ભુજ, તા. 12 : કચ્છમાં અકસ્માતોનો સિલસિલો
બરકરાર રહ્યો છે. આજે નખત્રાણામાં બાઇકને અજાણ્યાં વાહને હડફેટે લેતાં બાઇક પાછળ બેઠેલા
નેત્રાના 30 વર્ષીય યુવાન રાયમા સલીમ હારૂનનું
કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ચાલકને
ઇજા પહોંચી હતી. આ ઉપરાંત બે દિવસ પૂર્વે મુંદરાના ગોયરસમામાં તળાવની સામે થાંભલામાં
બાઇક અથડાતા ચાલક યુવાન અનિલ કિશોર સથવારા (બારોઇ)ને માથામાં ગંભીર ઇજાના પગલે તેનું
મોત થયું હતું, જ્યારે પાછળ બેઠેલા યુવાન રામજી રવા સથવારા ઘાયલ
થયો હતો. આજે સાંજે નખત્રાણામાં સર્જાયેલા
કરુણ અકસ્માત અંગે અમારા પ્રતિનિધિએ મેળવેલી વિગતો મુજબ જે.પી. હોટલ-કે.વી. હાઇસ્કૂલ
વચ્ચે અજાણ્યાં વાહને બાઇકને હડફેટે લેતાં બાઇક સ્લીપ થઈ હતી અને બાઇક પાછળ બેઠેલા
સલીમને ગંભીર ઇજા થતાં તેને નખત્રાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. બાઇક ચલાવનારને સામાન્ય ઇજાઓ
થઇ છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ અકસ્માત સર્જનાર ભાગી છૂટયો હતો. પોલીસમાં
હજુ ફરિયાદ દાખલ થઇ નથી. આ અકસ્માત જે ધોરીમાર્ગ પાસે થયો હતો ત્યાં ધૂળના ઢગ હતા,
જેથી આ અકસ્માત સર્જાયાની ચર્ચા જાગી હતી. એસ.ટી.થી કે.વી. હાઇસ્કૂલ
સુધી સ્પીડબ્રેકરની જરૂર છે, જેથી આ માર્ગ પર અવારનવાર સર્જાતા
અકસ્માતો ટાળી શકાય તેવું જાગૃતો જણાવી રહ્યા છે. મુંદરા મરીન પોલીસ મથકે ઘાયલ રામજીએ
નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 10/3ના રાત્રે તેમની બાઇક નં એ એસ-01-એ એલ 9778 વાળી લઇને તે તથા કુટુંબી અનિલ
લુણીથી બારોઇ જઇ રહ્યા હતા. અનિલ બાઇક ચલાવતો હતો અને ફરિયાદી પાછળ બેઠા હતા. ગોયરસમા
નજીક તળાવની સામે ગોલાઇવાળા રોડ પર અનિલ ટર્ન વાળી ન શકતા અને પૂરઝડપે દોડતી બાઇક થાંભલા
સાથે અથડાયું હતું અને બંને રોડ સાઇડ પડી ગયા હતા. 108 મારફતે બંનેને મુંદરાની સરકારી હોસ્પિટલ ખસેડાતા અનિલને ફરજ
પરના તબીબે મૃત જાહેર કર્યો હતો અને ફરિયાદી રામજીને પગમાં ફ્રેકચર અને આંખ ઉપર ગંભીર
ઇજા થઇ હતી. પોલીસે ચાલક અનિલ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.