• ગુરુવાર, 13 માર્ચ, 2025

અબડાસામાં જોખમી સાંગ ડેમની મરંમત કરવા ગયેલી સંસ્થાને 50 હજારનો દંડ

દયાપર (તા. લખપત), તા. 12 : અબડાસા નવાવાસ પાસે આવેલો સાંગ ડેમ વરસાદ વચ્ચે જર્જરિત અને જોખમી થતાં ગામલોકોએ તેની મરંમત માટે સાંઘી સિમેન્ટ (અદાણી ફાઉન્ડેશન)માં રજૂઆત કરી હતી અને જોખમી ડેમની પાળ પહોળી કરવાનું કામ આ સંસ્થાએ હાથમાં લીધું. સાત લાખના ખર્ચે મરંમત કરવાનું નક્કી કરાયું હતું અને મરંમત કરવા માટે સ્થળ પર જતાં જંગલ ખાતાંએ  કામ અટકાવ્યું હતું. ડેમનું કામ અટકતાં આજુબાજુના ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી હતી. તાલુકા પંચાયત સદસ્ય મહાવીરસિંહ જાડેજાહાજી ઇસ્માઇલ કેર, અલીભાઇ કેર, અકરી જૂથ ગ્રા.પં.ના પૂર્વ સરપંચ હાજી  હસણ  સુમરાઆગેવાનો હાજી આધમરાયમા, વનરાજસિંહ જાડેજા, અનુભા જાડેજા  ઇસા સુમરા  વિગેરે સંસ્થા પાસે  જર્જરિત ડેમનું ત્વરિત કામ  કરાવવા માગણી કરી હતી. જિલ્લા પંચાયત દ્વારા 35 વર્ષ પૂર્વે બનેલો આ ડેમ આટલાં વર્ષમાં ગત ચોમાસે (35 વર્ષમાં એક વખત) ઓગન્યો હતો, પરંતુ ભયજનક સ્થિતિ હોતાં તેની પાળનું કામ, મરંમત કામ માટે માગણી કરાઇ હતી અને જંગલખાતાંના એક ગાર્ડએ આ કામ અટકાવ્યું અને સંસ્થાને 50 હજારનો દંડ કર્યો. આજુબાજુના ગ્રામજનોએ નારાજગી સાથે જણાવ્યું હતું કે, જિ.પં. દ્વારા ડેમ બનેલો છે, ત્યારે જંગલખાતું કહે છે, અમારી રખાલ છે. સ્થળ પર રખાલ કે જંગલખાતાં દ્વારા કોઇ હદ નિશાન દર્શાવેલું નથી. જો સંસ્થાઓ ડેમ મરંમતનાં કાર્ય કરે ને તેને 50 હજારનો દંડ પડે, તો સી.એસ.આર. હેઠળ આવાં સારાં કામો કોણ કરશે. વળી, જંગલ ખાતાંના આ ગાર્ડ બાબતે પણ ગ્રામજનોએ કહ્યું હતું કે, માલધારીઓને હેરાન કરાવાય છે. હાલમાં મોટા પ્રમાણમાં વૃક્ષો મશીનથી પાડીને ચૂપચાપ વેચાણ કરી દેવાયું છે, જે ખરેખર હરરાજી કરવાં જોઇએ. ટૂંકમાં આ બાબતે નવાવાસ આજુબાજુનાં ગામ વાણાવારી વાંઢ, અકરી સહિત ગામના લોકોએ ડેમ તૂટી જાય તો મોટું નુકસાન થઇ શકે તેવી રજૂઆત જિલ્લાની કચેરીઓમાં કરશે તેવું જણાવ્યું હતું.  સાત લાખના ખર્ચે આ ડેમ મરંમત થવાનો હતો, જેમાં જંગલ ખાતાંએ રોડાં નાખ્યાં હોવાનો  આક્ષેપ મહાવીરસિંહ જાડેજાએ કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd