• રવિવાર, 23 ફેબ્રુઆરી, 2025

માતૃભાષા જીવન જીવવાની દૃષ્ટિ આપે છે

ભુજ, તા. 22 : વિશ્વમાં રહેલી સાત હજારથી વધારે ભાષાના અસ્તિત્વ પર જોખમ ઝળુંબી રહ્યું છે. કેમ કે દર પંદર દિવસે એક ભાષા લુપ્ત બની રહી છે, વિશ્વ માતૃભાષા દિવસના ઉપલક્ષ્યમાં અહીંના વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયના ભૂપતસિંહ સભા ખંડમાં ઉપસ્થિત પ્રબુદ્વ નાગરિકોને સંબોધતાં ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર અને પોઝિટિવ મીડિયાના ચેરમેન રમેશભાઈ તન્નાએ માતૃભાષાના જતન અને સંવર્ધન પરત્વે જાગૃત થવા અપીલ કરતાં આ મુજબ જણાવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી રાજ્યમાં 150થી વધારે સ્થાને એક જ દિવસે માતૃભાષા દિનની ઉજવણીના એક ભાગ રૂપે અહીંના વિજયરાજજી પુસ્તકાલયમાં કરાયેલા ઉજવણી કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કચ્છમિત્ર દૈનિકના તંત્રી દીપકભાઈ માંકડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી અને કચ્છી ભાષાને વંદન કરી પોતાના વકતવ્યનો આરંભ કરતાં શ્રી તન્નાએ પરિવર્તન દરેક પ્રવૃત્તિમાં ઈષ્ટ હોય છે. એ વાતનો સ્વીકાર કરતાં જણાવ્યું કે, માતૃભાષાને સંબંધ છે ત્યાં સુધી એમાં આવતું પરિવર્તન જરાય ઈષ્ટ નથી તે કાયમ અસ્વીકાર્ય છે. માતૃભાષા ગુજરાતીના અસ્તિત્વ પ્રત્યે ચિંતા સેવતાં એમણે વિશ્વના દેશોએ પોતાની માતૃભાષા જાળવી છે. તેનું જતન પણ કર્યું છે પરંતુ આપણે ગુજરાતીઓ એ દિશામાં પાછળ રહ્યા છીએ. વિદેશમાં વસતા ગુજરાતીઓની સરખામણીમાં એમાં ઉદાસીન રહ્યા છીએ એ પ્રત્યે ચિંતા વ્યક્ત કરતાં એમણે જણાવ્યું હતું કે, ગુજરાતીઓને સંશોધનમાં નહીં પણ ધનમાં રસ છે. માતૃભાષા ગુજરાતીની સમૃદ્ધિના ગુણગાન કરતાં એમણે જણાવ્યું કે, દેશને આઝાદી અપાવવામાં ગુજરાતી ભાષા અને ગુજરાતી પત્રકારત્વનું મુખ્ય યોગદાન રહ્યું છે. મહાત્મા ગાંધીજીએ પણ યંગ ઈન્ડિયા અંગ્રેજી અખબાર શરૂ કર્યા પછી અસરકારક વિચારો સહજતાથી સમાજ સમજી શકે એ માટે માતૃભાષા જ પ્રમુખ અંગ છે એવું સમજાતાં યંગ ઈન્ડિયા બંધ કરી ગુજરાતી `નવજીવન' શરૂ કર્યું હતું. ભાષા લુપ્ત થશે તો સંસ્કૃતિ પણ લુપ્ત થશે એવો ભય પણ એમણે વ્યક્ત કર્યો હતો. સમારંભના મુખ્ય અતિથિ વિશેષ કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડે માતૃભાષા ગુજરાતીના ઓવારણાં લેતા અખબારી સાહિત્યમાં ગુજરાતી ભાષાનું પ્રભુત્વ જરૂરી હોવાનું જણાવી ગુજરાતી વર્તમાનપત્રો ગુજરાતી ભાષાના જતન અને સંવર્ધન માટે કરી રહેલાં કાર્યોની વાત કરી હતી. એમણે પોતાના તાજેતરના વિદેશ પ્રવાસની વાત કરતાં ત્યાં વસતો કચ્છી અને ગુજરાતી સમાજ માતૃભાષા માટે કેટલો ચિંતીત અને તેની જાળવણી માટે કેટલો સક્રિય છે તેની પણ વિગતો આપી હતી. દીપકભાઈએ માતૃભાષામાં રહેલી અદ્ભુત મજાનો આનંદ લેવા પણ આહવાન કર્યું હતું. આ અગાઉ મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય દ્વારા માતૃભાષા દિનની ઉજવણીનો આરંભ કરાયો હતો. આ અવસરે વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રી ઉપસ્થિત રહ્યા હતા. વિજયરાજજી પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે પુસ્તકાલયની વાચન પ્રવૃતિની સાથે સાથે કરાઈ રહેલી સાંસ્કૃતિક, સાહિત્યિક પ્રવૃત્તિનો પણ ખ્યાલ આપી આવનારા દિવસોમાં પુસ્તકાલય દ્વારા ગુણવંતરાય આચાર્ય, ડો. ગોવર્ધન શર્મા, ભાવના મહેતા સહિતના સર્જકો પર યોજાનાર સેમિનારની વિગતો આપી હતી. સંસ્થાના વરિષ્ઠ સભ્ય પીયૂષભાઈ પટ્ટણી, ભુજ નગરપાલિકાના પૂર્વ ઉપાધ્યક્ષ અને પુસ્તકાલયના કારોબારી સભ્ય રેશમાબહેન ઝવેરી અતિથિઓના સ્વાગતમાં જોડાયા હતા. સંસ્થાના પુસ્તક સમિતિના સભ્ય જાગૃતિ વકીલે મહેમાનોનો પરિચય આપ્યો હતો. સંસ્થાના ઉપપ્રમુખ સંજય ઠાકરે સમારંભનું સંચાલન કર્યું હતું. જ્યારે પુસ્તકાલયના મંત્રી અને સમારંભના સંયોજક નરેશ અંતાણીએ આભારવિધિ કરી હતી. સંસ્થાના ગ્રંથપાલ અંજના રાજદે, અરુણ વોરા, નિતીન પંડયા વગેરેએ આયોજન સંભાળ્યું હતું. સંસ્થાના કારોબારી સભ્યો, દર્શક બુચ, રક્ષક અંતાણી, ઝવેરીલાલ સોનેજી, દિનેશભાઈ મહેતા, મનન ઠક્કર ઉપરાંત હિંમતભાઈ વસણ, ડો. અમિત ત્રિપાઠી, નિરૂપમ છાયા, ધીરજભાઈ રાસ્તે, મધુકરભાઈ ઠક્કર, કૈલાસભાઈ વોરા, દિવ્યાંશુ ધોળકિયા, દેવેન્દ્ર ધોળકિયા, કમલાબેન ઠક્કર, કે. એમ. ખીરા, ડો. દિનેશ જોશી, નવીનભાઈ વ્યાસ સહિતના અગ્રણીઓ અને રસજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ `મારી માતૃભાષામાં મારા હસ્તાક્ષર' અંતર્ગત ગુજરાતીમાં હસ્તાક્ષર અભિયાનમાં જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd