બજેટસત્રના પ્રથમ દિવસે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના મંગળ પ્રવચન પછી સંસદ પરિસદમાં કોંગ્રેસના વરિષ્ઠ
નેતા સોનિયા ગાંધીનાં નિવેદન પર રાજકીય વિવાદ થાય તેનું આશ્ચર્ય નથી. અભિભાષણ પર
રાહુલ ગાંધી સાથે વાત કરતાં સોનિયા ગાંધીએ ટકોર કરી કે,`પૂઅર લેડી' ખૂબ થાકી ગયાં હતાં.
રાહુલ ગાંધીએ તો અભિભાષણને બોરિંગ-કંટાળાજનક ગણાવ્યું હતું. આના પ્રત્યાઘાતરૂપે રાષ્ટ્રપતિ
ભવને કહ્યું છે કે, કોંગ્રેસ નેતાઓની આવી ટિપ્પણો અસ્વીકાર્ય
છે. આવી ટિપ્પણીઓથી રાષ્ટ્રપતિ પદની ગરિમાને ઠેસ પહોંચે છે. રાષ્ટ્રપતિ કોઈ પણ
સમયે થાક્યાં નથી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને
ભાજપના વરિષ્ઠ નેતાઓએ સોનિયાની ટિપ્પણને જનજાતીય સમાજનું અપમાન ગણાવી માફીની માંગ
કરી છે. કોંગ્રેસી નેતાઓને કે વિપક્ષોને રાષ્ટ્રપતિનું અભિભાષણ પસંદ પડયું હોય
નહીં તો તેઓ ખામી ચોક્કસ કાઢી શકે છે, પણ સામાન્ય રીતે
જ્યારે તેમના અભિભાષણ પર સંસદમાં ચર્ચા થાય ત્યારે કહી શકાય. રાષ્ટ્રપતિનું
અભિભાષણ સરકારની નીતિઓ જણાવે છે, તેથી વિપક્ષને ટીકા કરવાનો
અધિકાર છે. તેઓ આ અધિકારનો ઉપયોગ કરે છે અને કરવો પણ જોઈએ, પરંતુ
સોનિયા ગાંધીએ અભિભાષણના ગુણ-દોષ પર કોઈ ટિપ્પણી કરવાને બદલે રાષ્ટ્રપતિ મુર્મુ પર
જ ટિપ્પણ કરવાનું શરૂ કરી દીધું તે યોગ્ય નથી. રાષ્ટ્રપતિ માટે `િબચારી
મહિલા, થાકી
ગયેલી મહિલા' જેવા શબ્દો સોનિયા ગાંધીના છે ! એમણે આવા
શબ્દોનો પ્રયોગ કર્યો તે શરમજનક છે. શું સોનિયા ગાંધી આડકતરી રીતે એમ કહેવા માગતાં
હતા કે, રાષ્ટ્રપતિ અભિભાષણ વાંચવા સમર્થ ન હતાં ? સમજ્યાં નથી ? તેમણે કેવી રીતે રાષ્ટ્રપતિને થાકેલા
હોવાનું કહ્યું, તે ઉચિત નથી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ
રાષ્ટ્રપતિ વિશે અયોગ્ય ભાષા વાપર્યા પછી કોંગ્રેસ હવે આ પ્રકરણ સંકેલી લેવા માગે
છે કે, તેમના શબ્દો ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. આવું શા
માટે બને છે? તેનો વિચાર કર્યો તો તેનું મૂળ ક્યાંક કોંગ્રેસ
પક્ષની સંસ્કૃતિમાં હોવાનું દેખાય છે. કોંગ્રેસ અને ગાંધી ઘરાનાએ દીર્ઘકાળ સુધી
દેશને પોતાની જાગીર માન્યાનો આક્ષેપ ભાજપ વતી હંમેશાં થતો રહ્યો છે. બંધારણીય
પદોનું માન-સન્માન નહીં રાખવામાં કોંગ્રેસ મોખરે જ છે. દેશના પ્રથમ વડાપ્રધાન પં.
જવાહરલાલ નેહરુ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ સાથે કેવો વર્તાવ કરતા હતા? અને એમની રાજકુમારી ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી, તત્કાલીન
રાષ્ટ્રપતિ સાથેની વર્તણૂક, નરસિમ્હા રાવ વડાપ્રધાન બન્યા
પછી અને તેમનાં મૃત્યુ પછીની ગાંધી કુટુંબની વર્તણૂક અને આવા અનેક પ્રસંગો રાજકીય
એરણ પર સમયાંતરે ટીપાતા રહ્યા છે. ચૂંટણી મેદાન કે રાજકીય પીચ પર ભાજપ-કોંગ્રેસનો
જંગ જાણીતો છે. ચૂંટણી સભાઓમાં મોતના સોદાગર, ચોકીદાર ચોર હૈ,
નીચ-હલકી જાતિ વગેરે શબ્દપ્રયોગ ગાંધી પરિવારે વારંવાર કર્યા છે.
રાહુલે વિદેશ જઈને ભારતની ટીકા કરી છે. શહેરી નક્સલવાદીઓની ભાષા બોલવી, એ જ કોંગ્રેસની નીતિ હોવાનું સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે, હાથમાં બંધારણની નકલ લઈ ફરનારા નેતાઓ અને કોંગ્રેસ પક્ષ દ્વારા બંધારણીય
સંસ્થા અને પદનો આદર થવાની આશા છે?