વોશિંગ્ટન, તા.22 : ભારતમાં અમરિકી ભંડોળ અંગે
પહેલેથી જ રાજકીય હોબાળો મચેલો છે અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાક્યુદ્ધ જારી છે તે વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચાર દિવસમાં ચોથી વખત ભારતીય ચૂંટણીઓમાં
યુએસ ફાંડિંગ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. આ વખતે તેમણે કહ્યું કે મારા મિત્ર મોદીને 182 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા
છે. આ બીજી વખત છે જ્યારે ટ્રમ્પે આ મામલે પીએમ મોદીનું નામ લીધું છે. દરમ્યાન સામસામા
ટેરિફ મામલે ફરી એક વખત ભારત માટે ધમકીભર્યા સૂરમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેમને પહેલાં
જ ટેરિફ લાદવાં હતાં પણ કોરોનાકાળ નડ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે આ ભંડોળ ભારતમાં
મતદાન વધારવા માટે આપવામાં આવ્યું હતું. પરંતુ આપણા માટે શું? અમેરિકામાં મતદાન વધારવા માટે આપણને પણ પૈસાની
જરૂર છે. આ ઉપરાંત ટ્રમ્પે બાંગલાદેશને મોકલવામાં આવેલા 250 કરોડ રૂપિયાનો પણ ઉલ્લેખ કરતાં
કહ્યું કે બાંગલાદેશમાં રાજકીય વાતાવરણને મજબૂત બનાવવા માટે આ ભંડોળ એક એવી સંસ્થાને
મોકલવામાં આવ્યું હતું જેનું નામ પણ કોઈએ સાંભળ્યું નહોતું. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગુરુવારે પણ ટ્રમ્પે કહ્યું
હતું કે મને આશ્ચર્ય થાય છે કે આટલા પૈસા મળ્યા પછી ભારત શું વિચારશે. આ એક કિક-બેક
સ્કીમ છે. જે લોકો આ પૈસા ભારતમાં મોકલી રહ્યા છે,
તેનો એક ભાગ એ જ લોકો પાસે પાછો આવી રહ્યો છે. ટ્રમ્પે કહ્યું કે મારે
ભારતમાં મતદાનની ચિંતા શા માટે કરવી જોઈએ? આપણી પોતાની સમસ્યાઓ
પણ ઓછી નથી. અમે આ બધી યોજનાઓ બંધ કરી દીધી છે. હવે આપણે સાચા માર્ગ પર છીએ. દરમ્યાન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે `જેવા સાથે તેવા' (રેસિપ્રોકલ) ટેક્સ અંગે મોટો ખુલાસો કરતાં
કહ્યું કે તે પોતાના પહેલા કાર્યકાળમાં જ ભારત પર રેસિપ્રોકલ ટેક્સ લગાવવા માગતા હતા
પરંતુ કોરોના મહામારી આવી ગઈ હતી. ટ્રમ્પે ફરી પારસ્પરિક કર લગાવવાની વાતનો પુનરોચ્ચાર
કરતાં કહ્યું હતું કે અમે ટૂંક સમયમાં રેસિપ્રોકલ
દરો લાગુ કરશું. અમેરિકા પણ ભારત પર એટલો જ કર લગાવશે જેટલો ભારત અમેરિકાના સામાન પર
વસૂલે છે. ટ્રમ્પે ભારતવંશી કશ્યપ કાશ પટેલના શપથ સમારોહ દરમ્યાન એક પત્રકાર પરિષદમાં
ભારત અને ચીનના ઉદાહરણ આપતાં કહ્યું હતું કે અમારા પાસેથી જે જેટલો કર વસૂલશે,
અમે પણ તેના પાસેથી એટલા જ દરની કર વસૂલી કરશું. તેઓ અમારા પાસેથી વસૂલતા
હોય તો અમે પણ તેમ જ કરશું ભલે પછી તે કોઈ કંપની હોય કે પછી કોઈ દેશ હોય જેમ કે ચીન
અને ભારત. એમ ટ્રમ્પે ઉમેર્યું હતું.