• બુધવાર, 12 માર્ચ, 2025

રાહુલ ગાંધીના આક્રોશ પર આત્મમંથન કરે કોંગ્રેસીઓ

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી ગયેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના બયાનોએ પક્ષમાં આંતરિક વમળો જગાવ્યા છે. મોટાભાગે ભાજપ કે મોદીને નિશાન બનાવવાની એક પણ તક ન ચૂકતાં રાહુલે પક્ષની બેઠકોમાં ખુલ્લા મને વાત કરીને પ્રદેશ કોંગ્રેસ નેતાઓને અરીસો બતાવી દીધો છે. તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ગુજરાતમાં ચૂંટણી વખતે સત્તા મેળવવાના સપનાં જોવા પહેલાં કાર્યકર્તાઓએ પોતાનું ઘર સુધારવાની જરૂર છે. કોંગ્રેસની નીતિ-કાર્યક્રમોને વળગી રહીને પ્રામાણિકતાથી કામ કરવાની જરૂર છે. રાહુલ ગાંધીએ મિશન 2027 શરૂ કર્યું છે. અઢી વર્ષ પછી ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાશે. તેમણે બે દિવસ દરમ્યાન પક્ષના કાર્યકરો, અગ્રણીઓને સાંભળ્યા છે. પોતાના નેતાઓને પણ સવાલ કર્યા છે કે, આજે મતદાર કોંગ્રેસથી વિમુખ કેમ થઇ રહ્યો છે. ગુજરાતમાં એક સમયે કોંગ્રેસનો પગદંડો મજબૂત હતો. હવે ત્રણ દાયકાથી ભાજપ એકચક્રી શાસન કરી રહ્યો છે. મોદી અને અમિત શાહના ગુજરાતમાં કેસરિયા પક્ષને પરાસ્ત કરવાનું કામ આસાન ન જ હોય, પણ વિરોધ પક્ષના દૃષ્ટિકોણથી કોંગ્રેસે કમર તો કસવી જ પડશે ને ? સુરતના કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કરેલો પ્રશ્ન વાજબી છે. તેમણે પૂછ્યું કે, ત્રીસ વર્ષથી ભાજપ જ સરકાર ચલાવે છે. જનતાના પ્રશ્નો તો હોવાના જ. આમ છતાં ભાજપના મતમાં ગાબડુ કેમ નથી પડતું ? કોંગ્રેસના મત કેમ નથી વધતા ? રાહુલ ગાંધી લોકસભામાં વિરોધ પક્ષના નેતાઓનો દરજ્જો ધરાવે છે. ગત સંસદીય ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રમાણમાં સારો દેખાવ થયો અને 99 બેઠક મળી એ પછી કર્ણાટક વિધાનસભાને બાદ કરતાં કોંગ્રેસ અન્ય રાજ્યોમાં કરિશ્મા બતાવી નથી શકી. ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપે 150થી વધુ બેઠક હાંસલ કરીને ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી હતી. તાજેતરની મહાપાલિકા, પાલિકા, પંચાયત ચૂંટણીમાંય ભાજપનો દબદબો યથાવત્ જોવા મળ્યો. આવા કારણસર કોંગ્રેસનો સામાન્ય કાર્યકર્તા કે નેતા હતાશા અનુભવે એ સ્વાભાવિક છે. રાહુલે સમજવું જોઈએ કે પક્ષ માટે આકર્ષણ થાય એવું કોંગ્રેસે શું કરી બતાવ્યું છે? અમદાવાદ ખાતે કાર્યકરો સાથેની બેઠકમાં રાહુલ જેવા સિનિયર નેતાઓએ કહેવું પડે કે, કોંગ્રેસના અમુક નેતાઓ ભાજપની સાંકળથી બંધાયેલા છે. ભાજપની `બી' ટીમ તરીકે કામે કરે છે એ પ્રદેશ અને સ્થાનિક નેતૃત્વ માટે વિચારણીય બાબત છે. કોંગ્રેસ દેશનો સૌથી જૂનો રાજકીય પક્ષ છે. દાયકાઓ સુધી શાસન કર્યું છે. નવા માહોલમાં ભાજપના ઉદય પછી અમે વિશેષ તો નરેન્દ્ર મોદીનો સૂર્ય મધ્યાહ્ને તપવા લાગ્યો એ પછી પક્ષની મતબેંક છિન્નભિન્ન થઇ ગઇ છે. તાજેતરમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક મેળવી શકી નથી એ હકીકત છે. ગુજરાતમાં કોંગ્રેસને પાછી બેઠી કરવા માટે મોવડીમંડળે તનતોડ મહેનત કરવી પડશે. પાયાનાં સ્તરેથી સંગઠન અને માળખું ઊભું કરવું જરૂરી છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે એ જ  પ્રમુખ પદ્ધતિ દાખલ કરી પક્ષના દરેક કાર્યકરોની જવાબદારી સુનિશ્ચિત કરી છે. આવી કાર્યપદ્ધતિ અને કોંગ્રેસને બેઠી કરવા માટેની પ્રતિબદ્ધતા -નિ:સ્વાર્થ ભાવના સાથે કામ થવું જરૂરી છે, પરંતુ પક્ષના લોકોમાં આવી આવડત હોવા અંગે ખુદ રાહુલને જ આશંકા છે. તેનાથી પક્ષના કાર્યકર્તા હતાશ નહીં થાય? જૂની પેઢીના કોંગ્રેસીઓના વિચારને માન અપાય, સાથે યુવા ચહેરાઓને પણ પ્રતિભા અનુસાર જવાબદારી સોંપાય એ જરૂરી છે. કોંગ્રેસ દેશમા અને ગુજરાતમાં મુખ્ય વિરોધ પક્ષ છે. રાહુલ ગાંધીએ પક્ષના નેતાઓને સવાલ પૂછયા છે એને ગંભીરતાથી લેવા રહ્યા. રાજ્યમાં જનતાની અપેક્ષાઓમાં પક્ષ ખરો નથી ઊતર્યે... ચૂંટણીઓ વખતે કોંગ્રેસના લોકો પાટલી ફેરવી બેસે છે અથવા તો દબાણ કે પ્રલોભનને વશ થઇ જતા હોવાના આક્ષેપ  સમયાંતરે ઊઠયા છે. આવાં અનેક દૃષ્ટાંત મોજૂદ છે. આ બધું બંધ થવું જોઇએ. શ્રીમાન ગાંધીનો સંદેશ સ્પષ્ટ છે કે, પહેલાં તો કોંગ્રેસીઓ ગુજરાતની જનતા વચ્ચે જઇને વિશ્વાસ કેળવે, ભરોસો જીતે... સત્તાના સપનાં પછી જુઓ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd