ભુજ, તા. 12 : લોકોનાં આરોગ્ય સાથે થતા ચેડાં
અને તેમાં પણ આચરતી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર બાબતે પુરાવા સાથે આજે જિલ્લા કોંગ્રેસના
આગેવાનોએ કચ્છ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી હોવા છતાં તેમને પગલાં લેવામાં
રસ ન હોય તેવું વર્તન કર્યું હોવાનો આક્ષેપ કરાયો છે. કોંગ્રેસના આગેવાન રફિકભાઈ મારાનાં
નેતૃત્વતળે રામદેવાસિંહ જાડેજા, ગનીભાઈ
કુંભાર, સહેજાદ સમા, મુબારક મોકરશી વિગેરેની
આગેવાની તળે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સમક્ષ ભુજ અર્બન-2માં સગર્ભાને મળતા રૂપિયાની યોજનામાં ખોટાં
નામ ચડાવીને ખોટી પ્રસૂતિઓ બતાવી અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અમુક કિસ્સાઓમાં રૂપિયા 12 હજારની `નમોશ્રી'
યોજનાનાં નામે ઉચાપત થઈ રહી છે તેમજ આશાવર્કરો દ્વારા પીએમવાય અને `નમોશ્રી'
યોજનામાં ખોટા ફોર્મ ભરી અને સ્થાનિકો જે વિસ્તારના નથી તેનાથી બહારના
લોકોનાં નામ બતાવી અને લાખો રૂપિયાની ઉચાપત
થઈ ગઈ છે તે બાબતે આધારભૂત પુરાવાઓ રજૂ કરાયા
હતા, ઉપરાંત સરકારી દવાઓ જેવી કે, રોટા
વાઇરસ, ઓરી બુસ્ટર તથા બીસીજી તેમજ અન્ય દવાઓ પણ ખાનગી મેડિકલ
સ્ટોરમાં હેલ્થ સેન્ટરવાળાઓ વેચી રહ્યા છે, અને અર્બન હેલ્થ સેન્ટરમાં
દવાઓ મળતી નથી, આશાવર્કરો દ્વારા ખોટી હાજરીઓ પૂરીને ખોટાં વાઉચરો
બનાવી મોટી રકમની ઉચાપત કરાઈ છે જેવા આક્ષેપો
કરાયા હતા. ભુજના કેમ્પસ સ્થિત અર્બન હેલ્થ સેન્ટરમાં થયેલી ઉચાપત અને કચ્છ જિલ્લામાં
થતા ભ્રષ્ટાચાર બાબતે કચ્છ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ સ્વરૂપે રજૂઆત કરી છતાં ડીડીઓએ
આવી ગંભીર બાબતને જરા પણ ગણકારી ન હોવાનો બળાપો વ્યક્ત કરી આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી
સામે ઉગ્ર લડત કાર્યક્રમ આપવા પડશે તેવી ચીમકી આપી હોવાનું જિલ્લા પ્રવક્તા ગનીભાઈ
કુંભાર દ્વારા જણાવાયું છે.