ગાંધીધામ, તા. 12 : સામખિયાળીમાં ખુરશી પર બેઠેલા
સસરાને કારની ટક્કર મારી બાદમાં જમાઈએ સસરા, સાસુ અને પત્ની ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. બીજીબાજુ ભચાઉના ખોડાસર ગામમાં
બોલાચાલી કરી શખ્સે ગાડી વડે આધેડને ટક્કર મારી હતી. સામખિયાળીમાં શાંતિ નગર પ્લોટ વિસ્તાર ગાયત્રી
મંદિર પાછળ રહેતા ફરિયાદી સુબેદાર આદિત્ય પ્રસાદ મિશ્રા (ઉ.વ.76) તથા તેમની પત્ની રાજકુમારી
તા.10/3ના પોતાનાં ઘરની બહાર બેઠા
હતા. ફરિયાદીની દીકરી રમીલાબેન તથા જમાઈ દિલીપ ચુનીલાલ રાવલ અગાઉ સામખિયાળી રહેતા હતા, પરંતુ જમાઈ સાથે માથાકુટ થતી હોવાથી રમીલાબેન
પિતાના ઘરે આવી ગયાં હતાં, જ્યારે જમાઈ વતન પાટણમાં ચાલ્યો ગયો
હતો. દરમ્યાન બનાવની સાંજે કાર નંબર - જીજે-08-સીકે 4179 લઈ આવી ઘરની
બહાર બેઠેલા ફરિયાદીને દિલીપે ટક્કર મારતા તે પડી ગયા હતા. બાદમાં ભાઈએ ધોકો કાઢી ફરિયાદી
તેમના પત્ની તથા પોતાની પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીના મગજની નસ ફાટી
ગઈ હતી સાથે તેમને તથા તેમના પત્નીને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. ઘવાયેલા ત્રણેયને
સારવાર અર્થે લઈ જવાયા હતા. પોલીસે જમાઈ સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વધુ એક બનાવ ખોડાસર ગામના ચોકમાં બન્યો હતો. ગત તા.10/3ના રાત્રિના ફરિયાદી રાજેશભા આલાભા ગઢવી અને અન્ય યુવાનો હોળી
આવતી હોવાથી નાળિયેર વડે રમી રહ્યા હતા, ત્યારે દિલુભા રામભા ગઢવી ત્યાં આવી ગાળો આપતા તેની આ યુવાનોએ ના પાડી હતી.
થોડીવાર બાદ દીલુભા રામભા, હેમુભા રામભા અને રામભા વશરામભા ગઢવીએ
ત્યાં ગાડીથી આવી ગાળાગાળી કરી હતી અને ધારીયું લઈ આવી ફરિયાદીને થપ્પડ મારી હતી. ઝઘડાનો
અવાજ થતાં અન્ય લોકો એકત્ર થયા હતા તેમજ ફરિયાદીના મોટાબાપા લખમણભા કલાભા ગઢવી પણ ઝઘડાનો
અવાજ સાંભળી આવતા હોવાથી આરોપીઓ ગાડીથી જતા-જતા આ આધેડને હડફેટમાં લઈ તેમને અસ્થિભંગ
સહિતની ઈજાઓ પહોંચાડી હતી. આરોપીઓએ અગાઉ બીજા ગામના લોકોને સીમાડામાં બકરા ચરાવવાની
હા પાડી હતી, જેની ફરિયાદીએ ના પાડી હતી, જેનું મનદુ:ખ રાખી હુમલો કરાયો હોવાનું પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું
હતું.