હેમંત ચાવડા દ્વારા : ખારૂઆ (તા. અબડાસા), તા. 22 : વર્ધમાન પરિવાર
અને ગ્લોબલ કચ્છ તેમજ કચ્છમિત્રના ઉપક્રમે ખારુઆ ગામે 100 એકરમાં વવાયેલા સુપર નેપિયર ઘાસ પ્રોજેકટના લોકાર્પણનો
કાર્યક્રમ યોજાયો હતો. અંતરિયાળ એવા આ ગામે મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત સમુદાયને સંબોધતાં
સંસદ સભ્ય વિનોદ ચાવડાએ પશુઓના ચારાની અછત કાયમી દૂર કરવા માટે નેપિયર ઘાસના વાવેતરને
ઉત્તેજન આપવા હિમાયત કરી હતી. ઘાસની તંગી ભોગવતા કચ્છના પશુ પાલકો અને ખેડૂતો ઘાસ ક્ષેત્રે
સ્વાવલંબી બને અને સમગ્ર કચ્છમાં આ ઘાસના વાવેતર માટે જાગૃતિ આવે તે માટે ગ્લોબલ કચ્છ
અને વર્ધમાન પરિવાર દ્વારા અબડાસા તાલુકાના ખારૂઆ ગામે દાતાઓના સહયોગે સુપર નેપિયર
ઘાસનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરાયો છે, આ પાયલોટ પ્રોજેકટ હેઠળ પ્રથમ તબક્કે 100 એકરમાં કામગીરી પૂર્ણ થઈ છે, જેમાં સૌથી વધુ આઠ એકર માટે ખારૂઆના શ્રીમતી
કાજલબેન મહેન્દ્રભાઈ ગડા પરિવારે રૂા. 14 લાખનું દાન આપ્યું છે તો અન્ય દાતાઓનોયે સહયોગ સાંપડયો છે. મહેન્દ્રભાઈ
ગડાએ ખારૂઆ ગામની સાથેસાથે આસપાસના ગામોમાં ચેકડેમ,
સદભાવના ટ્રસ્ટના સહયોગે વૃક્ષારોપણ કરી આ ગામોને નંદનવન બનાવવામાં મહત્ત્વનું
યોગદાન આપ્યું છે, ત્યારે આ પરિવાર તેમજ અન્ય દાતાઓને સન્માનવાના
કાર્યક્રમના પ્રારંભે મહેમાનોનું સ્વાગત કરતાં ગ્લોબલ કચ્છના સ્થાપક અને નેપિયર ઘાસ
પ્રોજેક્ટનું સપનું જોનારા ગોવિંદભાઈ મંગેએ જણાવ્યું હતું કે, ગાયોની ચિંતા કરનાર વર્ધમાન પરિવાર સંત પુરુષો છે, તેમણે
પોતાનું જીવન ગાયોની સેવામાં અર્પણ કર્યું છે. ગ્લોબલ કચ્છના પ્રમુખ અને સોરાષ્ટ્ર
ટ્રસ્ટના મેનેજિંગ હાર્દિકભાઈ મામણિયાએ નેપિયર ઘાસને ઉત્કૃષ્ટ ગણાવ્યું હતું,
તેમણે કહ્યું કે, કચ્છમાં આ ઘાસનું વધુને વધુ વાવેતર
થાય તે માટે સાંસદ વિનોદભાઈ ચાવડા સાથે ચર્ચા કરી છે, તેમણે આ
પ્રોજેકટ જોઈને સ્થળ પર જ ગુંદાલામાં 50 એકરમાં નેપિયરની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. શ્રી મામણિયાએ
વધુમાં જણાવ્યું કે, કચ્છમિત્ર
ગ્લોબલ સાથે જોડાયેલું છે અને નેપિયર વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે દર સોમવારે
કચ્છમિત્રમાં કૃષિમિત્ર કોલમમાં નેપિયર અને તેના ફાયદાઓ કચ્છમિત્ર દ્વારા પહોંચાડાશે
જેની આગામી સોમવારથી શરૂઆત કરાશે. તેમજ આ પ્રોજેક્ટમાં વધુને વધુ ખેડૂતો જોડાય તેના
માટે આગામી સમયમાં યોજાનારા કોન્કલેવમાં ખેડૂતો સાથે બેઠક કરવામાં આવશે. આ તકે સાંસદ
