નવી દિલ્હી, તા. 12 : દેશનો સામાન્ય માણસ મોંઘવારીની માર ખમીને માંડ જીવી રહ્યો છે, ત્યારે હોળી પહેલાં ધ્યાન ખેંચનારા સમાચાર રૂપે
છૂટક મોંઘવારી દર ઘટીને 3.61 ટકા સાથે
સાત મહિનાનાં તળિયે સરકી ગયો હોવાનું જાણવા મળ્યું છે. ફેબ્રુઆરી-2025માં છૂટક મોંઘદારી 3.61 ટકા થઇ ગઇ હતી. જે જાન્યુઆરી
મહિનામાં 4.26 ટકા હતી. આજે સરકારે જાહેર
કરેલા આંકડા અર્થશાત્રીઓએ આપેલા આંકડાથી પણ ઓછા છે. મોંઘવારીમાં લગભગ 50 ટકા યોગદાન ખાવા-પીવાની ચીજોનું
હોય છે, જેની મોંઘવારી માસિક આધાર પર 5.97 ટકામાંથી ઘટીને 3.75 ટકા થઇ ગઇ છે. ગ્રામીણ ભારતમાં
મોંઘવારી દર 4.59 ટકામાંથી ઘટીને 3.79 ટકા થઇ ગયો છે, તો શહેરોમાં છૂટક મોંઘવારી 3.87 ટકામાંથી ઘટીને 3.32 ટકા થઇ ગઇ છે. સૌથી વધુ ટમેટા
અને બટેટાના ભાવમાં ઘટાડો આવ્યો છે. સાથોસાથ શાકભાજી સસ્તાં થયાં છે. જૂન મહિના સુધી
આ જ સ્થિતિ રહેવાની સંભાવના જાણકારોએ વ્યક્ત કરી હતી. શાકભાજી ઉપરાંત, ઇંડાં, માંસ, માછલી, દાળો સહિતની ખાદ્ય સામગ્રીઓની કિંમતમાં ઘટાડાનાં
પગલે મોંઘવારી સાત માસનાં તળિયે ગઇ છે. મોંઘવારીમાં ઘટાડો આવ્યા પછી એવું મનાઇ રહ્યું
છે કે, ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ) વધુ એકવાર વ્યાજ દરોમાં
ઘટાડો કરી શકે છે.