• ગુરુવાર, 13 માર્ચ, 2025

ટ્રાફિક સમસ્યા સાથે અકસ્માતનો લોહિયાળ ભરડો

પ્રફુલ્લ ગજરા દ્વારા : ભુજ, તા. 12 : ટ્રાફિક નિયમન અને માર્ગ સલામતી તથા માર્ગ સુરક્ષા બાબતે અનેકવિધ યોજનાઓ અને શ્રેણીબદ્ધ પગલાં સાથે લખલૂટ ખર્ચ પછીએ જીવલેણ માર્ગ અકસ્માતો અટકવાનું કે ઓછા થવાનું નામ લેતા નથી. નાનાં-મોટાં અનેકવિધ પરિબળોને આભારી આ પરિસ્થિતિનું જીવંત  ઉદાહરણ જિલ્લા મથક ભુજની આવનજાવનનો ધોરીમાર્ગ બની રહ્યો છે. ચાલુ અઠવાડિયાંમાં આ ધોરીમાર્ગ ઉપર ઉપરાઉપરી બે જીવલેણ કિસ્સા બન્યા બાદ ભુજમાં આવવા માટેના અને ભુજથી જવા માટેના કે શહેરની મધ્યમાંથી પસાર થવા માટેના આ મુખ્ય રસ્તાનો જૂનો અને પેચીદો મુદ્દો ફરી એકવાર યોગ્ય ઉકેલની આલબેલ પોકારતો સપાટી ઉપર આવ્યો છે. નિયમોને નેવે મૂકીને આડેધડ કે ઓવરસ્પીડ દોડતાં નાનાં-મોટાં વાહનો, પાર્કિંગ માટેની યોગ્ય વ્યવસ્થાનો સદંતર અભાવ અને સામાન્ય વ્યક્તિઓને હાલવા-ચાલવા માટેની ફૂટપાથ ઉપર ધંધાર્થીઓના કબજા ઉપરાંત વાહનચાલકોની જાગૃતિ અને સતર્કતાના અભાવ સહિતના મુદ્દાને લઈને કચ્છનું જિલ્લા મથક ટ્રાફિકના પ્રશ્નોથી મુક્ત જ બની શક્યું નથી. ધરતીકંપ બાદ આ રાજનગરના સેન્ટર પોઈન્ટ બની ચૂકેલા જ્યુબિલી મેદાન ચકરાવા અને અનમ તથા છઠ્ઠીબારી રિંગ રોડ ખાતે રખેવાળોની પૂરતી સંખ્યા વચ્ચે પણ દિવસ દરમ્યાન સર્જાતી ટ્રાફિકની અરાજકતા બતાવી રહી છે કે, વ્યાપક પગલાં પછીએ સ્થિતિ સુધરવાના બદલે બગડી રહી છે. પાટનગર ભુજ ઉપરાંત તેનાં પરાં એવાં માધાપરથી કુકમા સુધી, મિરજાપરથી માનકૂવા સુધી અને ભીરંડિયારા-ખાવડા માર્ગ તરફ ભંગાર રસ્તા, ખાડા, બિનવૈજ્ઞાનિક સ્પીડ બ્રેકર લોકોને સતાવી રહ્યા છે. આનો કાયમી ઇલાજ થાય એવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે. વી.વી.આઈ.પી.ની મુલાકાતને લઈને ભુજને જોડતા મિરજાપર ત્રિભેટેથી માધાપર ઝાંસી કી રાણી ચકરાવા સુધી ગતિ અવરોધક કાઢી નખાયા બાદ સતત બે દિવસમાં બે જીવલેણ અકસ્માતે પ્રાધ્યાપક યુવતી અને સ્મૃતિવનના કર્મચારી યુવકનો ભોગ લીધો છે. આ બનાવોના પગલે મચેલા હોબાળા અને ફેલાયેલી અરેરાટી વચ્ચે જવાબદાર તંત્રો પ્લાસ્ટિકનાં ગતિ અવરોધક નાખવા સિવાય અન્ય કાંઈ ખાસ કામગીરી કરી શક્યાં નથી. પરિણામ સ્વરૂપ નાનાં અને ખાસ કરીને દ્વીચક્રી વાહનોવાળા માટે મુસાફરી ભયના ઓથાર હેઠળની સતત જોખમી બની છે. ધરતીકંપ બાદના વિકાસના દૌરમાં લગભગ બાવન કિ.મી.ના વિસ્તારમાં  ફેલાઈ ચૂકેલાં ભુજના આંતરિક અને બાહ્ય માર્ગો વિશેનાં પરિભ્રમણ દરમ્યાન એકબાજુ તૂટેલા અને ખખડી ગયેલા આંતરિક રસ્તાની ફરિયાદો મળી હતી, તો બીજીબાજુ મુંદરા, ખાવડા, માંડવી અને માધાપર સાથે ભુજને જોડતા મુખ્ય ધોરીમાર્ગને સંલગ્ન અનેક મુદ્દા સાંભળવા મળ્યા હતા. સતત ધમધમતા આ ધોરીમાર્ગ ઉપર દિવસ દરમ્યાન સતત પાર્ક થયેલાં મોટાં ઉતારુ વાહનો અને માર્ગને અવરોધે તેટલી હદે ગોઠવાઈ ગયેલા ધંધાર્થીઓ પણ અકસ્માત અને અરાજકતા માટે એટલા જ  જવાબદાર બની રહ્યા હોવાની રાડ સામાન્ય નગરજનો પાસેથી સાંભળવા મળી હતી. નિયમોને એકબાજુએ રાખીને ગોઠવાઈ જતા છકડા અને રિક્ષાવાળા પણ અરાજકતાભરી સ્થિતિને વધુ કઠોર બનાવી રહ્યા હોવાની વિગતો જાણવા મળી હતી. જ્યારે વ્યૂહાત્મક રીતે મહત્ત્વનાં અને વધુ અવરજવરવાળાં અમુક ઠેકાણે સ્પીડ બ્રેકર ન હોવાની ફરિયાદો પણ સાંભળવા મળી હતી. યોગ્ય અને કાયમી ઉકેલના અભાવે ભુજવાસીઓ આ પરિસ્થિતિ વેઠતા આવ્યા છે, વેઠી રહ્યા છે અને વેઠતા રહેશે તેવો સામાન્ય સૂર પણ ભુજવાસીઓ પાસેથી સાંભળવા મળ્યો હતો. જિલ્લા મથકનું ટ્રાફિક વ્યવસ્થાપન સુધારવા માટેનાં સૂચનો કરતા અમુક અગ્રણીઓએ નામ ન આપવાની શરતે કેટલાંક સૂચનો કર્યાં હતાં. ધરતીકંપ બાદ લાંબા સમયથી પાર્કિંગ પ્લોટના અભાવને લઈને માર્ગ, બજાર કે ગલીઓમાં મુકાતાં વાહનોએ રસ્તા છે તેનાથી સાંકડા બનાવી નાખ્યા છે, તો શહેરના આંતરિક અને બાહ્ય બન્ને માર્ગો ઉપર ફૂટપાથો ધંધાવાળાઓના કબજા હેઠળ આવી જતા લોકોને ફૂટપાથ છોડી માર્ગો ઉપર ચાલવા મજબૂર  થવું પડે છે. આવી સ્થિતિ વચ્ચે કોટ અંદરના વિસ્તારમાં બે પૈડાંવાળું વાહન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. કાયદેસરનાં સ્ટેન્ડ ન હોવા છતાં ભીડભાડવાળા માર્ગે પણ ગોઠવાઈ જતા છકડા અને રિક્ષાવાળા સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં તંત્ર ઊણું ઊતરી રહ્યું હોવાની લાગણી વ્યક્ત કરતાં તેમણે હોસ્પિટલ રોડ અને મુંદરા રોડનાં