• રવિવાર, 23 ફેબ્રુઆરી, 2025

ઇંગલિસ સામે અંગ્રેજો વિવશ ; ઓસીની ઐતિહાસિક જીત

નવી દિલ્હી, તા. 22 : ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. જેમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને જીત માટે 352 રનનું વિક્રમી લક્ષ્ય આપ્યું હતું, જેને ઓસ્ટ્રેલિયાએ મેચની 48મી ઓવરમાં જ પાર કરી પાંચ વિકેટે મોટી જીત મેળવી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસનો સૌથી મોટો રનચેઝ કરવાનો વિક્રમ બનાવી લીધો હતો. ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો જોશ ઈંગલિસ રહ્યો હતો, જેણે 86 બોલમાં અણનમ 120 રન કર્યા હતા.  ઈંગ્લેન્ડે ઓપનર ડકેટના ધમાકેદાર 165 રનની મદદથી 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 351 રન કર્યા હતા જેનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે એક સમયે 27 રનમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન મેથ્યુ શોર્ટ અને માર્નસ લાબુશેન વચ્ચે મહત્ત્વની ભાગીદારી થઈ હતી. જો કે, 122 રને લાબુસેન અને 136ના કુલ સ્કોરે મેથ્યુ શોર્ટ આઉટ થતાં સ્કોર ચાર વિકેટના નુકસાને 136 રન થયો હતો. શોર્ટે 63 અને લાબુસેને 47 રન કર્યા હતા. બાદમાં જોશ ઈંગ્લિસ અને એલેક્સ કેરીએ બાજી સંભાળી હતી. કેરી 63 બોલમાં 69 રન કરીને આઉટ થયો હતા. તેની જગ્યાએ મેક્સવેલ મેદાનમાં ઉતર્યો હતો અને તાબડતોડ 15 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 32 રન ફટકાર્યા હતા. બીજી તરફ જોશ ઈંગ્લિસે 86 બોલમાં આઠ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 120 રન કરીને ઈંગ્લેન્ડે આપેલા રેકોર્ડ લક્ષ્યને 15 બોલ બાકી રહેતા જ પાર પાડી લીધું હતું. ઈંગ્લેન્ડે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા આઠ વિકેટના નુકસાને 351 રન કર્યા હતા. જેમાં બેન ડકેટે 165 રન કર્યા હતા. જ્યારે જો રૂટે 78 બોલમાં 68 રનની ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઝડપી બોલર બેન ડવારશુઈઝે સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી. સ્પીન બોલરોમાં માર્નસ લાબુસેન અને એડમ ઝમ્પાને બે બે સફળતા મળી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd