રાપર, તા. 22 : થોડા દિવસો પહેલાં ફતેહગઢમાં
ગાયનાં મોઢામાં વિસ્ફોટ થતાં ગંભીર ઈજા થયાના સમાચારની શાહી સૂકાઈ નથી ત્યાં સણવામાં
ભેંસનાં મોઢામાં વિસ્ફોટ થતાં ગંભીર ઈજાઓ થઈ હતી. વાગડમાં પશુઓને ઇજા પહોંચાડવાનું
ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. રાપર તાલુકાના સણવામાં ભેંસ સીમાડે ચરવા ગઈ હતી ત્યારે સીમાડામાં લોટમાં
અંદર દારૂખાનું ભેળવીને ગોળા બનાવી જંગલી જાનવરો માટે રાખેલા હતા, જેને આ અબોલ જીવે લોટ સમજીને ખાવા જતાં મોઢામાં
દારૂખાનું ફૂટયું હતું, જેથી ભેંસનાં મોઢાના અંદરના ભાગે ગંભીર
ઇજાઓ પહોંચી હતી. ઇમર્જન્સીમાં ખેડૂત દ્વારા કોલ આવતાં તરત જ વેટરનરી ટીમ ઘટના સ્થળે
પહોંચી ગઈ હતી અને ભેંસની સારવાર કરી હતી. અંદરથી મોઢામાં ઉપરના તાળવાંમાં ખૂબ જ ઇજા
થઇ હોવાથી તેને ખાવામાં ખૂબ મુશ્કેલી પડી રહી હતી. જંગલી પશુઓના ત્રાસથી કે અન્ય કોઈ
કારણે આવી ક્રૂરતા કેમ સહન કરી શકાય? આવું હીન કૃત્ય કરનારને પકડીને કડક સજા થવી જ જોઈએ, તેવું
જીવદયાપ્રેમીઓ ઈચ્છી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારે
પશુને ઇજા પહોંચાડવાનો આ સંભવત ત્રીજો બનાવ છે, ત્યારે સંબંધિત
તંત્ર ચોક્કસ તપાસ કરે તે જરૂરી છે. અગાઉ વાગડના
બંદૂકના ભડાકે નીલગાયના શિકારની ઘટનાઓ પણ બની ચૂકી છે. ફતેહગઢના બનાવમાં ફોજદારી
ગુનો પણ નોંધાયો હતો. આ પ્રકારના બનાવ રોકવામાં કડક કાર્યવાહી કરવામાં આવે તે સમયની
માંગ છે.