વિનોદભાઈ ચાવડાએ મુખ્ય દાતા મહેન્દ્રભાઈ ગડાએ સદભાવના ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કરાવ્યું, ડ્રેગન
ફ્રૂટનું વાવેતર કરી ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવ્યા છે અને હવે નેપિયર ઘાસ તેમજ
ડેમો સહિતનું કામ ઉપાડયું છે જે ધન્યવાદને પાત્ર છે. તેમણે વધુમાં કહ્યું કે,
કચ્છમિત્રની આજે હાજરી છે ત્યારે તેના માધ્યમે લોકો અને પાંજરાપોળો,
પંચાયતોને મેસેજ આપી ખારૂઆ જઈ આ પ્રોજેક્ટ નિહાળે અને તેનો અમલ કરે તો
કચ્છમાં ઘાસની કાયમી તંગીનો ઉકેલ આવી જાય. તેમણે કહ્યું કે, દરેક
તાલુકાકક્ષાએ ઘાસના ગોદામો બનાવાય તો તેમાં ઘાસ સંગ્રહી શકાય તેના માટે સરકારની સાથે
દાતાઓ પણ આગળ આવે. તો બ્રહ્માકુમારી દક્ષાબેને સંસ્થા દ્વારા નેપિયર ઘાસ થકી કચ્છને
ગોકુળ ગામ બનાવવાનું સપનું સાકાર થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. અબડાસાના ધારાસભ્ય
પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગ્લોબલ કચ્છ અને વર્ધમાન પરિવારની પશુઓ પ્રત્યેની ચિંતાને બિરદાવી
નેપિયર ઘાસની સાથેસાથે કચ્છની તળપદી વનસ્પતિઓનુંયે જતન સાથે વધુને વધુ વાવેતર કરવા
ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો, તો સરકાર દ્વારા સહયોગની ખાતરી
આપી હતી. વર્ધમાન પરિવારના દેવચંદભાઈ ગડાએ વર્ષ 2018-19 દરમ્યાન દુષ્કાળ દરમ્યાન મહેન્દ્રભાઈ
દ્વારા મોખા પાસે પશુઓ માટે કરાયેલી આર્થિક સહાયને બિરદાવી હતી. આ તકે આદર્શ ગૌચર પુસ્તકનું
વિમોચન કરાયું હતું. પ્રારંભે અબડાસાના ચિયાસર
ગામે ખેતરમાં વાવેતર કરાયેલા નેપિયર ઘાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું હતું.
આ ખારૂઆ જૈન મહાજન વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દાતાઓ મહેન્દ્ર ગડા અને તેમના પુત્ર
વિશાલ ગડાએ સાંસદ-ધારાસભ્યનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી સંસ્થાના દક્ષાબેન બ્રહ્માકુમારી, હર્ષદભાઈ કટારિયા (વલસાડ), વીઆરટીઆઈના મલય જોશી, વાડીલાલભાઈ (કનકપર), નાબાર્ડના નીરજભાઈ, ડીસીએફ શ્રી મક્વાણા, અમૂલભાઈ દેઢિયા (કોડાય), કાઝરીના ડો. મનીષભાઈ,
ભુજ એરપોર્ટ અધિકારી નવીન સાગર, અબતાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા,
કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા, વિક્રમસિંહ
જાડેજા, નાનજી ભાણજી, ચંપકભાઈ વાલજી જીતુભાઈ
શાહ, દલીચંદભાઈ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન
ધીરજ એકલવીરે કર્યું હતું.