દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય પછી ભાજપનાં રેખા
ગુપ્તાએ મુખ્ય પ્રધાનપદના શપથ લેતાં દિલ્હીની રાજનીતિએ એક નવા યુગમાં પ્રવેશ કર્યો
છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં
સત્તાવાપસી સાથે ભાજપે વિજયયાત્રાની શરૂઆત એ જ બિન્દુથી કરી છે જે 26 વર્ષ પહેલાં છોડયું હતું, ત્યારે સુષમા સ્વરાજ મુખ્ય પ્રધાન હતાં અને
હવે ફરી એકવાર એક મહિલા ચહેરા સાથે જ ભાજપે દિલ્હીની સત્તામાં વાપસી કરી છે. વિદ્યાર્થી
રાજનીતિથી શરૂઆત કરનારાં રેખા ગુપ્તાને એક કુશળ વહીવટકર્તા અને સક્ષમ નેતા તરીકે માનવામાં
આવે છે. રેખાની પસંદગી કરીને ભાજપે અનેક રાજકીય સંદેશ આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર
મોદીના વિકસિત ભારતના સંકલ્પ - નારી, યુવાનો, ખેડૂતો અને ગરીબ આ ચાર `અમૃત સ્તંભો'નાં માળખાંમાં રેખા ગુપ્તાની પસંદગી વ્યવસ્થિત બેસે છે. મહિલા હોવા સાથે જ
તેઓ જોશીલા યુવા નેતા પણ છે. વિદ્યાર્થી જીવનથી સક્રિય રાજનીતિમાં પ્રવેશ તેમને રાજકીય
ક્ષેત્રમાં શક્તિશાળી બનાવે છે. ભાજપે રેખા ગુપ્તાને મુખ્ય પ્રધાન બનાવી વૈશ્ય અને
હરિયાણાકાર્ડ પણ ખેલ્યું છે. દિલ્હી વિધાનસભામાં `આપ'ની આતિશી વિપક્ષ નેતા બનશે તો તેમને મહિલાકાર્ડનો જવાબ ભાજપના મહિલા કાર્ડથી
આપવામાં આવશે. રેખા ગુપ્તા દિલ્હીનાં ચોથાં અને વર્તમાનમાં દેશનાં બીજાં મહિલા મુખ્ય
પ્રધાન હશે. દિલ્હીમાં અત્યાર સુધી મહિલા મુખ્ય પ્રધાનપદ પર સુષમા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી રહી ચૂક્યા છે. પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ
ખુદને દિલ્હીનો પુત્ર જરૂર કહે છે. તેમનું પૈતૃક નિવાસસ્થાન હરિયાણામાં જ છે. રેખાનું
મૂળ નિવાસ પણ હરિયાણા છે. એટલું જ નહીં, કેજરીવાલ વૈશ્ય સમાજથી
આવે છે તો રેખા ગુપ્તા પણ વૈશ્ય સમાજથી જ આવે છે. દિલ્હીમાં આ સમાજની વોટ બેન્ક છે.
રેખા ગુપ્તા ભાજપનાં આ માળખાંમાં બરાબર બેસે છે. ભાજપે વૈશ્ય સમાજને પણ સાધ્યો છે.
વૈશ્ય સમાજ ભાજપનો કટ્ટર સમર્થક છે. મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા સામે યમુનાની સફાઈ,
વધતું પ્રદૂષણ, જળસંકટ, ટ્રાફિકજામ,
અનધિકૃત કોલોનીઓ વગેરે સમસ્યાઓના પડકાર છે. આ સમસ્યાઓના ઉકેલ ઉપરાંત
રોજગારની નવી તકો ઊભી કરવી તેમની પ્રાથમિકતાઓમાં સામેલ હોવી જોઈએ. દિલ્હીમાં ભાજપ અને
`આપ' વચ્ચે કટ્ટર રાજકીય પ્રતિદ્વંદ્વિતાને લક્ષમાં લેતાં વિપક્ષ સાથે સંતુલન રાખી
શાસન ચલાવવાનો પણ પડકાર હશે. રેખા ગુપ્તા સાથે દિલ્હીના સિનિયર નેતા પ્રવેશ વર્મા સહિત
છ કેબિનેટમંત્રીએ પણ શપથ લીધા છે. પ્રવેશ વર્મા ભાજપનો યુવા-આક્રમક ચહેરો છે. અગાઉ
સંસદસભ્ય રહી ચૂકયા છે. પૂર્વ મુખ્યમંત્રી સાહિબસિંહ વર્માના પુત્ર છે. કચ્છમાં ધરતીકંપ
પછી સાહિબસિંહ વર્માની રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થાએ દુધઇ પાસે છ મહિનામાં ઇન્દ્રપ્રસ્થ
ગામ ઊભું કર્યું છે, ત્યાં શિક્ષણ સંસ્થા પણ બનાવી છે. આમ પ્રવેશ
વર્માનો આડકતરો કચ્છસંબંધ છે. તેમને સીએમ પદના દાવેદાર માનવામાં આવતા હતા, પરંતુ મોદીએ રેખા ગુપ્તા પર પસંદગી ઉતારી છે. લગભગ 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની
વાપસી થઈ છે, તો જનતાની વધેલી અપેક્ષાઓ
પર ખરા ઊતરવાનું છે. મહિલા મુખ્ય પ્રધાન હોવાની સાથે આશા રહેશે કે, મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ રોકવા અને સુરક્ષિત માહોલ બનાવવા પર ખાસ ધ્યાન અપાશે.
નવા મુખ્ય પ્રધાન તરીકે તેમનો કાર્યકાળ દિલ્હીને કઈ દિશામાં લઈ જશે એ તો સમય જ બતાવશે,
પરંતુ એ નક્કી છે કે, તેમની સફળતા તેઓ જનતાની સાથે
કેટલી નિકટતાથી સંકળાય છે અને તેઓના મુદ્દાઓનો ઉકેલ કેટલા પ્રભાવી રીતથી કરે છે તેના
ઉપર નિર્ભર કરશે. દિલ્હીને લોભાવનારી નહીં,
પરંતુ નક્કર નીતિઓ અને કાર્યોની આવશ્યક્તા છે. આશા રાખીએ કે,
રેખા ગુપ્તા રાજધાનીના વિકાસને એ દિશા આપશે, જેની
તેણે લાંબા સમયથી પ્રતીક્ષા કરી છે.