• રવિવાર, 23 ફેબ્રુઆરી, 2025

શબરીનાં માધ્યમથી નવધાભક્તિ સમજાવાઈ

દયાપર (તા. લખપત), તા. 22 : તીર્થધામ નારાયણ સરોવર ખાતે રામકથામાં આજે માનવ મહેરામણ ઉમટયો હતો. પ્રખ્યાત કથાકાર પૂ. મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવતાં શબરીની નવધાભક્તિ અંગે રસનાત્મક વર્ણન કર્યું હતું. ભરતને રાજગાદી આપ્યા પછી ભરતે ભગવાન રામની પાદુકા સિંહાસન પર રાખી છે. પાદુકા જ ઈશ્વર છે. પાદુકા બધું જોઈ શકે છે. સમજી શકે છે, ચાતુર્માસ અંતે સીતાજીની શોધ શરૂ કરવા નક્કી થયું છે ત્યારે સુગ્રીવ આ વાત ભૂલી ગયા છે તેમ લક્ષ્મણજીને નગર મોકલાવાય છે. વનવાસ ભગવાન રામને હતો લક્ષ્મણને નહીં તેથી લક્ષ્મણ નગર પ્રવેશ કરી શકે પરંતુ રામ ભગવાનને નગરમાં જવું વર્જિત છે. લક્ષ્મણજી પણ ધારે તો સુગ્રીવને વિલંબ બાબતે દંડ આપી શકે પણ એમ નથી ર્ક્યું ફક્ત ભય બતાવ્યો છે. ભગવાને પોતાના ભક્તોને ક્યારેય દંડ નથી આપ્યો પણ ભય બતાવે છે સચેત કરે છે. શબરીમાની ભક્તિ અજોડ છે. તેને નવધાભક્તિ આવડે છે રામાયણમાં શબરીના માધ્યમથી નવધાભક્તિ સમજાવાઈ છે. બાકી શબરી તો નવધાભક્તિમાં પરિપૂર્ણ છે. હનુમાનજી પ્રભુની મુદ્રિકા (વિંટી) લઈ સીતાજીને આપવા જાય છે ત્યારે ઘણાને પ્રશ્ન થાય કે હનુમાનજીએ આ મુદ્રિકા ક્યાં મૂકી હશે તેમના કપડામાં ખિસ્સા નથી તો શું હાથમાં લઈ ગયા હશે...? પરંતુ આ પ્રશ્નના સામાન્ય જવાબ છે પ્રભુ મુદ્રિકા મેલી મુખ માંઈ... પ્રભુની મુદ્રિકા હનુમાનજીએ મુખમાં રાખી છે. કારણ કે મુખમાંથી તો રામનામનો સતત ઉચ્ચાર થાય છે. આઠમા દિવસે રામકથામાં આર્ષ અધ્યયન કેન્દ્રના પ્રદીપ્તાનંદજી મહારાજ, કોટેશ્વર મહંત દિનેશગિરિજી મહારાજ, માનવ મંદિરના સંતગણ, સાંસદ વિનોદભાઈ ચાવડા, તાલુકા ભાજપના અગ્રણી હરેશભાઈ દવે, અશ્વિનભાઈ રૂપારેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રોતાઓથી મંડપ ખીચોખીચ ભરાઈ ગયો હતો. ઘણા લોકો મંડપ બહાર ઊભા રહીને પણ કથાશ્રવણ કરતા હતા. કાલે 23મીએ કથાની પૂર્ણાહુતિ થશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd