• ગુરુવાર, 13 માર્ચ, 2025

નવી જંત્રીના દરોની હૈયાહોળી...

હૃષિકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 12 : રાજ્યમાં નક્કી કરાયેલા શહેરી કક્ષાએ 23,845 અને ગ્રામ્ય કક્ષાએ 17,131 મળીને કુલ નવા વેલ્યૂ ઝોન મુજબ જમીન-મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટેની કમરતોડ નવી જંત્રીના દરની અમલવારી 1લી, એપ્રિલ-2025થી કરાશે. 11મીના મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ સંકેત અપાયા છે. સરકારના ઉચ્ચતમ સૂત્રોની જાણકારી મુજબ મુખ્યમંત્રી કક્ષાએ એ પણ નક્કી કરાયું છે કે, રાજ્ય સરકાર દ્વારા 20મી, નવેમ્બર-2024ના જાહેર કરાયેલા મુસદ્દારૂપ નવી જંત્રી અંગે વાંધા-સૂચનો મેળવાયા બાદ પણ આ મુસદ્દારૂપ જંત્રીના ભાવ-દરમાં કોઈ પણ જાતનો ફેરફાર અર્થાત વધારો કે ઘટાડો નહીં કરાય. પરિણામે ગુજરાત આખામાં જમીનો અને મિલકતોની બજાર કિંમતોમાં ભારેખમ વધારો નોંધાશે. જેની સીધી અસર રીઅલ એસ્ટેટની સાથાસોથ ઘરનું ઘર ખરીદવાનું સપનું સાકાર કરવું એ સામાન્ય કે મધ્યમવર્ગના લોકો માટે મુશ્કેલ નહીં, અતિ મુશ્કેલ બનશે. અહીં નોંધનીય છે કે, આ ભારેખમ નવી જંત્રીના અમલને કારણે રાજ્ય સરકારની સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીમાં પણ ધરખમ વધારો થશે. 2024-25ના વર્ષમાં સરકારની સ્ટેમ્પ ડ્યૂટી-નોંધણી ફીની આવક રૂા. 16,493 કરોડની હતી. જ્યારે 2025-26માં સરકારને સ્ટેમ્પ ડ્યૂટી-નોંધણી ફીના આવક રૂા. 19,800 કરોડ થશે-એવો અંદાજ મુકાયો છે, જે 2024-25ની સરખામણીમાં રૂા. 3307 કરોડ વધુ હશે પરંતુ 1લી એપ્રિલથી નવી જંત્રીના અમલને કારણે સરકારના સ્ટેમ્પ ડ્યૂટી-નોંધણી ફીની આ અંદાજિત આવકમાં પણ ભારે વધારો થવાની શક્યતા તથા લોકો ઉપર એટલો જ વધારાના ટેક્ષનો બોજો પડશે, એવી શક્યતા નકારી શકાતી નથી.  અત્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આગામી તહેવારોની વ્યસ્તતા અને રજાઓને કારણે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મંત્રીમંડળ (કેબિનટ)ની બેઠક 11મીના મંગળવારે મળી હતી. સરકારના ઉચ્ચતમ સૂત્રોની જાણકારી મુજબ આ બેઠકમાં સરકાર દ્વારા જાહેર કરાયેલી મુસદ્દારૂપ જંત્રી, તેના માટે જિલ્લા, શહેરો-ગ્રામ્ય કક્ષાએથી મગાવાયેલા વાંધા-સૂચનો સહિતના મુદ્દાઓ ઉપર વિગતે ચર્ચા થઈ હતી. જેમાં મોટાભાગના મંત્રીઓએ પોતપોતાના મતવિસ્તારો અને તેમને મળેલા પ્રતિનિધિમંડળો, તેમના દ્વારા થયેલી જંત્રીના અમલ વિષયક વિરોધી રજૂઆતો બાબતે મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું હતું પરંતુ અહીં આંચકાજનક બાબત એ જાણવા મળી છે કે, મુખ્યમંત્રીએ આ બેઠકમાં નવી જંત્રીના અમલ માટે પોતાની મક્કમતા જાહેર કરીને નવી જંત્રીના નવા દરોમાં કોઈ પણ જાતના ફેરફાર કે ઘટાડાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.તેમનું કહેવું એ હતું કે, રાજ્ય સરકાર દ્વારા જ્યારે પણ નવી જંત્રીનો અમલ કરાય છે ત્યારે શરૂઆતમાં લોકો અને તેમના વિવિધ વર્ગોમાંથી તેનો સખત વિરોધ જરૂર થાય પણ સમય જતાં તે શાંત પડી જાય છે એટલે આ નવી જંત્રીના અમલની જાહેરાત 30મી માર્ચના કરીને સરકાર 1લી એપ્રિલથી તેનો અમલ કરાશે તે નક્કી મનાય છે. ગુજરાત સરકારે 20મી, નવેમ્બર-2024ના નવી જંત્રીનો મુસદ્દો જાહેર કર્યો હતો. જેમાં સરકારે લોકો-સંસ્થાઓ પાસેથી 20મી, ડિસેમ્બર-2024 સુધીમાં વાંધા-સૂચનો મગાવ્યા હતા પરંતુ જંત્રીના આ મુસદ્દા મુજબ સરકારે, જમીન-મકાનો-મિલકતોના જંત્રીના દરમાં ભારેખમ ભાવવધારો ઝીંક્યો હોવાથી, બિલ્ડર લોબી સહિતના સંબંધિતો તરફથી અતિ ભારે વિરોધ થતાં સરકારે આ વાંધા-સૂચનો મેળવવાની તારીખમાં એક મહિનો એટલે કે 20મી, જાન્યુઆરી-2025 સુધીનો વધારો કર્યો હતો. આ ઉપરાંત રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી સુધારણા સમિતિની રચનાઓ કરી હતી. આ સમિતિઓ મહાનગરપાલિકા, નગરપાલિકા, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (યુડીએ) અને ગ્રામ્ય કક્ષાએ કાર્યરત કરાઈ હતી. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ સમિતિઓએ વિવિધ વિસ્તારમાં જમીનના બજારભાવ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને અન્ય પરિબળો ધ્યાને લઈ અભિપ્રાય મેળવીને નવા જંત્રી દરો અંગેનો અહેવાલ રાજ્યકક્ષાની સમિતિને સુપરત કર્યા હતા. જેમાં ઓનલાઈની સાથે ઓફલાઈન વાંધા-સૂચનો પણ મેળવ્યા હતા, પરંતુ નવી જંત્રીના દર તેના મુસદ્દા અને માર્ગદર્શિકા મુજબ યથાવત્ રાખવાના અને તેમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કરવાના સ્પષ્ટ સંકેત સરકારે આપી દીધા હતા. - જંત્રીએ એટલે શું ? : રાજ્યમાં આવેલી કોઈ પણ પ્રકારની જમીન અને સ્થાવર મિલકતોના ખરીદ-વેચાણના કરાર-દસ્તાવેજો માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુતમ કિંમત (મૂલ્ય)ને જંત્રીના દર કહેવાય છે. રાજ્ય સરકાર દ્વારા જે તે વિસ્તારમાં અમલી જંત્રીના દરના આધારે થતા દસ્તાવેજો ઉપર સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફી નક્કી કરીને તેની વસૂલાત કરવામાં આવે છે. - તો લોકો પર શી અસર થશે ? : રાજ્યની કુલ વસતી હાલની સ્થિતિએ 7.25 કરોડ હોવાનો અંદાજ છે ત્યારે મોટાભાગના લોકો પાસે પોતાનું ઘરનું ઘર નથી અને તેઓ ભાડાના ઘરમાં રહે છે. હવે રાજ્યમાં ધરખમ વધારા સાથેની નવી જંત્રીનો 1લી, એપ્રિલ-2025ના રોજથી જો અમલ શરૂ થશે તો જમીન-મિલકતોના બજારભાવમાં પણ ધરખમ વધાર થશે. - જેના કારણે સામાન્ય જન કે મધ્યમવર્ગના લોકો પોતાના ઘરનું ઘર ખરીદી નહીં શકે અથવા તેમના માટે તે મુશ્કેલ બનશે. - રાજ્યની સરેરાશ માસિક આવક રૂપિયા 20,000ની આસપાસ હોવાનો અંદાજ છે ત્યારે આવી કાળઝાળ મોંઘવારીમાં આટલી રકમમાં જ્યારે લોકો માટે ઘર કે પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે ત્યારે ભારેખમ વધારા સાથેની જમીન કે મિલકત કે ઘર ખરીદવા લોકો માટે લગભગ અતિ-મુશ્કેલ બનશે. - ગુજરાત સહિત દેશમાં મંદીની શક્યતા વચ્ચે રાજ્યના રીયલ એસ્ટેટ ક્ષેત્રને પણ ભારે ફટકો પડી શકે છે. - જ્યારે તેની સામે ભારેખમ જંત્રીના દરને કારણે રાજ્ય સરકારની સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં ભારે વધારો થશે. - નવી જંત્રી દરોમાં વધારાને કારણે રીઅલ એસ્ટેટ માર્કેટ, બિલ્ડર્સ, રોકાણકારો, સામાન્ય ઘર ખરીદનાર અને કૃષિ જમીન ધરાવતા ખેડૂતો પર સીધી અસર પડશે. જો નવા દરો વધશે, તો જમીન ખરીદવા માટે વધુ સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડશે અને રીઅલ એસ્ટેટ માર્કેટમાં ઘટાડો થશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd