• રવિવાર, 23 ફેબ્રુઆરી, 2025

ગુંદાલાનાં તળાવમાં ડૂબવાથી યુવાનનું મોત

ભુજ/ગાંધીધામ, તા. 22 : મુંદરા તાલુકાના ગુંદાલાનાં તળાવમાં ડૂબવાથી માનસિક રીતે અસ્થિર એવા 27 વર્ષીય યુવાન જયેન્દ્રગિરિ ઉર્ફે કાનજી હસમુખગિરિ ગુસાઇનું મોત નીપજ્યું હતું. બે મહિનામાં જ એક જ પરિવારમાં બીજી આ કરુણ ઘટના બનતાં અરેરાટી વ્યાપી હતી. માંડવીના ગુંદિયાળીમાં ગઇકાલે 22 વર્ષીય યુવાન પ્રિયેન વેલજીભાઇ મહેશ્વરીએ અને સામખિયાળીમાં 26 વર્ષીય યુવાન રમગરભાઇ સંતોષભાઇ તરાઇએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યા હતાં. જ્યારે ગાંધીધામમાં બીમારીથી કંટાળી એસિડ પીનાર કિશોર મોહનભાઇ પીતરિયા (ઉ.વ. 40)એ સારવાર દરમ્યાન આંખો મીંચી લીધી હતી. ગઇકાલે મુંદરા તાલુકાના ગુંદાલામાં જેસર તળાવની બાજુમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે જયેન્દ્રગિરિ પૂજા કરવા ગયો હતો. માનસિક રીતે થોડો અસ્થિર એવો જયેન્દ્રગિરિ બાજુમાં આવેલાં તળાવમાં ડૂબી ગયો હતો. દરમ્યાન આજે સવારે મૃત હાલતમાં તેની લાશ મળી આવતાં મુંદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે વિધિવત મૃત ઘોષિત કર્યા હોવાની વિગતો એમએલસીમાં નોંધાઇ છે. અત્રે નોંધનીય છે કે, હજુ બે માસ પૂર્વે હતભાગી જયેન્દ્રગિરિના નાનાભાઇ અને તેની પત્ની એમ દંપતીએ સજોડે કોઇ અકળ કારણે આત્મહત્યા કરી લીધી હતી. આમ આ પરિવારમાં ફરી કરુણ ઘટના બનતાં ગામમાં અરેરાટી વ્યાપી છે. ભારતનગરમાં કૈલાશનગર-2, પ્લોટ નં.275માં રહેતા કિશોરભાઈએ પોતાની બીમારીથી કંટાળીને  પોતાના ઘરે એસિડ પીધું હતું. ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં  ચાલુ સારવારે ગઈકાલે  તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સામખિયાળીની ઓરેવે કંપનીની ટાઉનશિપમાં  બ્લોક  નં. સી, રૂમ નં.11માં રહેતા રમગર નામના યુવાને ગત તા.21/2ના બપોરે 12થી 2 વાગ્યાના અરસામાં કોઈ પણ સમયે પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાધો હતો. હતભાગીએ કયા કારણોસર આ  પ્રકારનું પગલું ભરી લીધું તેનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ આરંભી છે. બીજી તરફ માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે રહેતા યુવાન પ્રિયેને ગઇકાલે સાંજ પહેલાં કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દુપટ્ટા વળે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. માંડવી મરીન પોલીસ મથકે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd