ગાંધીધામ, તા. 12 : પૂર્વ કચ્છમાં તેલ ચોરી, બાયોડીઝલના પોઇન્ટ, ભંગારના
વાડા ધમધમી રહ્યા છે, તેવામાં ભચાઉ-સામખિયાળી વચ્ચે ધોરીમાર્ગ
પાસે આવેલા એક વાડામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે છાપો મારી આયાતી કોલસાના જંગી જથ્થા
સાથે પાંચેક શખ્સ અને વાહનો કબજે લીધા હતા. એસ.એમ.સી.ની આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસ
ઊંઘતી ઝડપાઇ હતી. પૂર્વ કચ્છના ગાંધીધામ-આદિપુરમાં
ક્રિકેટના સટોડિયા, બાયોડીઝલ પોઇન્ટ, તેલ,
કોલસા, ટાઇલ્સ, સળિયા વગેરે
વસ્તુઓની ચોરીના અમુક જગ્યાએ પોઇન્ટ ધમધમી રહ્યા હોવાનું જાણકાર સૂત્રો જણાવી રહ્યા
છે. ભચાઉની આસપાસના વિસ્તારમાં કોલસા ચોરીનો કાળો કારોબાર લાંબા સમયથી થઇ રહ્યો છે.
વાહનચાલકોને પૈસાની લાલચ આપી કોલસો સેરવી બાદમાં તેમાં પાણી નાખીને બારોબાર વેચી દેવાની આ પ્રવૃત્તિ અગાઉ પણ એસ.એમ.સી.ની
ઝપટે ચડી હતી, જેમાં જે-તે સમયે એક પીએસઆઇ સહિતના કર્મીઓની જવાબદારી
ફીટ કરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એસ.એમ.સી.ને દેખાય છે તે સ્થાનિક પોલીસને
નહીં દેખાતું હોય તેમ એસ.એમ.સી.ની ટીમે આજે બપોરે અહીં ધામા નાખ્યા હતા અને સૂત્રોના
જણાવ્યા મુજબ ભચાઉથી એકાદ-બે કિ.મી. દૂર સામખિયાળી-ભચાઉ વચ્ચે પેવરબ્લોકના કારખાનાની
બાજુમાં આવેલા એક વાડીમાં દરોડો પાડયો હતો. અહીંથી પાંચેક શખ્સને પકડી લેવાયા હતા તેમજ
બે-ત્રણ વાહન પણ જપ્ત કરાયા હતા. આ જગ્યાએ વિદેશથી આયાત થતા કોલસાના જંગી ઢગલા મળી
આવ્યા હતા. આ કાર્યવાહી દરમ્યાન મુખ્ય સૂત્રધારો હાથમાં ન આવ્યા હોવાનું સપાટી ઉપર
આવ્યું હતું. અગાઉ એક ફોજદાર સહિતનાને સસ્પેન્ડ કરાયા હતા, ત્યારે
હવે કોની જવાબદારી બેસાડાય છે અને કોની વિકેટ પડે છે, તેવો ગણગણાટ પોલીસ બેડામાં સાંભળવા મળ્યો હતો.