્ધ અપરાધ સહિતના કેસ ચાલશે. બંધકો સામે જે કેસ ચાલશે તે ઝડપી, નિષ્પક્ષ અને પારદર્શક રહેશે. દોષિતોને બલુચ રાષ્ટ્રીય કાયદા અનુસાર દંડ કરાશે.  પાકિસ્તાની સેના બંધકોને છોડાવવાની કોશિશ કરી રહી છે, પણ ઘણી મુશ્કેલીઓ સામે આવી રહી છે. અહેવાલો અનુસાર બીએલએએ બંધકો વચ્ચે આત્મઘાતી બોમ્બર્સ બેસાડી રાખ્યા છે. આ બોમ્બર્સે આત્મઘાતી જેકેટ પહેરેલાં છે. જેનાથી સુરક્ષા દળો માટે બંધકોને છોડાવવા મુશ્કેલ બન્યા છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd