• બુધવાર, 12 માર્ચ, 2025

અલગતાવાદી ખાલિસ્તાનીઓનો વિદેશોમાં ઉપદ્રવ ચિંતાજનક

ભારતની બહાર ખાલિસ્તાની અલગતાવાદીઓ સતત સક્રિય બની રહ્યા છે. કેનેડા, યુકે અને અમેરિકામાં વસ્તા મુઠ્ઠીભર આ અલગતાવાદીઓ તેમના એજન્ડાને વિશ્વના ધ્યાને મૂકવાની કોઈ તક જતી કરતા ન હોવાના બનાવો સતત વધી રહ્યા છે. ગયા સપ્તાહે લંડનમાં એક કાર્યક્રમમાં ભાગ લઈને બહાર આવી રહેલા ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરની કારને ખાલિસ્તાનીઓએ ઘેરી લીધી હતી. આ ધાંધલ ધમાલ વચ્ચે એક દેખાવકારે જયશંકરની કારની સામે આવીને ભારતના રાષ્ટ્રધ્વજને ફાડી નાખતાં ભારતમાં તેના ભારે ઉગ્ર પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ બનાવની સામેનો વિરોધ અને ચિંતાની લાગણી હજી શમી રહ્યા નથી ત્યાં કેલિફોર્નિયામાં પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરમાં તોડફાડ કરાયાનો અને દીવાલો પર વાંધાજનક સૂત્રો લખાયા હોવાનો બીજો બનાવ બન્યો છે.  ભારતે આ બન્ને બનાવોના સંદર્ભમાં યુકે અને અમેરિકાની સરકારો સામે પોતાનો સખત વાંધો નેંધાવ્યો છે.   ઉલ્લેનીય છે કે, ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા વિવિધ દેશોમાં ભારતીય એલચી કચેરીઓ, ભારતીય પ્રવાસીઓ અને મંદિરો પર હુમલાના બનાવ સતત વધી રહ્યા છે. આ એક આયોજનબદ્ધ કાવતરાના ભાગરૂપે બની રહ્યંy હોવાનું સ્પષ્ટ રીતે જણાઈ રહ્યંy છે. આ તોફાનીઓ અને તેમના આકાઓનો ઉદ્દેશ ખાલિસ્તાનવાદી ચળવળ તરફ વિશ્વનું ધ્યાન દોરવાની સાથોસાથ પંજાબના લોકોને ઉશ્કેરીને ત્યાં ફરી અલગતાવાદ જગાવવાનો હોય તેમાં કોઈ શંકા જણાતી નથી. આ બનાવોથી એવી ચિંતાજનક હકીકત સામે આવી છે કે, આવા ભારત વિરોધી તત્ત્વોને વિદેશોમાં આશરો મળે છે અને તેમની પ્રવૃત્તિ ચલાવવાનો છુટોદોર મળે છે. આવા તત્ત્વો ભારત વિરોધ ઝેર ઓકતા રહે છે અને બેરોકટોક ભંડોળ એકઠા કરતા રહે છે. આ આખા ભારત વિરોધી કારસાની પાછળ પાકિસ્તાની કુખ્યાત એજન્સી આઈએસઆઈનો દોરીસંચાર હોવાનું દીવા જેવું સ્પષ્ટ છે. હાલત એવી છે કે, કેનેડામાં સરકાર ખાલિસ્તાનીઓને ખુલ્લેઆમ સમર્થન આપી રહી છે.  બ્રિટનમાં ગુરુદ્વારાઓમાં ખાલિસ્તાનીઓ ભારત વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે અને ફંડ એકઠું કરી રહ્યા છે. ભારતીય એજન્સીઓ આવા તત્ત્વો અને સંગઠનો પર સતત નજર રાખી રહી છે. તેમની પ્રવૃત્તિ અંગે જે તે સરકારોને પૂરેપૂરી માહિતી પણ પૂરી પાડે છે, પણ કમનસીબે માનવ અધિકાર અને અભિવ્યક્તિની આઝાદીના ઓઠા તળે આવા સંગઠનો અને નેતાઓની સામે કોઈ નક્કર કાર્યવાહી પણ થતી નથી. લંડનમાં ભારતીય વિદેશમંત્રીની સામે થયેલા ખાલિસ્તાની દેખાવો સમયે ત્યાં હાજર રહેલી પોલીસ મૂકદર્શક બની રહી હતી. હાલત એવી છે કે, મોટાભાગના પશ્ચિમી દેશોમાં સરકારો દ્વારા જેહાદી સંગઠનો સામે કાર્યવાહી પર ધ્યાન અપાય છે. તેને લીધે ખાલિસ્તાનીઓને મોકળું મેદાન મળી રહ્યંy છે. વળી ખાલિસ્તાનવાદીઓ જે દેશમાં સક્રિય છે તે દેશના નાગરિકો અને ઈમારતોની સામે કોઈ વાંધાજનક કૃત્યો કરતા નથી. આને લીધે જે-તે દેશની સરકારો તેમને હળવાશથી લઈ રહી છે. તાજેતરના બે બનાવને પગલે ભારત સરકારે હવે ખાલિસ્તાની તત્ત્વોને  છૂટો દોર આપી રહેલી સરકારોની સાથે સોઈ ઝાટકીને ગંભીરતાનું ભાન કરાવવાની જરૂરત છે. આ સરકારોની સાથે અલગતાવાદીઓની સામે કાર્યવાહીના મામલે ગંભીર સંવાદ સાધીને તેમને દ્વિપક્ષીય સંબંધોનાં મહત્ત્વને તેમને ગળે ઉતારવાની તાતી જરૂરત છે. ભારતીય વિદેશમંત્રીની સામે થયેલા દેખાવોની  બ્રિટિશ સરકારે હવે ગંભીર નોંધો લીધી છે. આશા રાખવાની રહી કે, ત્યાં હવે આવાં તત્ત્વોની સામે પગલાં લેવાશે, તો અમેરિકામાં ભારતીય મૂળના અને હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા ચાવીરૂપ નેતાઓ ઉચ્ચ હોદ્દા પર છે, ત્યારે મંદિર પરના હુમલાના સંદર્ભમાં જવાબદારો સામે કડક પગલાં લેવાશે એવી આશા રાખી શકાય. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd