અમદાવાદ, તા. 21 : રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના
સીસીટીવી કૂટેજનો વીડિયો વાયરલ થવાના મામલે શરૂ થયેલી તપાસ આંતરરાષ્ટ્રીય કૌભાંડની
દિશામાં જઇ રહ્યાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીને ઝડપી
કરેલી પૂછતાછમાં પ્રયાગરાજ મહાકુંભ મેળામાં મહિલાઓના સ્નાનના વીડિયોનો મામલો સામે આવ્યો
હતો. અમદાવાદ મેટ્રો કોર્ટમાં આજે આરોપીઓને સાત દિવસના રિમાન્ડ મંજૂર થતાં આગામી દિવસોમાં
હજુ ચોંકાવનારી વિગતો સામે આવે તેવી સંભાવના છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ
જણાવ્યું હતું કે, આ ત્રણે
આરોપીએ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો વેચ્યા હતા તેમજ આ વીડિયો સોશિયલ
મીડિયા પર પણ વાયરલ કર્યા હોવાનું તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસને
આરોપી પ્રજ્વલ પાસેથી વધુ એક હેકરની બાતમી મળતાં પોલીસની એક ટીમ ગુજરાતની બહાર ધસી
ગઇ હતી. પોલીસ અનુસાર પ્રજ્વલે છ મહિનામાં આઠ લાખ રૂપિયા કમાયા હતા, તેની પાસે હોસ્પિટલ, બસ સ્ટેશન, પાર્લર, હોટલ, ગંગાસ્નાન અને લગ્ન
સંબંધિત બે હજારથી વધુ વીડિયો હતા, જેને ઇન્સ્ટાગ્રામ પર બાવીસ
અલગ-અલગ ચેનલના માધ્યમથી શેર કર્યા હતા. આ ચકચારી કૌભાંડમાં મહારાષ્ટ્રથી ઝડપાયેલા
પ્રજ્વલ તૈલી, વ્રજ પાટિલ અને ચંદ્રપ્રકાશ નામના આરોપી પાસેથી
મળી આવેલા મોબાઇલ ફોન, હાર્ડ ડિસ્ક અને અન્ય ગેજેટ્સની તપાસમાં
50થી વધુ હોસ્પિટલના સીસીટીવી કુટેજ પણ મળી
આવ્યા હતા. આરોપીઓ સામે બીએનએસની કલમ 61, 77 તથા આઇટી એક્ટની કલમ 43 (બી), 66 તથા 66 એફ (2) હેઠળ ગુનો નોંધાયો હતો. આઇટીની
66 એફ (2) સાયબર આતંકની કેટેગરીમાં આવે
છે જેમાં આજીવન કેદની સજાની જોગવાઇ છે. રિમાન્ડ માંગની સાથે સરકારી વકીલે જણાવ્યું
હતું કે, પાયલ હોસ્પિટલ વાયરલ સીસીટીવી મામલે પોલીસ તપાસમાં અનેક ખુલાસા થયા છે.
જેમાં જાણવા મળ્યું કે, મેઘા એમબીબીએસ યુ-ટયૂબ ચેનલ સહિત અલગ-અલગ આઇડી બનાવ્યા
હતા. હોસ્પિટલમાં સીસીટીવી હેક કરીને તેમાં
મહિલાઓને આપવામાં આવતા ઇન્જેક્શનના વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા. તેમાં મહિલાઓની
નીજતાનો ભંગ થયો હતો. આરોપીઓ વીડિયોના ગ્રુપમાં એડ કરી અને વીડિયો 800થી 1000 રૂપિયામાં વેચતા હતા. આ ઉપરાંત
સબ્સક્રિપ્શનના અલગ-અલગ રેટ લેવામાં આવતા હતા. બેંક એકાઉન્ટ તપાસવા અને અન્ય આરોપીઓ
સંડોવાયેલા છે કે, કેમ
? તેની તપાસ કરવામાં આવશે. આરોપીની હાજરી વગર ગુનાના મૂળમાં જવું શક્ય
નહીં હોવાથી રિમાન્ડ જરૂરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક
સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર ત્રણેય નરાધમોને ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસમાં
ત્રણેયે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો વેચ્યા હોવાનો ખુલાસો થયો છે. આ
ત્રણેય આરોપી યુ-ટયૂબ અને ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના વીડિયો વેચતા હતા. આ માટે તેઓ
લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી
છે. બીજી તરફ રાજકોટની પાયલ હોસ્પિટલમાંથી સીસીટીવી આઇપીના આધારે હેક થયા હોવાની પણ
સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી થઈ રહી છે.