ઉદાહરણો આપતાં તંત્ર મક્કમતા કેળવે તો આ મુદ્દાઓ ચોક્કસ ઉકેલાઈ જાય તેમ ઉમેર્યું હતું. જવાબદારોની વિફળતા પરત્વે અંગૂલીનિર્દેશ કરતાં આ સૂત્રોએ જિલ્લાની સૈથી મોટી એવી જનરલ હોસ્પિટલની બહાર એકથી વધુ વખત દબાણ હટાવ કાર્યવાહી પછીએ હાલે જૈસે થે જેવી સ્થિતિનું ઉદાહરણ આપ્યું હતું. દરમ્યાન અકસ્માત અટકાવ અને ટ્રાફિક નિયમન માટે પોલીસ અને આર.ટી.ઓ.નાં શિરે જવાબદારી અપાઈ છે. આ તંત્રોના જવાબદારો કહી રહ્યા છે કે, શ્રેણીબદ્ધ પગલાં લેવાઈ રહ્યાં છે, તો દંડનાત્મક કાર્યવાહીનો આંક પણ સતત વધતો જાય છે. જો લોકો અને વાહનોના ચાલકો સ્વયંશિસ્ત અને નિયમોનાં પાલન માટેના આગ્રહી બને તો તંત્રનાં પગલાં દેખાઈ શકે તેમ છે. ટ્રાફિક ચકરાવા નજીકનાં ઝીબ્રા સર્કલ ઉપર પણ પગપાળા ચાલવાના નિયમનું ફોલોઅપ ન કરનારાનો દાખલો આપતાં તેમણે લોકજાગૃતિ માટે ટકોર કરી હતી. જ્યારે આખાબોલા વર્ગે સમગ્ર સ્થિતિ માટે જવાબદારોને મળતી ઉપરની આવકને મુખ્ય ગણાવતાં વાહનદીઠ નક્કી કરાયેલાં બાંધણાને કારણભૂત લેખાવી તેઓ હવે મમત છોડીને મક્કમ બને તેવી હિમાયત કરી હતી. - છકડા રિક્ષાની બેફામ ગતિને નાથવી જરૂરી : ભુજમાં ટ્રાફિક સમસ્યાએ અજગર ભરડો લીધો છે એ વચ્ચે વાહનચાલકોની ઉતાવળને પગલે અનેક અકસ્માતો થતાં રહે છે, ત્યારે વાહનોની ગતિ પર અંકુશ ખૂબ જરૂરી બન્યું છે. શહેરના મુખ્ય માર્ગો, બજાર તેમજ આંતરિક માર્ગો પર ટ્રાફિક વચ્ચે બેફામ ગતિ સાથે વાહનચાલકો પર ધસી આવતા છકડા-રિક્ષાચાલકોનો રીતસરનો ત્રાસ વર્તાઇ રહ્યો છે. ગમે ત્યારે-ગમે તે દિશામાં ગતિભેર રિક્ષા વાળવી, પેસેન્જર લેવા માર્ગની વચ્ચો વચ્ચ અચાનક રિક્ષા ઊભી રાખી અન્ય વાહનચાલકોના જીવને પણ જોખમ સર્જી રહ્યા છે. નિયમોની ઐસી કી તૈસી, માત્ર ઝડપભેર નીકળી જવાના પ્રયત્નો અન્ય વાહનચાલકો ખાસ કરીને મહિલાઓ, વડીલો, બાળકોના જીવના જોખમનું કારણ બની રહ્યા છે. વળી આ ચાલકોને કોઇ કાંઇ કહે તો ઝઘડો કરવા તૈયાર જ હોય. આવા ચાલકો સામે ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરી, નિયમોનું પાલન કરાવી અન્યો પર અકસ્માતનું જોખમ ટાળવા પ્રયત્નો કરવાની લોકમાંગ ઊઠી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd