ભુજ, તા. 12 : 13મી માર્ચ વિશ્વ કિડની દિવસ
તરીકે ઊજવાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ `તાત્કાલિક તપાસ કરાવો, કિડની સ્વસ્થ રાખો અને તંદુરસ્ત રહો' થીમ આપી છે. ભારતમાં
અંદાજિત 20 કરોડ લોકો
કિડનીરોગથી પીડાય છે, ત્યારે મેદસ્વિતા,
સુગર અને હાઇ બી.પી.ના નિયંત્રણથી સતર્કતા વધારવી જરૂરી છે. વિશ્વ કિડની
દિવસની ઉજવણી નિમિત્તે અદાણી સંચાલિત જીએઆઇએમએસ જી.કે. જનરલ હોસ્પિટલના નેફ્રોલોજિસ્ટ
અને કિડની રોગના નિષ્ણાત ડો. હર્ષલ વોરાએ જણાવ્યું હતું કે, કિડનીના
રોગમાં તપાસનું ખૂબ મહત્ત્વ છે. ખ્યાલ પણ નથી આવતો તે રીતે આ રોગ આગળ વધી ગંભીર રૂપ
ધારણ કરી લે છે. કિડની રોગ માટે ડાયાબિટીસ, હાઇ બી.પી.,
પથરી, મેદસ્વિતા, વારસાગત
બીમારી, જન્મજાત ખામીઓ, પેશાબની સમસ્યા,
ગ્લોમેટુલો નેફ્રટેટીસ જવાબદાર છે. નિયમિત તપાસ કરવાની જરૂરિયાત અંગે
જણાવી ડો. વોરાએ રોગના લક્ષણો અંગે કહ્યું હતું કે, પગ-મોઢામાં
સોજા, ઊલટી, ઊબકા, પેશાબ ઘટવો, પેશાબમાં ફીણ આવવું. લોહી પડવું,
થાક, ભૂથ ઓછી, વજન ઘટવું
જેવા ચિહ્નો જણાય, તો તપાસ જરૂરી બને છે. કિડનીના રોગના નિદાન
માટે સીરમ ફોટેનિન, યુરિન રૂટિન, સોનોગ્રાફી
વિ. રિપોર્ટ જરૂરી છે. આ રોગથી સુરક્ષિત રહેવા બીપી-ડાયાબિટીસ નિયંત્રણમાં રાખવા,
ધુમ્રપાન-આલ્કોહોલથી દૂર રહેવા જણાવ્યું હતું. વધુ પડતી દુ:ખાવાની દવા
ન લેવા તેમજ વ્યાયામ કરવાની સલાહ આપી હતી.
કોઇ પણ જાતની દવા કે પ્રોટિન સપ્લિમેન્ટ એક્સપર્ટની સલાહ વિના લેવી નહીં તેવું
ઉમેર્યું હતું. બીમારી હોય તો નિયમિતપણે કિડનીના ડોક્ટરના સંપર્કમાં રહેવાની સલાહ આપી
હતી.