નખત્રાણા, તા. 22 : શહેરના કેમ્પ વિસ્તારમાં રાજેન્દ્ર
નગર શુક્રવારે રાત્રે પૈસાની લેતીદેતી બાબતે ઘાતક હથિયારો સાથે થયેલી મારામારીમાં 40 વર્ષીય યુવાન જાકબ અબ્દુલ બકાલીની
છાતીમાં છરીના ઘા મારી આવેશ ફારુક તુરિયાએ હત્યા નીપજાવતા ચકચાર મચી છે. આ મારા મારીમાં
આવેશને પણ પગ અને માથામાં ધારિયું લાગતા તે ઘાયલ થયો છે. ગઇકાલે મધ્ય રાત્રે 12 વાગ્યા આસપાસ ઘાતક હથિયારો
સાથે થયેલી આ તકરાર હત્યા અંગે બી-ડિવિઝન પોલીસ મથકે મૃતક જાકબના ભાઇ જાવેદે લખાવેલી
ફરિયાદ મુજબ રાત્રે 11 વાગ્યાની
આસપાસ તેનો ભાઇ જાકબ તેના ઘરે આવ્યો હતો અને કહ્યું કે, મારી સાથે ચાલ મારે પૈસાની લેતી-દેતી બાબતે
આવેશ સાથે મગજમારી થસ છે અને જાકબે ઘરમાં પડેલું ધારીયું લઇ લીધું હતું. આવેશના ઘર
બાજુ પહોંચતા તે ઘરની બહાર હાજર હતો અને તેણે જાકબને કહ્યું તું મારા પૈસા આપે છે કે
નહીં જાકબે કહ્યું કે, હાલ મારી પાસે કોઇ રૂપિયા નથી. આથી આવેશ ઉશ્કેરાઇ ગાળો આપવા લાગ્યો હતો. ફરિયાદીએ
ગાળો આપવાની ના પાડતા આવેશ કહ્યું કે, આજે તારો ભાઇ જાકબ મને
રૂપિયા નહીં આપે તો તેને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી તેની ભેઠમાંથી છરી કાઢી જાકબ
પર હુમલો કરી છાતીના ભાગે ઘા મારી દેતા નીચે પડી ગયો હતો અને જાકબે આવેશના પગમાં ધારિયાનો
ઘા મારી દીધો હતો. આવેશ ફરી છરી વડે હુમલો કરવા જતા ફરિયાદીએ જાકબના હાથમાંથી ધારિયું
લઇ આવેશના માથામાં ધારિયાનો ઊંધો ઘા માર્યો હતો. આવેશ હાથમાંથી છરી ફેંકી ત્યાંથી નાસી
છૂટયો હતો અને ફરિયાદી ઘાયલ જાકબને રિક્ષામાં બેસાડી સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં
લઇ આવતા ફરજ પરના મૃત જાહેર કર્યા હતા. આ ફરિયાદીના આધારે પોલીસે આવેશ વિરુદ્ધ હત્યાનો
ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. બીજી તરફ આ તકરારમાં ધારિયાના ઘાથી ઘાયલ આવેશને પણ જી.કે.
જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. મધ્ય રાત્રે કેમ્પ વિસ્તારમાં થયેલી ઘાતક
હથિયાર સાથેની આ તકરારમાં બનાવ સ્થળે આસપાસની જમીન પર લોહી રેલાયાના ધાબા અને ધારીયું
તથા છરી હતા. અત્રે ઉલ્લેખનીય છે થોડા માસ પૂર્વે સરપટ ગેટ નજીક અને એનાથી પહેલા સંજોગનગર
બાજુ પણ આવી જ હત્યાની ઘટના બની હતી. નાની-નાની બાબતોને લઇ ઘાતક હથિયારોથી થતી મારામારીના
બનાવો વધ્યા છે. આવા બનાવ પાછળના કારણોમાં પૈસાની લેતી-દેતી અને નશાખોરીની બદી વ્યાપક
બનતા લોકોમાં ચિંતાનું મોજું ફેલાયું છે.