રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : પ્રયાગરાજમાં મહાકુંભ
મહોત્સવના આરંભથી જ વિરોધપક્ષોએ હવનમાં હાડકાં નાખવાની શરૂઆત કરી હતી. હવે જ્યારે 56 કરોડ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી
સંગમમાં સ્નાન કરવાનો લાભ લીધો છે અને મહોત્સવ સમાપનના આરે છે, ત્યારે સંગમનું જળ - પાણી પ્રદૂષિત અને સ્નાન
માટે અયોગ્ય, અપવિત્ર હોવાના અહેવાલ આવ્યા તેનો દુષ્પ્રચાર કરીને
રાજકારણ શરૂ થયું છે. સંગમનાં જળપ્રદૂષણમાં રાજકીય પ્રદૂષણે વધારો કર્યો છે ! પાણીનું
પ્રદૂષણ તો યંત્રોની મદદથી સાફ કરી શકાશે, પણ રાજકીય પ્રદૂષણ
નેતાઓના દિમાગમાંથી આવે છે - તેની સફાઈ ક્યારે થશે ? સંગમનાં
જળ પ્રદૂષિત હોવાનો પ્રશ્ન - અહેવાલ અત્યારે કેમ આવ્યો ? મહોત્સવના
આરંભે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પૂરેપૂરી તપાસ કેમ કરી નહીં ? યમુનાનાં જળ પ્રદૂષિત હોવાની ચર્ચા અને ફરિયાદ વર્ષોથી સંભળાય છે. તાજેતરમાં
છઠના તહેવાર વખતે બિહારી મહિલાઓ માટે દિલ્હીમાં યમુનાસ્નાન અશક્ય હતું. ટી.વી. અને
અખબારોમાં યમુનાની `લાચારી'નાં દૃશ્ય - અહેવાલ આવ્યા, તે સૌએ નેતાઓ સહિત જોયા જ હશે. આ પછી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં યમુનાની
સ્વચ્છતાનો મુદ્દો મહત્ત્વનો હતો અને ભાજપ સરકારના શપથવિધિ પહેલાં જ સ્વચ્છ યમુના અભિયાનનો
આરંભ થયો. ખુદ વડાપ્રધાને દિલ્હીના મતદારોને `જય યમુનામૈયા' કહીને વધાવ્યા હતા. દિલ્હીમાં યમુનાની સફાઈ
માટે યંત્રો ચોવીસ કલાક કામે લાગ્યાં છે. ત્રણ વર્ષમાં કામગીરી સંપૂર્ણ થવાની આશા છે.
યમુનાનાં જળ સ્વચ્છ નથી અને યમુનારાણી દિલ્હી થઈને પ્રયાગમાં - ત્રિવેણી સંગમમાં ભળે
ત્યારે પ્રદૂષણનો પણ સંગમ થાય છે - થશે એવો ખ્યાલ કોઈને કેમ આવ્યો નહીં હોય
? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનાઅધિકારીઓ તથા ન્યાયમૂર્તિને પણ નહીં
? ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગીજી અને સંબંધિત અધિકારીઓ રાજ્યના ગ્રીન
અધિકારીઓના અહેવાલના ભરોસે રહ્યા ! ભારતમાં 603 નદી છે, તેમાંની
મોટાભાગની નદીઓનાં વહેણમાં પાણી પ્રદૂષિત થાય છે. આસપાસનાં રહેઠાણોની ગટર વ્યવસ્થા
ઉપરાંત ઔદ્યોગિક પ્રદૂષિત પાણી અને કચરો સીધો નદીઓમાં જાય છે, જે નદીનાં પાણી સમુદ્ર સ્વીકારે છે ! મુંબઈ જેવાં મહાનગરની ગટરો પણ મહાસાગરમાં
જાય છે. દેવપૂજા - અર્ચનાનાં પુષ્પો અને ગણપતિ વિસર્જન પણ થાય છે, તેમાં હવે તકેદારી - નિયંત્રણો છે, પણ તમામ નદીઓના કિનારા
ઉપરની વસાહતો અને ઉદ્યોગો ઉપર સખત નિયંત્રણો અનિવાર્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
સત્તા સંભાળ્યા પછી લાલ કિલ્લા ઉપરથી પહેલી જાહેરાત શૌચાલયની કરી હતી અને આ અભિયાનથી
દેશભરમાં જાગૃતિ આવી. શૌચાલય બંધાયાં. હવે નદીકિનારા ઉપર વસતા લોકો માટે આવું અભિયાન
શરૂ થવું જોઇએ. સ્વ. રાજીવ ગાંધીએ ગંગા શુદ્ધીકરણની જાહેરાત કરી હતી. આ પછી અભિયાન
કેટલું સફળ થયું હશે ? કેન્દ્રમાં સંસદીય સમિતિએ જળસંસાધનો -
વોટર રિસોર્સીઝનો અહેવાલ ફેબ્રુ. - 2024માં રજૂ કર્યો હતો, તે અનુસાર 2003માં ઉત્તરાખંડ
અને હિમાચલ પ્રદેશમાં યમુનાનાં જળ સ્વચ્છ હતાં, જ્યારે હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં સ્થિતિ સૌથી નબળી હતી. કેન્દ્ર સરકારના
નમામિ ગંગે પ્રોજેક્ટ અનુસાર 2025 - 26નાં વર્ષ દરમિયાન અર્થાત્ આગામી માર્ચ સુધીમાં સુએજ ટ્રીટમેન્ટ
પ્લાન્ટ કામ કરતા થઈ જવા જોઇએ. આ માટે કેન્દ્ર સરકારે ફાળવેલી રકમ પણ વપરાઈ નથી ! ત્યારે
લક્ષ્યાંક મુજબ કામ ક્યાંથી થશે ? ગ્રીન
ટ્રિબ્યુનલના અહેવાલ પછી વિરોધી નેતાઓને મોટો મુદ્દો મળ્યો છે. અગાઉ રામમંદિર નિર્માણનો
વિરોધ હતો. આ પછી ચેન્નઈમાં ડીએમકેના પાટવીકુંવરે સનાતનધર્મ સામે જેહાદ જગાવી. ઈન્ડિ
મોરચાએ પૂરું સમર્થન આપ્યું, પણ હિન્દુસ્તાનના મતદારોએ સનાતન
વિરોધીઓને જાકારો આપ્યો. સંયોગવશાત્ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મહોત્સવ
શરૂ થયો અને યોગીજીએ અદ્ભુત વ્યવસ્થા કરી. ધર્મ સાથે અર્થકારણ પણ છે. અર્થતંત્રના પાયામાં
ધર્મ છે અને શ્રદ્ધાનું બળ છે. આયોજનની સફળતા અને સનાતનીઓનો ઉત્સાહ જોઈને વિરોધીઓ ડઘાઈ
ગયા. શ્રદ્ધાને ડગાવવાના પ્રયાસ શરૂ થયા. કરોડોની મેદનીમાં ધક્કામુક્કી - નાસભાગ થાય
તે સ્વાભાવિક છે. આ માટે અફવા અને ઉશ્કેરણી કરનારા પણ હોય છે અને વિરોધીઓ અવસરોની રાહ
જોતા હોય છે ! સનાતન ધર્મને વખોડવા માટે મુદ્દો મળ્યો - સરકાર મૃતકોના આંકડા ખોટા આપે
છે... મૃતદેહો નદીમાં ફેંકવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા. કોંગ્રેસપ્રમુખ ખડગેએ લોકોને
ભડકાવવાનાં ભાષણ કર્યા - ગંગામાં ડૂબકી મારવાથી પેટ નહીં ભરાય - મમતા બેનરજીએ મહાકુંભને
મહામૃત્યુકુંભ કહ્યો અને લાલુએ મહાકુંભને ફાલતુ કહીને બતાવ્યું કે ફાલતુ કોણ છે ! આવા
દુષ્પ્રચાર છતાં દિગ્વિજયસિંહ, શિવકુમાર જેવા કોંગ્રેસીઓ પણ ડૂબકી
લગાવવા આવ્યા. અમિતાભ બચ્ચન - છોરા ગંગાકિનારે વાલા -ની પત્ની જયા બચ્ચને સંગમનાં પાણી ગંદાં હોવાનું કહ્યું તેની પાછળ અંગત
- કૌટુંબિક કારણ હશે અને રાજકારણ - રાજ્યસભામાં સમાજવાદી સભ્યપદ પણ હશે ! છતાં લક્ષ્ય
એક છે - સનાતન ધર્મને બદનામ કરો ! હજયાત્રીઓ પણ ઘણી વખત હાદસાના ભોગ બન્યા છે,
ત્યાં છાવણીઓમાં આગ લાગવાના બનાવ નોંધાયા છે. દુર્ઘટનાનું રાજકારણ કોઈએ
કર્યું નથી. તિરુપતિમાં પ્રસાદના લાડુમાં ચરબીયુક્ત ઘી વપરાયાની માહિતી પ્રકાશમાં આવી.
આ જઘન્ય અપરાધ અને ષડ્યંત્રનો ભોગ સનાતનીઓ બન્યા. તેનું પ્રાયશ્ચિત પાપ કરનારાએ કર્યું
નથી. ધર્મ - પરિવર્તન નહીં - પણ ધાર્મિક ભાવના તોડવાનો પ્રયાસ તો હતો ! સેક્યુલરવાદે
હવે `લક્ષ્મણરેખા' વટાવી છે. શિવજીની જટામાંથી ગંગાનું અવતરણ થયું.
ગંગાજળ આપણા માટે જન્મથી મૃત્યુ સુધી પવિત્ર - મોક્ષદાયી ગણાય છે. યમુના શ્રીકૃષ્ણને
પ્રિય છે અને શ્રદ્ધાળુઓની ભાવના છે, ભાવ છે ! તેનાં જળ ભ્રષ્ટ
કરનારા અને દુષ્પ્રચાર કરનારા નેતાઓ સનાતનીની શ્રદ્ધા ડગાવી નહીં શકે. વિરોધીઓ દેશના
60 કરોડ લોકોની શ્રદ્ધાથી ડઘાઈ
ગયા છે. કોઈ ચૂંટણીમાં મતની ટકાવારી કે બેઠકોની સંખ્યા કોઈ હિસાબમાં નથી. વિરોધીઓ
- ડૂબકી મારવાને બદલે ડૂબી રહ્યા છે...