• ગુરુવાર, 13 માર્ચ, 2025

પૂર્વ કચ્છ પોલીસની કાર્યવાહી દરમ્યાન 3.29 લાખનો દારૂ જપ્ત

ગાંધીધામ, તા. 12 : પૂર્વ કચ્છમાં પોલીસે દારૂ અંગેની ચાર કાર્યવાહી કરીને કુલ રૂા. 3,29,384નો શરાબ જપ્ત કર્યો હતો, જેમાં બે શખ્સ ઝડપાયા હતા, જ્યારે પાંચ હાથમાં આવ્યા ન હતા. દરમ્યાન, ગાંધીધામના ગળપાદરની વાડીમાંથી એલ.સી.બી.એ મોડીરાત્રે દારૂ જપ્ત કર્યા બાદ આજે બપોરે એ જ વાડીમાંથી સ્થાનિક પોલીસે દારૂ જપ્ત કરતાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા. ગળપાદરમાં ગુરુકૃપા સોસાયટી નજીક આવેલી એક વાડીમાં પૂર્વ કચ્છ એલ.સી.બી.એ ગત મોડીરાત્રે કાર્યવાહી કરી હતી. અહીં એક ગાડીમાંથી દારૂની કટિંગ કરી અન્યમાં તબદીલ કરાતો હતો, ત્યારે અચાનક આવેલી પોલીસે હિતેન ભરત વીરડાને પકડી પાડયો હતો, જ્યારે વાડીનો કબજેદાર સાગર ઇશ્વરદાસ લશ્કરી, દારૂ મગાવનાર જયેશ બિજલ બકુત્રા તથા ગાડીમાં ભરીને અહીં દારૂ લઇ આવનાર સની સરદાર નામના શખ્સો નાસી ગયા હતા. બંને કારમાંથી રોયલ ચેલેન્જની 276, રોયલ સ્ટેગની 84, ઓલ સિઝન્સની 10 એમ કુલ રૂા. 2,51,468નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. અહીંથી બે કાર, એક મોપેડ, એક બાઇક વગેરે થઇને કુલ રૂા. 12,01,468નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દારૂનો આ જથ્થો બિદડાના સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજાએ મોકલાવ્યો હતો. બીજી કાર્યવાહી જૂની મોટી ચીરઇથી ભીમગુડા જતા માર્ગે કંથડનાથ મંદિરથી આગળ પીરાણા તળાવ પાસે બાવળની ઝાડીમાં કરવામાં આવી હતી. અહીંથી રૂા. 53,028ની 72 બોટલ દારૂ જપ્ત કરાયો હતો, પરંતુ દારૂ રાખનારો સુરેશ વાલા કોળી હાજર મળ્યો ન હતો. વધુ એક કાર્યવાહી ગાંધીધામ ગણેશનગરના મચ્છી માર્કેટ ત્રણ રસ્તા પાસે આવેલા એક વાડામાં કરવામાં આવી હતી. અહીંથી ભાવેશ ઉર્ફે ભાવલો કાનજી ઉર્ફે કનૈયાલાલ મેઘાણી (માતંગ)ની અટક કરી પોલીસે તેની પાસેથી રૂા. 13,680ના 76 ક્વાર્ટરિયા જપ્ત કર્યાં હતાં. દારૂની ચોથી કાર્યવાહી ગાંધીધામ-ગળપાદરના સાગર ઇશ્વરદાસ લશ્કરીના કબજાની વાડીમાં સ્થાનિક પોલીસે કરી હતી. આ જ વાડીમાંથી એલ.સી.બી.એ મોડીરાત્રે અઢી લાખનો દારૂ જપ્ત કર્યો હતો, ત્યારે બપોરે આ વાડીમાં ગયેલી સ્થાનિક પોલીસે રૂા. 11,208ની 12 બોટલ જપ્ત કરી હતી. એલ.સી.બી.ની નજરમાં આ દારૂ નહીં આવ્યો હોય કે પછી પાછળથી બુટલેગરો મૂકી ગયા હશે ? તે સહિતના અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd