નવી દિલ્હી, તા. 22 : પેટ્રોલ, ડીઝલ તથા ગેસની વધતી કિંમતો સામે ઝઝૂમતા લોકો
માટે રાહતના સંકેત આપતા કેન્દ્રીય પેટ્રોલિયમ તથા કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ
આવનારા સમયમાં આ ઇંધણની કિંમતોમાં ઘટાડો થઇ શકે છે, તેવું કહ્યું
હતું. પુરીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે તેલનું ઉત્પાદન
વધારવાની યોજના છે, જે ફુગાવાને અંકુશમાં રાખવામાં મદદ કરશે.
પત્રકાર પરિષદમાં મંત્રીએ કહ્યું કે, અમેરિકા સહિત ઘણા દેશોમાં
તેલ ઉત્પાદન વધારવાની દિશામાં પગલાં લેવામાં
આવી રહ્યા છે. વૈશ્વિક ઉર્જા સંકટમાં સુધારો થવાની ધારણા છે તથા આ ફેરફારથી
તેલ તથા ગેસના ઉત્પાદનમાં વધારો થવાની સંભાવના
છે. જેથી ઇંધણના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે. જ્યારે બજારમાં સસ્તી ઉર્જા સંસાધનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થશે ત્યારે ફુગાવા પર તેની હકારાત્મક અસર રહેશે. તેમણે સ્પષ્ટતા
કરતાં કહ્યું કે, ભારતનો મુખ્ય ઉદ્દેશ્ય નીચા ભાવે પૂરતા પ્રમાણમાં
તેલ ખરીદવાનો છે, જેથી દેશમાં મોંઘવારી કાબૂમાં આવી શકે તથા નાગરિકોને
રાહત મળી શકે. મોટાભાગનો વૈશ્વિક વેપાર ડોલરમાં થાય છે તથા આ પરંપરા ચાલુ રહેશે તેવું
કહેતા મંત્રીએ વિશ્વાસ વ્યકત કરતાં કહ્યું કે, ભારતે અમેરિકાના
નવા વહીવટીતંત્ર સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા છે તથા ઉર્જાક્ષેત્રે બંને દેશો વચ્ચે
સહકાર વધુ મજબૂત બનશે. મંત્રીએ કહ્યું કે, ભારત વિશ્વના લગભગ
40 દેશમાંથી તેલની આયાત કરે છે.
વૈશ્વિક તેલ ઉત્પાદન પર્યાપ્ત હોવાથી તેલ ઉત્પાદક દેશોને તેમની ઉત્પાદન વ્યૂહરચના પર
પુનર્વિચાર કરવાની ફરજ પડશે. ભારત આર્જેન્ટિના સહિત 40 દેશોમાંથી તેલની આયાત કરે છે.
વૈશ્વિક બજારમાં તેલનો પુરતો પુરવઠો છે, એ હકીકતને નજર સામે રાખતાં ઉત્પાદન પર કાપ મુકી રહેલા તેલ ઉત્પાદક દેશોએ પોતાના
ફેંસલા પર બીજીવાર વિચાર કરવા મજબુર થવું પડશે, તેવું કેન્દ્રિય
પ્રધાન પુરીએ જણાવ્યું હતું.