દુબઇ, તા. 22 : આવતીકાલના રવિવારની રજાની મજા
ક્રિકેટરસિક સમુદાય માટે અનોખી હશે. પરંપરાગત હરીફો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર
મહામુકાબલા પર કરોડો ક્રિકેટ ચાહકોની મીટ મંડાયેલી છે. ભારત સેમિફાઇનલમાં સ્થાન માટે
અને પાક સ્પર્ધામાં ટકી રહેવા રમશે.બન્ને પરંપરાગત હરીફ ટીમો સાત વર્ષ બાદ દુબઈમાં
મેદાન પર વન-ડે મુકાબલો રમશે. બન્ને ટીમના ખેલાડીઓએ બાજી જીતી લેવા માટે છેલ્લી ઘડીના
પ્રયાસરૂપે શનિવારે મેદાન પર ભરપૂર પ્રેકિટસ કરીને પરસેવો પાડયો હતો. ખાસ ઉલ્લેખનીય
છે કે, પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન હોવા
છતાં બીજા દેશમાં રમવા જવું પડયું છે. બાંગલાદેશ સામે છ વિકેટે પ્રભાવશાળી જીત બાદ
આત્મવિશ્વાસથી છલકાતી ટીમ ઈન્ડિયા આમેય દુબઇનાં મેદાન પર અજેય રહી છે. દુબઇનાં મેદાન
પર ભારતીય ટીમે સાતમાંથી છ મુકાબલામાં જીત મેળવી છે, જ્યારે એક
મેચ ટાઇ રહી હતી.આમ, આ મેદાન પર ભારતને એક પણ વખત હાર ખમવી પડી
નથી. પાકિસ્તાન સામે બે વન-ડે અહીં રમી જે બન્નેમાં ટીમ ઈન્ડિયાએ જીત હાંસલ કરી છે.
એશિયા કપની 2018માં રમાયેલી
સ્પર્ધામાં ભારતે પાક સામે એક મેચમાં આઠ વિકેટ અને બીજી મેચમાં નવ વિકેટે વિજય મેળવ્યો
હતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકનો પ્રારંભ ખરાબ રહ્યો છે. પહેલી જ મેચમાં ન્યૂઝીલેન્ડ
સામે 60 રને હાર ખમવી પડી હતી. બીજી
તરફ ભારતે બાંગલાદેશને હરાવીને વિજયી પ્રારંભ કર્યો છે.